ભારતને મળશે જાપાનની E10 સિરીઝની બુલેટ ટ્રેન: જાણો તેની ખાસિયતો
અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ કોરિડોર પર દોડનારી હાઈ સ્પીડ ટ્રેન ભૂકંપ પ્રતિરોધક પ્રણાલી અને અન્ય આધુનિક સુવિધાઓથી સજ્જ હશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાતે છે, ત્યારે અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેનની યોજના અંગે વાતચીત થાય એ વાત સ્વાભાવિક છે. આ મહત્વાકાંક્ષી યોજના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું અમદાવાદ-મુંબઈ જ નહીં, પણ દેશના 7,000 કિલોમીટરના કોરિડોરમાં બુલેટ ટ્રેનના નેટવર્કનું નિર્માણ કરવામાં આવશે. હવે આ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનના કોરિડોરમાં બુલેટ ટ્રેનની પણ આધુનિક સિરીઝની ટ્રેન દોડાવવામાં આવશે. ભારતમાં સૌથી પહેલી બુલેટ ટ્રેનના પ્રકલ્પનો શિલાન્યાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન જાપાની વડા પ્રધાન શિંજો આબેએ કર્યો હતો, જે પ્રોજેક્ટ હવે બુલેટ વેગે ટ્રેક પર આવ્યો છે.

ગુજરાતમાં પહેલા તબક્કામાં શરુ થશે બુલેટ ટ્રેન
બે વર્ષ પછી 2027માં બુલેટ ટ્રેનના પહેલા તબક્કામાં બુલેટ ટ્રેન દોડાવવાની અપેક્ષા છે, જે અન્વયે જાપાન આ યોજના માટે 80 ટકાની સોફ્ટ લોન આપશે, જ્યારે બાકીની રકમનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર વહન કરશે. હવે ગુજરાતમાં સુરતથી બિલિમોરા વચ્ચે ટ્રાયલ રન દોડાવ્યા પછી બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે. એના પછી બીજા તબક્કામાં અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેન દોડાવાશે, જેમાં 508 કિલોમીટરનું અંતર બે કલાકમાં કાપશે.
ઈ10 શિન્કાન્સેન સિરીઝની ટ્રેન ભારતને મળશે
ભારત અને જાપાન વચ્ચેના કરાર મુજબ ભારતને જાપાન ઈ5 સિરીઝની શિન્કાન્સેન સિરીઝની ટ્રેન આપવાનું પ્લાનિંગ હતું. એના પછી પ્રોજેક્ટમાં વિલંબ અને જાપાનમાં ટેક્નિકલ અપગ્રેડેશનને કારણે ભારતમાં ઈ10 સિરીઝની ટ્રેન આપવાની રજૂઆત કરી હતી. ઈ10 સિરીઝની ડિઝાઈન સકુરા (ચેરી બ્લોસમ) ફૂલોથી પ્રેરિત છે. ઈ10 સિરીઝની વિશેષતામાં એલ-શેપની ગાઈડ વ્યવસ્થા, જે ભૂકંપના વખતે ટ્રેનને પાટા પરથી ઉતરતા અટકાવે છે.
ટ્રેનની મહત્તમ સ્પીડ કલાકના 320 કિલોમીટરની છે, જ્યારે ટેક્નિકલ કેપેસિટી કલાકના 360 કિલોમીટરની છે. પંદર ટકા બ્રેકિંગ ડિસ્ટન્સ એટલે 3.4 કિલોમીટર રોકાઈ શકે છે (ઈપી સિરીઝની ટ્રેનને ચાર કિલોમીટર લાગે છે) એની સાથે ટ્રેનમાં સામાન રાખવાની સુવિધા, વ્હિલચેર યૂઝર્સ માટે સ્પેશિયલ સીટ અને રિવોલ્વિંગ સીટિંગ વ્યવસ્થા પણ છે, જે ભવિષ્યમાં ફુલ્લી ઓટોમેટિક સંચાલિત હશે. ઉપરાંત, બિઝનેસ ક્લાસમાં રિક્લાઈનર સીટ્સ, ઈન બિલ્ટ ડેસ્ક અને ઓનબોર્ડ વાઈફાઈની સર્વિસ પણ મળશે.
બુલેટ ટ્રેન શું છે અને કયા દેશમાં દોડાવાય છે?
ઈ-10 સિરીઝની બુલેટ ટ્રેન જાપાનમાં 2030માં શરુ થશે, જ્યારે ભારતમાં 2027માં ઈ-5 સિરીઝની બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનમાં બુલેટ ટ્રેન (ઈ10 સિરીઝ)ની નિર્માણ ફેક્ટરીની પણ મુલાકાત લેવાની યોજના હતી. વાસ્તવમાં ભારતમાં 2009માં ભારત સરકારે પુણે-અમદાવાદ અને દિલ્હી-અમૃતસર (વાયા ચંદીગઢ) સહિત અન્ય પાંચ હાઈ સ્પીડ કોરિડોર બનાવવાની યોજના બનાવી હતી. બુલેટ ટ્રેનને હાઈ સ્પીડ પણ કહેવાય છે. સામાન્ય રીતે કલાકના 250 કિલોમીટરની ઝડપથી ટ્રેન દોડાવાય છે, જ્યારે તેના માટે એક સ્વતંત્ર ડેડિકેટેડ કોરિડોર હોય છે, જે ફ્રાન્સ, જાપાન, ચીન, કોરિયા, જર્મની, સ્પેન, ઈટલી, બેલ્જિયમ વગેરે દેશમાં અગાઉથી દોડાવાય છે.
