મહારાષ્ટ્રના વિરારમાં બિલ્ડિંગ ધરાશાયી: દીકરીનો જન્મદિવસ માતમમાં ફેરવાયો, 15નાં મોત
10 વર્ષ જૂની ઈમારત ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ, ગેરકાયદે બાંધકામનો મુદ્દો ચર્ચામાં
મહારાષ્ટ્રના પાલઘરમાં વિરારમાં દસ વર્ષ જૂની બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે 15 લોકોનાં મોત થયા છે, જ્યારે હજુ પણ બચાવ કામગીરી ચાલુ છે. આ બનાવના 30 કલાક પછી પણ એનડીઆરએફની ટીમ સહિત ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાટમાળને હટાવવાની કામગીરી ચાલુ છે. આ બનાવને લઈ દેશમાં ગેરકાયદે બિલ્ડિંગ સાથે જર્જરિત ઈમારતનો મુદ્દે ગંભીર બની શકે છે. આ બિલ્ડિંગ ગેરકાયદે છે, પરંતુ આ બનાવ મુદ્દે જાણવા મળ્યું છે કે ઈમારત ધરાશાયી થયા પૂર્વે બિલ્ડિંગમાં એક માળ પર દીકરીના જન્મદિવસનું સેલિબ્રેશન ચાલી રહ્યું હતું, ત્યારે અકસ્માત થયો હતો, જેમાં માતા-દીકરી સહિત પરિવારના અન્ય લોકો ભોગ બન્યા હતા.
ઈમારત ધરાશાયી થયા પછી કાટમાળમાંથી છ લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્ય છ લોકોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. વસઈ વિરાર નગરપાલિકાએ કહ્યું કે છ લોકોને મુંબઈ સહિત નાલાસોપારાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ત્રણ લોકોની સારવાર કરીને હોસ્પિટલમાંથી રજા આપી હતી. આ બનાવ પછી પોલીસે ગેરકાયદે ઈમારત બનાવનારા બિલ્ડર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા છે.
અધિકારીઓએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં 12 મૃતકમાંથી સાતની ઓળખ કરવામાં આવી છે, જેમાં આરોહી ઓમકાર જોવિલ (24), દીકરી ઉત્કર્ષા જોવિલ, લક્ષ્મણ કિસ્કુ સિંહ (26), દિનેશ પ્રકાશ સપકાલ (43), સુપ્રિયા નિવાલકર (38), અર્નવ નિવાલકર (11) અને પાર્વતી સપકાળ છે. જિલ્લા ક્લેક્ટર ઈન્દુ રાની જાખડે કહ્યું છે કે હજુ પણ અમુક લોકો કાટમાળમાં દટાયેલા છે. અન્ય અધિકારીએ દાવો કર્યો હતો કે આ બિલ્ડિંગ જ્યાં પડ્યું ત્યાંનો વિસ્તાર ખાલી હોવાથી હજુ પણ મોટી જાનહાનિથી બચી ગયા છે.
અધિકારીએ કહ્યું હતું કે સુરક્ષાના ભાગરુપે આસપાસની ઈમારતોને ખાલી કરવામાં આવી છે, જ્યારે અન્ય લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. 2012માં આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં 50 ફ્લેટ છે, જ્યારે જે ભાગ ધસી પડ્યો છે તેમાં 12 ફ્લેટ છે. મળતી માહિતી અનુસાર એક પરિવારમાં દીકરીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી. કેક કાપ્યા પછી તરત બિલ્ડિંગ ધસી પડી હતી, જેમાં મા-દીકરીના મોત થયા છે, જ્યારે પિતાની હજુ સુધી ભાળ મળી નથી.
