December 20, 2025
ગુજરાતટોપ ન્યુઝ

સ્વદેશી અને આત્મનિર્ભર ભારત વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ગ: વડા પ્રધાન મોદી

Spread the love

દુનિયામાં આર્થિક સ્વાર્થની રાજનીતિ ચાલી રહી છે ત્યારે ભારતના ખેડૂતો, પશુપાલકોનું હિત અમારા માટે સર્વોપરિ છે, તેમનું અહિત નહિ થવા દઈએ

અમદાવાદઃ ત્રણ મહિનામાં બીજી વખત ગુજરાતની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષની સાથે મહાસત્તાઓને પણ પરોક્ષ રીતે વતનમાંથી મેસેજ આપ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતા પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા દ્રઢતાપૂર્વક જણાવ્યું છે કે, સ્વદેશી અને આત્મનિર્ભર ભારત એ વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ગ છે. આવનારા સમયમાં દેશનો પ્રત્યેક નાગરિક ‘વોકલ ફોર લોકલ’નો વાહક બનશે, દરેક નાગરિક સ્વદેશીના મંત્રને જીવી જાણશે. ૨૦૪૭માં જ્યારે ભારત આઝાદીના ૧૦૦ વર્ષ ઊજવતું હશે ત્યારે ભારત અવશ્ય વિકસિત રાષ્ટ્ર હશે જ.

અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને ૫,૪૭૭ કરોડના વિકાસ કામોની ભેટ
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વિકાસના ૨૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘વિકસિત ગુજરાત વિકસિત ભારત’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ ખાતેથી ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, રાજ્યના વરિષ્ઠ મંત્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને કુલ રૂપિયા ૫૪૭૭ કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી.

અમદાવાદને રૂ.3125 કરોડના વિકાસકામોની ભેટ મળી
આ વિકાસ કામો પૈકી અમદાવાદને રૂ.3125 કરોડના વિકાસકામોની ભેટ મળી હતી, તેમાં UGVCLના ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને લગતા રૂ.608 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, રૂ.133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના આઈએસએસઆર ઘટક હેઠળ રામાપીરના ટેકરાના સેક્ટર-3 ખાતે આવેલી ઝૂંપડપટ્ટીના વિકાસનું લોકાર્પણ, ચાંદખેડા અને ગોતા ખાતે 66kV સબસ્ટેશન તેમજ વિરમગામ ખુડદ રોડના લોકાર્પણનો સમાવેશ થાય છે.

સરદાર પટેલ રિંગરોડને સિક્સ લેન બનાવવાનું ખાતમુહૂર્ત કર્યું
આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકામાં સ્ટ્રોમ વૉટર ડ્રેનેજ, પશ્ચિમ અમદાવાદમાં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું ખાતમુહૂર્ત, સરદાર પટેલ રિંગરોડને સિક્સ લેન બનાવવાનું ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર શહેરના રૂ. 555 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. મહેસાણાને કુલ રૂ. 1796 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. તેમાં 1404 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે વિકાસના કામોના લોકાર્પણ કર્યા હતા તેમજ બે ટ્રેનનું ફ્લૅગ-ઑફ કર્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં યુજીવીસીએલના 221 કરોડ રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું, તેમજ માર્ગ-મકાન વિભાગના રૂ. 171 કરોડના ખર્ચે વિવિધ માર્ગોના ખાતમુહૂર્ત કર્યા હતા.

જે પણ ખરીદીશું તે ભારતમાં બનેલું જ ખરીદીશું
વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં નિકોલ ખાતેથી આ વિકાસકાર્યોની ભેટ ધરતાં જણાવ્યું હતું કે, દેશભરમાં ગણેશ ઉત્સવ માટે અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતના વિકાસ સાથે જોડાયેલી અનેક યોજનાઓના પણ શ્રી ગણેશ થઈ રહ્યા છે. વિકાસકાર્યો જનતા જનાર્દનને સમર્પિત કરવા મળ્યું, એનો મારું સદભાગ્ય માનું છું. તેમણે કહ્યું કે, આવનારો સમય તહેવારો પર્વનો સમય છે. આ સમય આનંદ અને ઉલ્લાસની સાથે સાથે આત્મનિર્ભરતાનો અવસર પણ બનવો જોઈએ. આજે હું પૂજ્ય ગાંધી બાપુની ધરતી પરથી દેશભરના લોકોને આગ્રહ કરવા માગું છું કે, આપણે એક જીવન મંત્ર અપનાવવાનો છે કે જે પણ ખરીદીશું તે ભારતમાં બનેલું જ ખરીદીશુ. જે સ્વદેશી હશે, મેડ ઇન ઇન્ડિયા હશે તે જ ખરીદીશું. ઘરની સજાવટ, કોઈને આપવા માટેનો ઉપહાર, દરેક વસ્તુ ભારતમાં બનેલી ખરીદીશું. ઓપરેશન સિંદૂરથી દુનિયાને સુદર્શન ચક્રધારી મોહનનો પરિચય થયો, તો આત્મનિર્ભર ભારત અભિયાન ચરખાધારી મોહનનો પરિચય કરાવશે, એવું તેમણે ઉમેર્યું હતું.

વેપારી વર્ગ નક્કી કરે વિદેશી માલ નહીં વેચે
પીએમ મોદીએ દેશભરના વ્યાપારીઓ દુકાનદારોને અનુરોધ કરતા કહ્યું કે, વ્યાપારી વર્ગ નક્કી કરે કે તેઓ વિદેશી માલ નહીં વેચે. વ્યાપારીઓ ગર્વ સાથે સાઇન બોર્ડ લગાવે કે મારે ત્યાં માત્ર સ્વદેશી વસ્તુ મળે છે. જો આ દેશના સામર્થ્યની પૂજા કરવામાં આવે તો દેશવાસીઓ રાષ્ટ્રહિતના સંકલ્પને ક્યારેય વ્યર્થ નવી નથી જવા દેતા. વડાપ્રધાનએ જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી બે મોહનની ધરતી છે, એક સુદર્શન ચક્રધારી મોહન – દ્વારિકાધીશ શ્રી કૃષ્ણની અને બીજા ચરખાધારી મોહન – સાબરમતીના સંત મહાત્મા ગાંધીની. ભારત આજે આ બન્ને મોહનોએ દર્શાવેલા રસ્તે ચલીને નિરંતર સશક્ત થઈ રહ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!