દિવાળી 2025: જાણો કઈ તારીખે છે દશેરા, ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ?
હાલમાં તહેવારોની મૌસમ પુરબહારમાં ખીલી છે. હિંદુ શાસ્ત્રોમાં દરેક તહેવારનું વિશિષ્ટ મહત્વ જણાવવામાં આવ્યું છે ત્યારે ચાલો એક નજર કરીએ ક્યારે છે પ્રકાશનું પર્વ દિવાળી અને દશેરાથી લઈને ભાઈબીજ સુધીના તહેવારોનું કેલેન્ડર…

રક્ષાબંધન, જન્માષ્ટમી બાદ હવે ગણેશોત્સવની તૈયારીઓ ચરમસીમા પર છે. આ દરમિયાન ટૂંક સમયમાં જ હિન્દુઓનો સૌથી મોટો તહેવાર ગણાતી નવરાત્રી અને દિવાળી પણ આવશે. આ જ કારણે આજે અમે અહીં તમારા માટે લઈને આવ્યા છીએ ફેસ્ટિવલ સિઝનનું આખેઆખું કેલેન્ડર…
દશેરા: નવરાત્રીના દસમા દિવસે દેશભરમાં દશેરાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આસો મહિનાના શુક્લ પક્ષની દસમના દશેરા પર્વ ઉજવવામાં આવે છે. આ તહેવાર અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક ગણાય છે. આ વખતે બીજી ઓક્ટોબરના રોજ દશેરાની ઉજવણી કરવામાં આવશે.
ધનતેરસ: દિવાળીની શરૂઆત ભલે એકાદશી, કે બારસથી થાય એવું કહેવાય પણ પાંચ દિવસના આ પર્વનો પહેલો દિવસ તો ધનતેરસ ગણાય છે. આયુર્વેદના દેવતા ધન્વંતરિની જયંતિ તરીકે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ વખતે શનિવાર 18મી ઓક્ટબરના રોજ ધનતેરસ ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસે સોનુ કે નવી વસ્તુઓ ખરીદવાની પરંપરા છે.
આ વર્ષે ધનતેરસ પૂજા કરવામાં મુહૂર્ત વિશે વાત કરીએ તો સાંજે 7.16 વાગ્યાથી 8.20 વાગ્યા સુધીનું મુહૂર્ત રહેશે. આ દિવસે ભગવાન કુબેર અને ધન્વંતરિ દેવની પૂજા કરવામાં આવે છે. અગાઉ કહ્યું એમ આ દિવસ સોના ચાંદીની વસ્તુ ખરીદવાની પરંપરા છે.
કાળી ચૌદશ કે નરક ચતુર્દશી: ધનતેરસના બીજા દિવસે એટલે કે 19મી ઓક્ટોબરના છોટી દિવાળી એટલે કે નરક ચતુર્દશી તરીકે ઉજવવામાં આવે છે. ઉત્તર પ્રદેશ બાજુ આ દિવસ હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે દીપ પ્રગટાવવાથી નરકમાંથી મુક્તિ મળે છે અને પિતૃઓની પૂજા કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.
દિવાળી: ત્રીજા દિવસે એટલે કે 20મી ઓક્ટોબરના દિવસે આ વખતે દિવાળી આવી રહી છે. આ વખતે દિવાળી પર લક્ષ્મી પૂજા માટે સાંજે 07.08 વાગ્યાથી લઈને 08.18 વાગ્યા સુધીનું મુહૂર્ત રહેશે. આ દિવસે મા લક્ષ્મી, ગણેશજી, કાળી માતા અને કુબેરદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે.
ગોવર્ધન પૂજા: દિવાળીના બાદ 22મી ઓક્ટોબરના બુધવારે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. આ દિવસને અનેક જગ્યાએ અન્નકૂટ પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે. જેના માટે સવારે 6.26 વાગ્યાથી લઈને 8.42 વાગ્યા સુધી અને સાંજે 3.29 વાગ્યાથી 5.44 વાગ્યા સુધીનું મુહૂર્ત છે. આ દિવસે છાણમાંથી ગોવર્ધન પર્વતની આકૃતિ બનાવીને તેની પૂજા કરવામાં આવે છે.
ભાઈબીજ: પાંચ દિવસના આ પર્વનું સમાપન ભાઈબીજથી થાય છે. આ વખતે 23મી ઓક્ટોબરના રોજ ભાઈબીજની ઉજવણી કરવામાં આવશે. તિલકનું શુભ મુહૂર્ત બપોરે 1.13 વાગ્યાથી 3.28 વાગ્યા સુધીનો રહેશે.
