સાકર કે ગોળ: જાણો એક્સપર્ટ શું કહે છે, શું ખરેખર ગોળ સાકર કરતાં વધુ ફાયદાકારક છે?
સાકરને આપણામાંથી અનેક લોકો ‘વ્હાઈટ પોઈઝન’ માને છે ત્યારે હેડિંગ વાંચીને તમને પણ થઈ ગયું હશે કે ભાઈ આ કેવો સવાલ છે? સાકર અને ગોળની વાત હોય ત્યારે ગોળ જ વધારે ફાયદાકારક ગણાય ને?? પણ આજે આપણે અહીં આ સ્ટોરીમાં જાણીશું કે આખરે આ બંનેમાંથી શું વધારે હેલ્ધી છે એ…
એક સર્વ સામાન્ય માન્યતા છે કે સાકર કરતાં ગોળ એ વધુ હેલ્ધી હોય છે. એટલું જ ગોળ લોકો વધુ નેચરલ, રિફાઇન્ડ કરેલું હોય છે અને એટલે જ અનેક લોકો સાકર અને ગોળમાંથી ગોળને પહેલી પ્રાથમિકતા આપે છે. પણ શું સાચે જ એવું છે, ગોળ સાકર કરતાં વધારે ફાયદાકારક છે ખરું?
આ વિશે એક જાણીતા હેલ્થ એક્સપર્ટનું એવું માનવું છે કે જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે, ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ છે કે પછી તેઓ પોતાની મેટાબોલિક હેલ્થને જાળવી રાખવા માંગતા હો તો તમારા માટે ગોળ પણ સાકર જેવો છે. ભલે, તમને એવું લાગે કે ગોળ સાકર કરતાં બેટર ઓપ્શન છે. પણ હકીકતમાં એવું નથી.
આગળ તેમણે જણાવ્યું હતું કે શરીરને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે મીઠાસ ગોળમાંથી આવી છે કે સાકરમાંથી. જ્યારે તમારા શરીરમાં મીઠાસ પ્રવેશે છે ત્યારે તે તેમાં રહેલું ગ્લુકોઝ અને ફ્રકટોઝ કે જેને આપણે શર્કરા તરીકે ઓળખીએ છીએ તે શરીર આ બંનેને જોઈને એ પ્રમાણે જ રિએક્ટ કરે છે.
રિફાઇન્ડ શુગરમાં મોટા ભાગે સુક્રોઝ હોય છે જ્યારે ગોળમાં આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને એન્ટી ઓક્સિડન્ટ પણ હોય છે, કારણ કે તેને વધુ પ્રોસેસ નથી કરવામાં આવતું. પણ હકીકત તો એ છે કે ગોળ હોય કે સાકર બંનેને પ્રમાણમાં લેવું જ ફાયદાકારક છે. એમાં પણ ખાસ કરીને જ્યારે તમને હેલ્થ ઇશ્યૂ કે પછી ડાયાબિટીસ હોય.
ગોળમાં 65થી 90 ટકા સુધી તો સાકર જ હોય છે અને અનેક કિસ્સામાં તો તે ગોળની જાત પર પણ આધાર રાખે છે. કેલરીની વાત કરીએ તો ગોળ અને સાકર બંને એક સમાન છે. વાત કરીએ ગ્લાઈસેમિક ઇન્ડેક્સ (GI)ની તો સાકરનું જીઆઈ 65 જ્યારે ગોળનું જીઆઈ 84 જેટલું હોય છે. આનો અર્થ એવો છે કે ગોળ સાકરની સરખામણીએ ઝડપથી બ્લડ શુગર વધારી શકે છે અને આપણે ગોળને જ હેલ્ધી માનીએ છીએ. ટૂંકમાં કહીએ તો ગોળ હોય કે સાકર હેલ્થ માટે બંનેમાંથી કંઈ જ ફાયદાકારક નથી. બંનેના સેવનથી આરોગ્યને એટલું જ નુકસાન પહોંચે છે.
