December 20, 2025
ટોપ ન્યુઝમુંબઈ

મુંબઈ ડૂબ્યું એટલે મોનો રેલ ઝૂકી ગઈ, સરકારની ઊંઘ હરામ?

Spread the love


ભારે વરસાદમાં બે મોનોરેલ ફસાઈ, 800થી વધુ પ્રવાસી સુરક્ષિત બહાર કાઢાયા


19 ઓગસ્ટ મુંબઈ માટે 26 જુલાઈનું પુનરાવર્તન સમાન હતું. 24 કલાકમાં 14 ઇંચથી વધારે વરરસાદ ખાબકવાને કારણે ફ્લાઈટ, બસ, રેલવે સહિત તમામ જાહેર પરિવહન સેવા પર અસર થઈ હતી. મુંબઈની લોકલ ટ્રેન પણ દિવસ દરમિયાન સાતેક કલાક ઠપ રહી હતી. ઓગસ્ટ મહિનાનું ચોમાસું મુંબઈ માટે આફત લઈ આવ્યું હતું. બે દિવસના વરસાદે મુંબઈને પાણી પાણી કરી નાખ્યું હતું, જેમાં સ્કૂલ-કોલેજને બંધ કરવાને કારણે મોટી આફતમાંથી ઉગરી ગયું, પણ મુંબઈ પ્રશાસન માટે ‘ધોળો હાથી’ એટલે ‘વ્હાઈટ એલિફન્ટ’ બની ગયેલ મોનો રેલ પણ ટેક્નિકલ ખરાબીને કારણે અટકી ગઈ હતી, જેમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ પણ અટકી ગયા. પ્રશાસને યેનકેન પ્રકારે બચાવ્યા પણ સવાલ હજુ સૌને સતાવે છે કે મોનોરેલ ટેક્નિકલ ફેઈલ્યોરથી અટકી કે વજનને કારણે અટકી હતી. આ સવાલે સરકારની ઊંઘ હરામ કરી છે. જોઈએ શું થયું હતું?

એક મોનોરેલમાં 528 પ્રવાસીને બચાવ્યાં
મંગળવારે દિવસભર ભારે વરસાદને કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારોની સાથે તમામ વીઆઈપી વિસ્તારોને જોડતા રસ્તાઓ, સ્ટ્રીટ પણ જળબંબાકાર બન્યા હતા. રેલવે સ્ટેશનને જોડતા રેલવે ટ્રેક પર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. બે મોનોરેલ અલગ અલગ સ્ટેશનની વચ્ચે ખરાબ થઈ ગઈ હતી, જેમાં 800 જેટલા પ્રવાસી ફસાયા હતા. પહેલા બનાવમાં 582 પ્રવાસીને ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. દોઢથી બે કલાક સુધીના પાવર ફેઈલ્યોરને કારણે મોનોરેલમાં પ્રવાસીઓ ફસાયેલા રહ્યા હતા. એના પછી બીજા બનાવમાં લગભગ 200 પ્રવાસીને થોડી વાર પછી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બીજો બનાવ એ વખતે બન્યો, જ્યારે વરસાદને કારણે હાર્બર અને સેન્ટ્રલ રેલવેની બંને લાઈનની ટ્રેન બંધ થઈ હતી.

પાવર આઉટેજને કારણે સમસ્યા સર્જાઈ
મોનોરેલ મુંબઈમાં 20 કિલોમીટરના લાંબા રુટમાં ચેમ્બુરથી સંત ગાડગે મહારાજ ચૌક સુધી દોડાવાય છે. મંગળવારે સાંજના 6.38 વાગ્યે ભક્તિ પાર્ક અને મૈસુર કોલોની સુધી મોનોરેલની એક રેકનો એક ભાગ ઝૂકી ગયો હતો. લોકલ ટ્રેન બંધ થયા પછી મોનોરેલમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો હતો, જેનું કારણ પાવર આઉટેજ હોવાનું જણાવ્યું હતું.
મોનોરેલ દોઢ કલાક સુધી ફસાઈ જવાને કારણે પ્રવાસીઓને ગૂંગળામણની સમસ્યા ઊભી થઈ હતી, જેમાંથી 23 પ્રવાસીને ઘટનાસ્થળે સારવાર આપવામાં આવી હતી, જ્યારે બે પ્રવાસીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એક 20 વર્ષની યુવતીનો સમાવેશ થયો હતો. ઘટનાસ્થળે બચાવ કામગીરી કરનારી એજન્સી મોનોરેલના દરવાજા ખોલી શકી નહોતી. ફાયર બ્રિગેડની ટીમ કાચ તોડીને ક્રેઈનની મદદથી પ્રવાસીઓને સુરક્ષિત બહાર લાવવામાં સફળ રહી હતી, તેથી મોટી હોનારત બચી ગઈ હતી.

પાવર આઉટેજ કે ઓવરલોડેડ પેસેન્જર?
મોનોરેલનું સંચાલન કરનારી મુંબઈ મહાનગર રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ શરુઆતમાં કહ્યું કે આ બનાવ મૈસુર કોલોની સ્ટેશન નજીક પાવર આઉટેજને કારણે સમસ્યા ઊભી થઈ હતી. પછી દાવો કર્યો હતો કે ટ્રેનમાં ભયાનક ભીડને કારણે સમસ્યા ઊભી થઈ, પરંતુ એની પણ તપાસ હાથ ધરવાનો નિર્ણય લીધો હતો. પ્રાથમિક તબક્કે એમએમઆરડીએ કહ્યું હતું કે મોનોરેલ (આરએસટી-4) ભક્તિ પાર્ક અને ચેમ્બુર નજીક મૈસુર કોલોની નજીક રોકી હતી. ભીડને કારણે ટ્રેનનું કૂલ વજન 109 મેટ્રિક ટન થયું, જ્યારે તેની નિર્ધારિત ક્ષમતા 104 મેટ્રિક ટનથી વધુ હતું. નિર્ધારિત ટ્રેનની વજન ક્ષમતા કરતા વધુ થવાથી પાવર આઉટેજ અને કરન્ટ ક્લેક્ટરની વચ્ચેનો કોન્ટેક્સ તૂટ્યો હતો, જેને કારણે પાવર આઉટેજ ઊભો થયો હતો, તેથી ટ્રેન ફસાઈ ગઈ હતી.

ખોટને સરભર કરવા પ્રશાસનની મોટી યોજના
19મી ઓગસ્ટના બનાવ મુદ્દે એમએમઆરડીએ તપાસ હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે. તપાસ હાથ ધરવામાં આવ્યા પછી ચોક્કસ કારણ જાણવા મળશે, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મોનોરેલને અપેક્ષા પ્રમાણે આવક થતી નથી અને પ્રવાસીઓ પણ મળતા નથી. 2023-24 સુધીમાં 520 કરોડની ખોટ થવાની અપેક્ષા હતી. મુંબઈ મેટ્રો પોલિટન રિજનમાં 185 કિલોમીટરનું લાંબુ નેટવર્ક બનાવવાની યોજના બનાવી હતી, જ્યાં બેસ્ટની બસ પર્યાપ્ત જગ્યાએ પહોંચી શક્તિ નથી. મોનોરેલને પર્યાપ્ત સંખ્યામાં પ્રવાસીઓ મળશે નહીં, તેથી મૂળ યોજનાને અભરાઈ પર ચઢાવી અને 20 કિલોમીટરે ફુલસ્ટોપ મૂક્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!