ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે મહારાષ્ટ્રના રાજ્યપાલનું નામ કેમ જાહેર, કોણ છે સીપી રાધાકૃષ્ણન?
એડીએએ મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા છે. સીપી રાધાકૃષ્ણની ઓળખ આપીએ તો મહારાષ્ટ્રના ગવર્નર છે, જ્યારે કોઈમ્બતુરથી બે વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. તમિલનાડુમાં ભાજપના પ્રમુખપદે રહીને પોતાની આગવી ઓળખ બનાવી છે, જ્યારે પાર્ટીને પણ દક્ષિણ ભારતમાં સન્માન વધાર્યું હતું. રાજકારણમાં સક્રિય રહેતા સાંસદ પછી રાજ્યપાલ અને હવે સીધા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. સીપી રાધાકૃષ્ણ સંગઠન અને પ્રશાસન બંને ક્ષેત્રે મજબૂત પક્કડ ધરાવે છે. બીજી બાજુ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય, દેવવ્રત (મૂળ સમલખા, પંજાબ)ના છે. જેઓ આર્ય સમાજના પ્રચારક, આયુર્વેદ, નિસર્ગોપચાર અને સજીવ ખેતીના સમર્થક ગુજરાતના 20મા રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના 12મા કુલપતિ.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું નામ ચર્ચામાં હતું
રવિવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ એનડીએ ઘટકપક્ષવતીથી સીપી રાધાકૃષ્ણનું નામ જાહેર કરીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકાયું છે. બિહાર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપવાને કારણે એનડીએ માટે નવી કવાયત હાથ ધરવાની નોબત આવી છે. એક બાજુ દેશના મહત્ત્વના રાજ્યની વિધાનસભાની સાથે પાલિકાની ચૂંટણીઓ જાહેર કરવાની ઘડીઓ ગણાય રહી છે, તેમાંય તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યા પછી બિહારમાં નીતિશ કુમાર અને આંધ્ર પ્રદેશમાંથી ચંદ્રબાબુ નાયડુનું નામ ઉપરાષ્ટ્રપતિ પદેથી જાહેર કરવાની અટકળો વહેતી થઈ હતી, પરંતુ હાલમાં એની અટકળો પર ફુલસ્ટોપ મૂક્યું છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું નામ જાહેર કરવાની અટકળો વચ્ચે એનડીએએ અચાનક મહારાષ્ટ્રના રાજ્યપાલનું નામ કેમ જાહેર કર્યું તો એનું પણ લોકોમાં કૌતુક જાગ્યું છે તો જાણીએ કોણ છે સીપી રાધાકૃષ્ણન.

1998માં કોઈમ્બતુરની બેઠક પરથી સાંસદ બન્યા હતા
તમિલનાડુમાં જન્મેલા 68 વર્ષના સીપી રાધાકૃષ્ણને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડિગ્રી લીધી છે. રાજકીય સફર આરએસએસથી શરુ થઈ. 1974માં ભારતીય જનસંઘની રાજ્ય કાર્યકારિણી સમિતિના સભ્ય બન્યા. તેઓ ઓબીસી સમુદાય કોંગુ વેલ્લાર (ગાઉંડર)માંથી આવે છે, જ્યારે પત્નીનું નામ આર. સુમતિ છે. આરએસએસ સાથે મજબૂત પક્કડ ધરાવનારા સીપી રાધાકૃષ્ણને 1996માં ભાજપ તમિલનાડુના સચિવ બનાવ્યા હતા અને 1998માં કોઈમ્બતુરમાંથી પહેલી વખત લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા એના પછી સંસદની ટેક્સટાઈલ સમિતિના પ્રમુખપદેથી કામ કર્યું હતું. પીએસયુ સમિતિ, નાણા સમિતિ તથા શેરબજારમાં કૌભાંડ સંબંધિત તપસા કરનારી સમિતિના પણ સભ્ય રહ્યા છે. 2004માં તેમણે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાને ભારતીય સંસદ તરીકે સંબોધિત કર્યું હતું. તાઈવાન જનારા પ્રથમ સંસદીય પ્રતિનિધિમંડળનો હિસ્સો હતા.

ભાજપનું નેતૃત્વ અને જનઆંદોલનમાં મહત્ત્વની રહી ભૂમિકા
2004થી 2007 સુધી ભાજપ તમિલનાડુના પ્રમુખ રહ્યા હતા. એ વખતે તેમણે 19,000 કિલોમીટર લાંબી રથયાત્રા કાઢી હતી, જે 93 દિવસ ચાલી હતી. નદીઓને જોડવા, આતંકવાદને ખતમ કરવા, સમાન નાગરિક ધારો લાગુ કરવા, ડ્રગ્સનું સેવન ખતમ કરવા વગેરે મુદ્દા પર ખાસ ભાર મૂક્યો હતો, જેનાથી તેમનું રાજકીય કદ વિસ્તર્યું હતું. 2016થી 2020 સુધી કોચીન સ્થિત કોયર બોર્ડના પ્રમુખ રહ્યા હતા. તેમના નેતૃત્વમાં કોયર નિકાસ 2,532 કરોડ રુપિયાની સપાટીએ પહોંચી હતી. 2020થી 2022 સુધી ભાજપ ઓલ ઈન્ડિયાના પ્રભારી રહ્યા અને કેરળની જવાબદારી સોંપી હતી.
રાજ્યપાલ અને ઉપરાજ્યપાલ તરીકે મહત્ત્વનો કાર્યકાળ રહ્યો
18 ફેબ્રુઆરી, 2023ના ઝારખંડના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી. ચાર મહિનામાં રાજ્યના તમામ 24 જિલ્લાની મુલાકાત લીધી હતી. 31 જુલાઈ, 2024 યાને ગયા વર્ષે મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. એ જ વર્ષે તેલંગણાના રાજ્યપાલ બનાવ્યા હતા. એટલું જ નહીં, પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ પણ બનાવ્યા હતા. એટલે છેલ્લા બે વર્ષમાં પાંચ રાજ્યના રાજ્યપાલ તરીકે કામગીરી કરી હતી. સીપી રાધાકૃષ્ણન એક સારા ખેલાડી છે, જેમાં કોલેજ લેવલ પર ટેબલ ટેનિસ ચેમ્પિયન રહ્યા હતા. એના સિવાય ક્રિકેટ, વોલબોલનો પણ શોખ ધરાવે છે. વિદેશમાં અમેરિકા, બ્રિટન, જર્મની, જાપાન, ચીન સહિત અનેક યુરોપિયન દેશોનો પણ પ્રવાસ કરી ચૂક્યા છે.
