December 20, 2025
ટેલીચક્કરવાંચન વૈવિધ્યમ

સન્ડે સ્પેશિયલઃ દૂરદર્શનની એવી લોકપ્રિય સિરિયલ, જેમાં 350 કલાકારે ડેબ્યૂ કર્યું ને વડા પ્રધાને આપ્યો વિચાર

Spread the love

શ્યામ બેનેગલ દિગ્દર્શિત આ ઐતિહાસિક સિરિયલમાં 1,000 કલાકારો જોડાયા, જેમાંથી 150 ફિલ્મી સ્ટાર હતા

ટાઈટલ વાચીને ઉત્સુકતા જાગી હશે કે રામાયણ કે મહાભારત સિરિયલ સૌથી લોકપ્રિય હતી, એના સિવાય એવી કોઈ સિરિયલ હતી. જો વધુ ઉત્સુકતા જાગી હોય તો આગળ વાત કરીએ. અત્યારના જમાનામાં 500 ચેનલ તમારા રસ માટે ઉપલબ્ધ છે, પણ નેવુંના દાયકામાં ફક્ત દૂરદર્શન એક મનોરજંનનું માધ્યમ હતું, જેને અપરથી લઈનને લોઅર ક્લાસ અને મિડલ ક્લાસના લોકો પરિવાર સાથે જોતા અને મોજ માણતા. આ મનોરંજનના સાધન તરીકે જૂની ફિલ્મો, પ્રાદેશિક ફિલ્મો, સમાચાર સાથે સિરિયલનો પણ ઉમેરો થયો હતો અને એવી સિરિયલ લોકોમાં સામાજિક કલ્યાણ અને લોકોનું ભલું કરવા માટે નિમિત્ત બની હતી. ખેર, એવી પણ ધારાવાહિક હતી, જેમાં એકસાથે 300 કલાકારે ડેબ્યૂ કર્યું અને એનો વિચાર વડા પ્રધાને આપ્યો હતો.

ડિસ્કવરી ઓફ ઈન્ડિયા આધારિત હતી સિરિયલ
આ સિરિયલમાં ડેબ્યૂ કરનારા કલાકારો ભવિષ્યમાં સુપરસ્ટાર બન્યા હતા એ વાત જુદી હતી, પરંતુ આ સિરિયલમાં એ જમાનામાં 1,000 કલાકાર સામેલ હતા અને 53 એપિસોડ હતા. દર રવિવારે સવારના અગિયાર વાગ્યે દૂરદર્શન પર ટેલિકાસ્ટ કરવામાં આવતી ત્યારે પરિવારમાં સોંપો પડી જતા. મોટા ભાગના લોકો ટીવી સામે બેસીને એ સિરિયલને જોતા. હજુ એની ખબર ના હોય તો કહીએ ભારત એક ખોજ. આ સિરિયલ દિવંગત વડા પ્રધાન જવાહરલાલ નહેરુના પુસ્તક ધ ડિસ્કવરી ઓફ ઈન્ડિયા આધારિત હતી અને તેનું દિગ્દર્શન શ્યામ બેનેગલે કર્યું હતું. આ સિરિયલમાં ભારતના બંધારણથી લઈને 5,000 વર્ષ જૂના ઈતિહાસને અસરકારક રીતે રજૂ કર્યો હતો.

સવા 11 મહિનાના શૂટિંગમાં સિરિયલ બનાવી
ભારત એક ખોજ બનાવવાનો આઈડિયા તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ આપ્યો હતો અને શ્યામ બેનેગલે બાખૂબી નિર્દેશન કર્યું. રામાયણ, મહાભારતના માફક ભારત એક ખોજને પણ એક મહાકાવ્યના માફક રજૂ કરવામાં આવે. ડિસ્કવરી ઓફ ઈન્ડિયા પુસ્તકમાં પણ ભારતના ઈતિહાસ સાથે દેશની અનેક સંસ્કૃતિઓનો સંગમ અને અનેકતામાં એકતા હતી. એના પછી જે દોર ચાલ્યો અગિયાર મહિના અને 17 દિવસના શૂટિંગમાં ભારત એક ખોજનું નિર્માણ થયું. બહુ સંશોધન કર્યું અને બાબાસાહેબ આંબેડકરથી લઈને મહાત્મા ગાંધી સુધીના પાત્રો માટે દિગ્ગજ કલાકારોને લેવામાં આવ્યા હતા. સિરિયલની સ્ક્રિપ્ટ બહુ સંશોધન કરીને લખી, જેમાં રામાયણ, મહાભારત, ચાણક્ય, અશોકથી લઈને ચોલ સામ્રાજ્ય, ઔરંગઝેબ, અકબર, દિલ્હી સલ્તનત, ટિપુ સુલ્તાન, મહાત્મા ગાંધી, વિવેકાનંદ અને 1857ની ક્રાંતિ વગેરે એપિસોડ્સ માટે કાસ્ટિંગ કરવામાં ઘણી તકલીફ પડી, પણ સફળ રહ્યા તમામ પ્રયાસો.

1,000 કલાકારમાંથી 150 ફિલ્મી સ્ટાર હતા
શ્યામ બેનેગલે બતાવ્યું હતું કે ભારત એક ખોજમાં 1,000 કલાકારને લેવામાં આવ્યા હતા, જેમાંથી 150 તો ફિલ્મી કલાકારો હતો, જ્યારે 350 કલાકારને લોન્ચ કરવામાં આવ્યા હતા. સિરિયલની સ્ક્રિપ્ટ લખવાનું 1986માં શરુ કર્યું હતું, જ્યારે લખવા માટે 25 રાઈટર્સ અને 35 ઈતિહાસકારોને સામેલ કર્યાં, જેમાંથી અમુક તો માસ્ટર હતા. સિરિયલમાં રોશન શેઠ બન્યા હતા, જવાહરલાલ નહેરુ, જે શોના નેરેટર હતા. અનેક એવા અભિનેતા હતા, જેમાં અનેક પ્રકારના રોલ કર્યા હતા, જેમ કે ઓમ પુરીએ દૂર્યોધન તો બીજામાં અશોક અને ત્રીજામાં ઔરંગઝેબનો અભિનય કર્યો હતો. એ જ રીતે સલીમ ઘોષે કૃષ્ણ, રામ અને ટીપુ સુલ્તાનનો રોલ કર્યો હતો.

સિરિયલમાં જોવા મળ્યા બોલીવુડના કલાકારો
ભારત એક ખોજ સિરિયલમાં જે જાણીતા કલાકારોએ કામ કર્યું, તેમાં રોશન શેઠ, અમરીશ પુરી, ઓમ પુરી, ટોમ ઓલ્ટર, સદાશિવ અમરાપુરકર, નસીરુદ્દીન શાહ, લકી અલી, શબાના આઝમી, મીતા વશિષ્ઠ, પલ્લવી જોશી, અંજન શ્રીવાસ્તવ, ઈલા અરુણ, ઈરફાન, પીયૂષ મિશ્રા, કુલભૂષણ ખરબંદા, પંકજ બૈરી અને સુબ્રત બોઝ સહિત અન્ય કલાકારો હતા. મુંબઈના ગોરેગાંવ ફિસ્મસિટીમાં શૂટ કરવામાં આવ્યું હતું. ફિલ્મસિટીમાં એક વર્ષ માટે બે ફ્લોર બુક કર્યા હતા. શૂટિંગ તાજમહલ અને વેસ્ટર્ન ઘાટ સિવાય ઐતિહાસિક જગ્યાઓએ પણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!