ગુજરાતમાં પંદરમી વિધાનસભાનું સાતમું સત્ર આઠમી સપ્ટેમ્બરથી શરુ થશે
ત્રણ દિવસનું ટૂંકું ‘ચોમાસું સત્ર’ યોજાશે: વિધાનસભા અધ્યક્ષની જાહેરાત
ગુજરાત વિધાનસભાના ‘ચોમાસુ સત્ર’નું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા આહ્વાન થયું છે, જે અંતર્ગત તારીખ ૮ થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી ત્રણ દિવસ ૧૫મી વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે. ગુજરાત વિધાનસભાએ ચોમાસું સત્ર સંબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આ સંદર્ભે વિગતો આપતાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ૧૫મી વિધાનસભાના સાતમાં સત્રનું આહ્વાન કર્યું છે. જે અંતર્ગત આગામી તા. ૮, ૯ અને ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન ત્રણ દિવસ ‘ચોમાસું સત્ર’ યોજાશે. ગુજરાત વિધાનસભા ખાતે આગામી તા. ૨૦ ઓગસ્ટ સુધી ધારાસભ્યો પોતાના પ્રશ્નો ઓનલાઇન તેમ જ પ્રત્યક્ષ એમ બંને પદ્ધતિથી આપી શકશે.
વધુમાં અધ્યક્ષએ જણાવ્યું હતું કે તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ દરમિયાન સરકારી કામકાજમાં જી.એસ.ટી. સુધારા વિધેયક તેમજ ફેક્ટરી એક્ટ સુધારા વિધેયકના વટ હુકમ વિધાનસભામાં રજૂ થશે. જો સરકાર પાસે અન્ય કોઈ બાકીનું કામકાજ હશે તો તે પણ રજૂ થતાં આગળ લેવામાં આવશે. આ ઉપરાંત તા. ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ શનિવારના રોજ બોલાવવામાં આવેલી કામકાજ સલાહકાર સમિતિની મીટિંગમાં વિધાનસભા કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
ચોમાસુ સત્રના પહેલા દિવસે શોકદર્શક ઠરાવનો ઉલ્લેખ કરવામાં આવશે તેમ જ આઠ, નવ અને દસ સપ્ટેમ્બરના સરકારી કામકાજ અને મહત્ત્વના વિધેયકો ગૃહમાં રજૂ કરવામાં આવશે.
