December 19, 2025
ગુજરાત

બ્રેઇનડેડ દીકરાના અંગોનું દાન કરીને પિતાએ પુત્રને અન્યમાં જીવતો રાખ્યો

Spread the love


‘રાષ્ટ્રીય અંગદાન દિવસ’ના બે દિવસ પહેલાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ૨૦૨મું અંગદાન થયું; પિતા ગણપતભાઈએ દીકરા ધીરજભાઈના અંગોનું દાન કરી અનેકને નવજીવન આપ્યું


લાંબા સમયથી પુત્રને ખેંચની બીમારીથી પીડાતા જોયો હોવાથી ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓની પરીસ્થિતિને સારી રીતે સમજી શકું છું. આવા દર્દીઓની પીડા ઓછી થાય અને તેમને નવું જીવન મળે તે હેતુથી મારા બ્રેઇનડેડ દીકરાના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો – ગણપતભાઇ શ્રીમાળી, અંગદાતા ધીરજભાઇના પિતા


સિવિલ હોસ્પિટલમાં થયેલા ૨૦૨માં અંગદાનની વાત કરીએ તો અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા ધીરજભાઇ શ્રીમાળી છેલ્લા પચ્ચીસ વર્ષથી ખેંચની બીમારીથી પીડાતા હતા. ૪૫ વર્ષીય ધીરજભાઇને ૨૮ જુલાઈના રોજ ખેંચ આવતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં ૭૨ કલાક કરતા વધારે સમયની સઘન સારવાર બાદ તારીખ ૦૧ ઓગસ્ટના રોજ ડોક્ટરોએ ધીરજભાઇને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીના સ્વજનોને બ્રેઇનડેડ પરીસ્થિતિ અને અંગદાન વિશે સમજાવતા સિવિલ હોસ્પિટલમાં હાજર તેમના પિતા ગણપતભાઇએ તેમના અંગોનું દાન કરવા સંમતિ આપી હતી. બ્રેઇનડેડ પુત્રના અંગોનું દાન કરીને ગણપતભાઇએ પુત્રને અન્યમાં જીવતો રાખવાનો સંતોષ પ્રાપ્ત કર્યો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ આ અંગદાન બાબતે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિતલ ખાતે આજદિન સુધીમાં કુલ ૨૦૨ અંગદાન થયા છે . જેના દ્વારા કુલ ૬૬૪ અંગોનું દાન મળ્યું છે. જે થકી ૬૪૫ લોકોને નવજીવન પ્રદાન થયું છે. ધીરજભાઇના અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૭૭ લીવર, ૩૬૮ કીડની, ૧૪ સ્વાદુપિંડ, ૬૫ હ્રદય, ૬ હાથ, ૩૨ ફેફસા, ૨ નાના આંતરડા તથા ૨૧ ચામડીનું દાન મળ્યુ છે.

ધીરજભાઇના અંગદાનથી મળેલ એક લીવર અને બે કીડનીને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. સાથે જ, ધીરજભાઇના અંગદાનથી મળેલ હૃદયને સિવિલ મેડીસીટી કેમ્પસની યુ.એન.મેહતા હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. ધીરજભાઇના ચક્ષુદાનથી મળેલ બે આંખોનું દાન એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતુ.

સાત વર્ષમાં 2,000થી વધુ અંગદાન
છેલ્લાં સાત વર્ષમાં ગુજરાતમાં 657 અંગદાતાઓ તરફથી કુલ મળીને 2039 અંગોના દાન પ્રાપ્ત થયાં છે. લોકોમાં અંગદાન બાબતે સતત જાગૃતિ વધતી જાય છે, એટલે અંગદાન કરનારા પરિવારોની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં થયેલા અંગદાનની વાત કરીએ તો 657 અંગદાતાઓ તરફથી કુલ મળીને 2039 અંગો પ્રાપ્ત થયા છે, જેનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યું છે.

સૌથી વધુ 1,130 અંગદાન કિડનીનું કર્યું
અંગદાનથી અત્યાર સુધીમાં એટલે કે 30 જૂન, 2025 સુધીમાં 1130 કિડની, 566 લીવર, 147 હૃદય, 136 ફેફસાં, 31 હાથ, 19 પેન્ક્રિયાઝ અને 10 નાનાં આંતરડાં મળ્યાં છે, જેના પરિણામે હજારો લોકોને નવજીવન પ્રાપ્ત થઈ શક્યું છે. રાજ્ય સરકારના સતત પ્રોત્સાહન, સરકારી હોસ્પિટલ્સમાં ઉપલબ્ધ અત્યાધુનિક સુવિધાઓ અને લોકસહયોગના સમન્વયથી છેલ્લાં સાત વર્ષમાં અંગદાનના અનેક શિખરો સર કરી શકાયાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!