વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે: 5 વર્ષમાં 25,000થી વધુ કેન્સરના દર્દીએ ગુજરાતમાં મેળવી સારવાર
– સરેરાશ 49,000થી વધુ લોકોએ વિનામૂલ્યે કેન્સર સ્ક્રીનિંગ ઓપીડીનો લાભ મેળવ્યો.
– દર વર્ષે કેન્સર સ્ક્રીનિંગ માટે 100થી વધુ કેમ્પનું આયોજન થાય છે.
– દર વર્ષે સરેરાશ 5453 મેજર સર્જરીઓ અને 6494 માઈનર સર્જરી કરે
આજે ૨૭ જુલાઈના દિવસને વૈશ્વિક સ્તરે ‘વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે’ તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વમાં વધી રહેલા મોં અને ગળાના કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા લોકોને વિવિધ પ્રકારના વ્યસનોથી દૂર રહેવા પ્રેરિત કરવા તથા મોં અને ગળાના કેન્સરની ઉપલબ્ધ સારવાર અંગે માહિતી પૂરી પાડવામાં ઉદ્દેશ સાથે ‘વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે’ ઊજવવામાં આવે છે.

ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ
આજે વાત કરીએ અમદાવાદમાં મેડિસિટી ખાતે આવેલી એક એવી સરકાર સંચાલિત હોસ્પિટલની જ્યાં મોં અને ગળા સહિત તમામ પ્રકારના કેન્સરની સારવાર માટે દેશભરમાંથી દર્દીઓ આવે છે અને અહીંયા સારવાર મેળવીને કેન્સરને હરાવીને ઘરે જાય છે. અમદાવાદ સિવિલ કેમ્પસ ખાતે સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) કેન્સરના દર્દીઓ માટે આશાનું સોનેરી કિરણ બની છે. ગુજરાત સરકાર અને ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા સંચાલિત આ સંસ્થા તેના ઉત્કૃષ્ટ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અત્યાધુનિક સારવાર સેવાઓ થકી છેલ્લાં ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોમાં કેન્સરની સારવાર માટે જાણીતું નામ બન્યું છે.
GCRI ખાતે કેન્સરનું સ્ક્રીનિંગ, સારવાર, ટેસ્ટ્સ, સર્જરી, રેડિયેશન, કીમોથેરાપી, દવાઓ તથા અન્ય તમામ સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. PMJAY આયુષ્યમાન ભારત યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.

GCRI: કેન્સર સારવારમાં અગ્રેસર નામ
અમદાવાદના સિવિલ કેમ્પસ ખાતે સ્થિત સરકાર સંચાલિત GCRI હોસ્પિટલ અદ્યતન સુવિધાઓ અને નિષ્ણાત ટીમ દ્વારા દેશભરના દર્દીઓને વિશ્વસ્તરીય સારવાર પૂરી પાડે છે. છેલ્લાં પાંચ વર્ષમાં 77,650 દર્દીઓએ અહીં સારવાર મેળવી, જેમાંથી 25,408 (33%) મોં અને ગળાના કેન્સરના દર્દીઓ હતા. આ આંકડો વ્યસન પ્રત્યે સામાજિક જાગૃતિની જરૂરિયાત પણ દર્શાવે છે.
વિનામૂલ્યે સારવારઃ PMJAY આયુષ્યમાન ભારત યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળે છે. ખાનગી હોસ્પિટલોની તુલનામાં પેઇંગ દર્દીઓ માટે પણ ખર્ચ નોંધપાત્ર રીતે ઓછો છે, જેથી કોઈ દર્દી નાણાકીય અછતને કારણે સારવારથી વંચિત રહેતું નથી.
GCRI વિવિધ સેવાઓ દ્વારા દર્દીઓને વ્યાપક સારવાર આપે છે:
– સ્ક્રીનિંગ અને નિવારણ: ઓક્ટોબર 2021થી શરૂ થયેલી કેન્સર સ્ક્રીનિંગ OPD દ્વારા સરેરાશ 49,000થી વધુ લોકોએ વિનામૂલ્યે સ્ક્રીનિંગનો લાભ લીધો, જેમાં 104 કેન્સરના કેસો ઓળખાયા.
– સર્જરી: દર વર્ષે સરેરાશ 5,453 મેજર અને 6,494 માઇનર સર્જરીઓ થાય છે.
– કીમોથેરાપી: વાર્ષિક સરેરાશ 48,568 સત્રો.
– રેડિયોથેરાપી: 5,906 દર્દીઓને સરેરાશ દર વર્ષે સારવાર.
– બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ (BMT): 2024માં BMT વિભાગની બેડ ક્ષમતા 4થી વધારી 11 કરવામાં આવી.
– રોબોટિક રેડિયોથેરાપી: GCRI દેશની પ્રથમ અને એકમાત્ર સરકાર સંચાલિત હોસ્પિટલ છે, જે ‘સાયબર નાઈફ’ રોબોટ દ્વારા રેડિયો થેરાપી સારવાર પૂરી પાડે છે.
(મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ)
