સીમા પર સુખનો સૂર્યોદયઃ ભૂપેન્દ્ર પટેલે સરહદી ગામની મુલાકાતે, બીએસએફના જવાનોની પીઠ થાબડી…
મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લાને રૂ.૩૫૮.૩૭ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી

ગાંધીનગર-બનાસકાંઠાઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર પછી પણ સરહદી રાજ્યોમાં વિશેષ હલચલ રહી હતી. ઓપરેશન સિંદૂર પછી રાજ્યના મુખ્યમંત્રીએ બીજી વખત બીએસએફના જવાનોને મળ્યા છે, જ્યારે જિલ્લામાં વિકાસલક્ષી કામગીરીનો શુભારંભ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાકિસ્તાન સરહદને અડીને આવેલી નડાબેટ BSF બોર્ડર આઉટ પોસ્ટની મુલાકાત લઈને સરહદના સંત્રીઓના સાહસ-શૌર્યને બિરદાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ નડાબેટ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.
સીમા દર્શનથી BSFને નજીકથી જાણવાની તક મળી
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાં BSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામે BSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરીઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.
જવાનોએ સીએમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું
બીએસએફના આઈ. જી. અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાં BSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીને BSFના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું. આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.

છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી ઘરઆંગણે વિવિધ યોજનાકીય લાભો
સરહદ પર વિકાસના સંકલ્પના સૂર્યોદય સાથે ભૂપેન્દ્ર પટેલે સીમાવર્તી સુઈગામ – નડાબેટ ખાતેથી રૂ. ૩૫૮.૩૭ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુર્હુત તથા લોકાર્પણ કરીને બનાસકાંઠા જિલ્લાને વિકાસની ભેટ આપી હતી. સરહદી વિસ્તારના વિકાસની નવતર રાહ સાથે તેમણે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુર્હુત તથા ૫૫.૬૮ કરોડના વિકાસ કાર્યો પ્રારંભ કરાવ્યા હતા. ભારતને વિશ્વમાં અગ્રીમ હરોળમાં લાવવાનું કામ કર્યું છે. આજે દેશની સાથે ગુજરાતે પણ સર્વાંગી વિકાસ સાધ્યો છે. સરકારે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી ઘર આંગણે વિવિધ યોજનાકીય લાભો આપ્યા છે. આજે ધંધા – રોજગાર, વીજળી, પાણી, ઉદ્યોગો થકી છેવાડાના લોકોના જીવન ધોરણમાં પરિવર્તન લાવ્યા છે તથા નાગરિકોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
બનાસકાંઠાના સરદના ગામો સતત રહે છે ચર્ચામાં
બનાસકાંઠામાં સુઈ ગામ હોય કે રાધાનેસડા, માવસરી, બીકેડી, લાલપુર વગેરે ચર્ચામાં રહે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિમાં સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા. સરહદ નજીકના ગામડાં ખાલી કરી દેવામાં આવ્યા હતા, જ્યારે અનેક લોકો સંબંધીઓના ઘરે પલાયન કરી દીધું હતું. ગુજરાતમાં ભારતીય જમીનની સરહદ ખાતેનું છેલ્લું ગામ રાધાનેસડા, જ્યાં અમુક ગામમાં તો ઈલેક્ટ્રિસટી પહોંચી નથી. રાધાનેસડામાં બીએસએફની પણ ચોકી છે, જેની આસપાસ વિશાળ રણ અને આંતરરાષ્ટ્રીય સીમા છે.
કચ્છમાં બનાવવામાં આવશે ઓપરેશન સિંદૂર પાર્ક
ઓપરેશન સિંદૂર પછી કચ્છમાં સિંદૂર પાર્ક બનાવવામાં આવશે. ભુજ-માંડવી રોડ પર મિર્જાપુર હાઇવે પર વન વિભાગની આઠ હેક્ટર જમીન આવેલી છે. ત્યાં એક વન કવચ તૈયાર કરવાનું નક્કી કર્યું છે તેને સિંદૂર વન આપવામાં આવ્યું છે. ‘ઓપરેશન સિંદૂર દરમિયાન સમાજ, સેના, વાયુ સેના, બીએસએફ અને અન્ય સુરક્ષા દળો દ્વારા એકતા પ્રદર્શિત કરવાની યાદમાં વન વિભાગ દ્વારા સિંદૂર વન નામથી એક મેમોરિયલ પાર્ક બનાવવાની જાહેરાત પણ કરી હતી.

ગુજરાત ફ્રન્ટિયર 826 કિમી લાંબી સરહદનું રક્ષણ કરે
બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારત અને પાકિસ્તાન અને બાંગ્લાદેશ-ભારત સરહદનું રક્ષણ કરે છે. જમ્મુ કાશ્મીરના બરફીલા પહાડોથી લઈને ભારત-પાકિસ્તાનની સરહદ પર ગુજરાતના સર ક્રીક સુધી માતૃભૂમિનું રક્ષણ કરે છે. ગુજરાત ફ્રન્ટિયર આ બોર્ડર સિક્યોરિટી ફોર્સનો એક મહત્ત્વનો ભાગ છે, જે રાજસ્થાનના બાડમેર ડિસ્ટ્રિક્ટથી ગુજરાતના સર ક્રીક સુધી સહદની સુરક્ષા માટે પ્રતિબદ્દ રહે છે. ગુજરાત ફ્રન્ટિયર કૂલ 826 કિલોમીટર લાંબી સરહદનું રક્ષણ કરે છે, જ્યારે ગુજરાતની ઉત્તરમાં આવેલું પાકિસ્તાન જમીન, જળ અને હવાઈ સીમાથી જોડાયેલું છે, તેથી સ્થાનિકોની સાથે આર્મી પણ સતર્ક રહે છે. ભારત અને પાકિસ્તાનની સીમા 3,323 કિલોમીટર લાંબી છે, જે દેશની સૌથી ત્રીજા નંબરની લાંબી સરહદ છે.
