December 19, 2025
ધર્મ

મંદિર તારું વિશ્વ રુપાળુંઃ 2100 વર્ષ જૂનું વિચારનાગ મંદિર ફરી ખુલશે, કાશ્મીરમાં ઐતિહાસિક વારસો જીવંત બનશે

Spread the love


કાશ્મીરી પંડિતોની આસ્થાનું પ્રતિક વિચારનાગ મંદિર હવે જુલાઈ 2026 સુધીમાં ફરી નિર્માણ થશે, જાણો મંદિરનો ઐતિહાસિક વારસો અને પૌરાણિક મહત્વ

કાશ્મીરના પહલગામમાં નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવ્યા પછી ફરી જમ્મુ કાશ્મીરમાં જનજીવન થાળે પડી ગયું છે. રાજ્યની સાથે કેન્દ્ર સરકાર પણ અમનચેન માટે પ્રયાસ કરે છે, પણ હિંદુઓનું પલાયન અને મંદિરોની સંખ્યામાં ઘટાડો થયો છે. પણ હવે કાશ્મીરમાં હજારો વર્ષ જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેનો હવે જીર્ણોદ્ધાર કરવાનું શરુ કર્યું છે. જાણીએ મંદિરનો ઈતિહાસ અને ક્યાં આવેલું છે.

પ્રાચીન વારસાને પાછો લાવવાની કવાયત
શ્રીનગરના નૌશેરા સ્થિત વિચારનાગ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું શરુ કર્યું છે, જેનો ઉદ્દેશ લગભગ 2100 વર્ષ જૂના ઐતિહાસિક મંદિરના વારસાને પાછો લાવવાનો છે. અંચાર તળાવની નજીક આવેલું આ ઐતિહાસિક મંદિર કાશ્મીરી પંડિત સમુદાય માટે સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક રીતે વિશેષ મહત્ત્વ ધરાવે છે, જે કાશ્મીરની કાશ્મીરિયત-વારસાને પ્રતીત કરે છે. મંદિરના જીર્ણોદ્વારનું કામ 19મી જુલાઈથી શરુ કરવામાં આવ્યું છે, જેનાથી સમુદાયના લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળે છે.

પહેલા જેવું હતું એવું જ મંદિર નિર્માણ કરાશે
આ કામ માટે લગભગ પાંચથી છ મહિના લાગશે. મંદિરના નિર્માણ માટે તમામ કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ વર્ષે મહાશિવરાત્રી વખતે મંદિરને ખોલવાની પણ યોજના છે. મંદિરના જીર્ણોદ્વાર અંગે અધિકારીએ કહ્યું હતું કે મંદિરના સ્થળ અને મૂળ વારસા પ્રમાણે મંદિરને હૂબહૂ તૈયાર કરવામાં આવશે. હાલમાં પાયા નાખવાનું કામ ચાલુ છે, જ્યારે મંદિરને લાકડા અને પથ્થર સહિત અન્ય સામગ્રી પણ લાવવાનું શરુ કરવામાં આવ્યું છે.

જુલાઈ 2026 સુધીમાં મંદિર ખોલાશે
અહીં એ જણાવવાનું કે મંદિરના પરિસરમાં પાંચેક પવિત્ર ઝરણા વહે છે, જ્યારે બે પ્રાચીન શિવમંદિર આવેલા છે, જેનું ઐતિહાસિક મહત્ત્વ છે. અહીંયા ધર્મગુરુ શંકરાચાર્યે પણ શિવજીના દર્શન કર્યા હતા. અહીંના મંદિરને પાંચ કરોડ રુપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે. મંદિરના નિર્માણ કાર્ય રોડ્સ એન્ડ બિલ્ડિંગ વિભાગ વતીથી કરવામાં આવી રહ્યું છે. મંદિરને સંરક્ષિત રાખવા માટે આર્કિયોલોજી તરફથી પણ મદદ કરવામાં આવશે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ જુલાઈ 2026 સુધીમાં પૂરો કરવાની અપેક્ષા છે.

ત્રણ દાયકાથી બંધ પડ્યું હતું મંદિર
રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે આતંકવાદને કારણે ખાસ તો 1990માં કાશ્મીરી પંડિતોએ મોટા પાયે પલાયન કર્યા પછી મંદિરને વધુ નુકસાન પહોંચ્યું હતું. દુનિયાના કાશ્મીરી સમાજ, જારા ફાઉન્ડેશન અને અન્ય કાશ્મીરી પંડિતના સંગઠનોએ મંદિરના જીર્ણાદ્વારની બાબતને વધાવી હતી અને રાજ્યના અન્ય મંદિરોના પુનર્નિમાણ અંગે પણ ભાર મૂક્યો હતો. મૂળ વાસ્તુકલાને સંરક્ષિત રાખવા પ્રાચીન ગૌરવને યથાવત રાખવાની રજૂઆત પણ કરી હતી.

મંદિરનો મૂળ ઈતિહાસ શું છે
વિચાર નાગ મંદિરને વિચાર સાહબ નામથી ઓળખવામાં આવે છે, જ્યારે તેનો ઉલ્લેખ કલ્હણ રાજતરંગિણીમાં મળે છે. માનવામાં આવે છે સમ્રાટ કનિષ્ક (લગભગ 78)ના શાસનકાળ દરમિયાન અહીં ચોથી બોધ કૌન્સિલની એક ટોળકીનું નિવાસસ્થાન હતું. ઐતિહાસિક રીતે આ ધાર્મિક અને બૌદ્ધિક ચર્ચાઓનું કેન્દ્ર પણ હતું, જેમાં કાશ્મીરી બ્રાહ્મણો માટે નવા વર્ષ માટે કેલેન્ડર પંચાગ મુદ્દે થનારી ચર્ચાનો સમાવેશ થતો હતો. કાશ્મીરી નાગ કાશ્મીરી અને સંસ્કૃત શબ્દ વિચારથી આવ્યો છે જેનો અર્થ થાય છે ચર્ચા અથવા વિચાર. બૌદ્ધિક અને આધ્યાત્મિક વિમર્શનું કેન્દ્ર હતું, જ્યારે અહીંનું મંદિર ભગવાન શિવને સમર્પિત છે.

કુદરતી સૌદર્યંથી ભરપુર છે વિસ્તાર
મુખ્ય મંદિરની નજીક એક મોટું ઝરણું પણ આવેલું છે, જેની લંબાઈ 430 ફૂટ અને 35 ફૂટની પહોળાઈ ધરાવે છે, જ્યારે તેની મધ્યમાં ત્રણ ફૂટના ઊંચા પથ્થરનું શિવલિંગ છે, જે ફક્ત જ્યારે પાણી ઓછું હોય ત્યારે જોવા મળે છે, જ્યારે ઝરણાનું પાણી પણ ગરમીઓમાં પણ ઠંડા બરફ જેવું હોય છે અને શિયાળામાં ગરમ હોય છે. વસંત ઋતુમાં પણ અનેક પ્રકારની માછલીઓ જોવા મળે છે. મંદિર કાશ્મીરના પરંપરાગત દેવરી પથ્થરોથી બનાવ્યું છે, જ્યારે અહીંના ઝરણામાં ન્હાવાનો પણ વિશેષ મહિમા છે. ભક્તો ઝરણામાં ન્હાઈને મંદિરમાં પૂજા કરે છે, જેને વિચાર સાહબથી તરીકે ઓળખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!