December 20, 2025
ગુજરાત

વંદે સોમનાથ કલા મહોત્સવઃ ગુજરાતમાં સોમનાથની પ્રાચીન કલા આરાધના પુનઃ જીવીત કરી

Spread the love

મહારાણી ચૌલાદેવી,હજારો નૃત્યાંગના અને નર્તકો દ્વારા થતી સોમનાથની નૃત્ય આરાધના પુનઃ પ્રારંભનો સાક્ષી બન્યો અરબી સમુદ્ર

સોમનાથ: ગુજરાતના સોમનાથમાં વંદે સોમનાથ કલા મહોત્સવના આયોજનના ભાગરુપે આજથી ભગવાન મહાદેવના મંદિરમાં સોમનાથની પ્રાચીન કલા આરાધના પુનઃજીવીત કરવામાં આવી છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કલા અને ભક્તિના અનોખા સંગમ સમા “વંદે સોમનાથ” ઉત્સવનું બીજું ચરણ સપન્ન થયું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ તીર્થ તેની ઐતિહાસિક ધરોહર ફરી પાછી મેળવી રહ્યું છે. તે જ દિશામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત પ્રવાસન વિભાગ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (IGNCA)ના સંયુક્ત ઉપક્રમે “વંદે સોમનાથ કલા મહોત્સવ”નું આયોજન કરાયું છે.

કલા અને સાંસ્કૃતિક ધરોહરને જાગૃત કરવાનો ઉદ્દેશ
આ નૂતન પ્રકલ્પનો ઉદ્દેશ સોમનાથ તીર્થના પ્રાચીન ઇતિહાસની અદ્વિતીય કલા અને સાંસ્કૃતિક ધરોહરને પુણ્ય જાગૃત કરવાનો છે. પ્રતિદિન સોમનાથ મહાદેવના ચરણોમાં હજારો નર્તક-નર્તકીઓ દ્વારા પ્રસ્તુત કરાતા નૃત્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પુનઃ જાગૃત અને સુદ્રઢ રીતે પ્રતિસ્થાપિત કરવાના આ પ્રયાસથી જાણે સોમનાથની ભૂમિ આનંદ રાગ ગાઈ રહી છે.

દેશભરમાંથી આવનાર ભાવિકોએ અને સ્થાનિકોએ લાભ લીધો
“વંદે સોમનાથ કલા મહોત્સવ”ના બીજા ચરણમાં, શ્રી સોમનાથ મંદિર ચોપાટી ગ્રાઉન્ડ તેમ જ સમુદ્રદર્શન પથ ખાતે ખ્યાતનામ કલાકારો દ્વારા ભરતનાટ્યમ, કથક અને પારંપરિક ગુજરાતી નૃત્યોની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં દેશભરમાંથી આવનાર ભાવિકોએ અને સ્થાનિકોએ લાભ લીધો હતો.

સોનલ શાહ અને તેમના શિષ્યો દ્વારા ગુજરાતી નૃત્યો પ્રસ્તુત કર્યા
આ મનોરમ્ય સંધ્યાએ પુનાથી આવેલ નાદરૂપ વૃંદ દ્વારા કથક નૃત્ય, રેમાં શ્રીકાંત ecpa ફાઉન્ડેશન વડોદરા અને તેમના શિષ્યો દ્વારા ભારત નાટ્યમ અને સોનલ શાહ અને તેમના શિષ્યો દ્વારા હુડો, રાહડો, સહિતા પારંપરિક ગુજરાતી નૃત્યો સોમનાથ ચોપાટી ખાતે પ્રસ્તુત કર્યા હતા. વધુમાં સમુદ્ર દર્શન વોકવે ખાતે ગાર્ગી બ્યાબર્તી અને દેવાંશી દેવગૌરી‌ તેમજ શ્રીમતી દેવિકા દેવેન્દ્ર એસ મંગલા મુખી દ્વારા ‌ કથક નૃત્ય પ્રસ્તુત કરી દર્શકોને રોમાંચિત કરવામાં આવ્યા ‌હતા. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી આવનાર પ્રત્યેક કલાકરનું સન્માન કરી તેઓને શ્રી સોમનાથ મહાદેવનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો.

આગામી 18 ઓગસ્ટ સુધી દર સોમવારે અનોખી આરાધના કરશે
શ્રાવણ મહોત્સવ 2025 દરમિયાન આગામી 18 ઓગસ્ટ સુધી, દરેક સોમવારે રાષ્ટ્રભરના ઉચ્ચ સ્તરીય કલાકારો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પોતાની કલા દ્વારા મહાદેવને પ્રસન્ન કરવા અનોખી આરાધના કરશે. અને “વંદે સોમનાથ” મહોત્સવ સોમનાથના ભવ્ય ઐતિહાસિક ‌ કલાત્મક ‌સાંસ્કૃતિક વારસાને પુનઃ જીવિત કરવાનું ભગીરથ કાર્ય કરશે અને સોમનાથની આધ્યાત્મિક ભૂમિને ફરી વખત ‌કલાના રંગોથી શોભાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!