મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં 12 આરોપી નિર્દોષઃ હાઈ કોર્ટના ચુકાદાને મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે
મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે અગિયારમી જુલાઈ, 2006ના મુંબઈ લોકલ ટ્રેનના બોમ્બ બ્લાસ્ટના મુદ્દે સોમવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. હાઈ કોર્ટે આ કેસમાં નીચલી કોર્ટના ચુકાદાને ફગાવ્યો હતો અને બારમાંથી 11 આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા, જેમાંથી એક આરોપીનું અપીલ પ્રક્રિયા વખતે મોત થયું હતું. આ ચુકાદો 19 વર્ષ પછી કોર્ટે આપ્યો છે. જોકે, હાઈ કોર્ટના ચુકાદાથી નાખુશ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા જણાવ્યું છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે 19 વર્ષ પછી સોમવારે તમામ 12 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે પણ એને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. બોમ્બે હાઈ કોર્ટનો ચુકાદો ચોંકાવનારો છે, તેથી અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.

મુસ્લિમ નેતાઓએ ચુકાદાને આવકાર્યો
આ ચુકાદા અંગે એઆઈએમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુંકે 12 નિર્દોષ મુસ્લિમોને 18 વર્ષથી જેલમાં રાખ્યા, જેમાં કોઈના પિતા માર્યા ગયો તો કોઈની પત્ની. આ લોકો એવા હતા, જેમને કોઈ ગુનો કર્યો નહોતો. આ જેલવાસને કારણે તેમની જિંદગી બરબાદ થઈ ગઈ, જ્યારે મૌલાના અરશદ મદનીએ આ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો હતો. 12 મુસ્લિમ યુવકોને 19 વર્ષ પછી આતંકવાદના આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યા, જે નિર્દોષ લોકોને ન્યાય મળ્યો છે, પરંતુ જે લોકોએ તેમની જિંદગી બરબાદ કરી એમને સજા આપ્યા વિના ન્યાય અધૂરો રહેશે.
પોલીસની કામગીરી પર ઊઠાવ્યાં સવાલ
હાઈ કોર્ટની સ્પેશિયલ બેચે જણાવ્યું હતું કે આ કેસમાં પર્યાપ્ત વિશ્વસનીય પુરાવા નહોતા, જ્યારે સાક્ષીઓની પણ વાતો પણ શંકાના દાયરામાં છે. કોર્ટે એ પણ સ્વીકાર્યું છે કે આરોપીઓની બળજબરીપૂર્વકની પૂછપરછમાં નિવેદન નોંધ્યું છે, જે કાયદાકીય રીતે માનવામાં આવતા નથી.
કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે આરોપીઓની સામે રજૂ કરવામાં આવેલા પુરાવામાં ગંભીર ખામીઓ જોવા મળે છે. અનેક સાક્ષીઓ વર્ષો સુધી ચૂપ રહ્યા છે અને ફરી અચાનક આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી, જે અસામાન્ય બાબત છે. અનેક સાક્ષીઓને પહેલા પણ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની વિશ્વસનીયતા પર સવાલ ઊઠાવવામાં આવ્યા છે. કથિત આરડીએક્સ અને અન્ય સામગ્રી જપ્ત કરવા મુદ્દે પણ કોઈ નક્કર પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી, એમ કોર્ટે નોંધ્યું હતું.

વીડિયો કોન્ફરન્સ મારફત સુનાવણી ધરી
કોર્ટે કહ્યુ હતું કે પુરાવા, તપાસ અને સાક્ષીઓ પણ પર્યાપ્ત નથી. આરોપીઓ એ કહેવામાં પણ સફળ રહ્યા છે કે બળજબરીપૂર્વક કબૂલાતનામું લખવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે અમે લોકોએ અમારી જવાબદારી નિભાવી છે અને એ અમારી જવાબદારી હતી. વીડિયો કોન્ફરન્સ મારફત કોર્ટની સુનાવણીમાં દોષી અમરાવતી, નાશિક, નાગપુર અને પુણે જેલમાં રોતા લોકો જોવા મળ્યા હતા અને તેમણે ખુશી વ્યક્ત કરી નહોતી.

189 લોકોનાં મોત અને 827 લોકો ઘવાયા હતા
કોર્ટમાં સરકારી વકીલે આ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો હતો. આરોપીઓના વકીલે કહ્યું હતું કે આ ચુકાદો તમામ લોકો માટે આશાનું એક કિરણ છે, જે વર્ષોથી ન્યાય માટે રાહ જોતા હતા. સરકારી વકીલોએ પણ ચુકાદાને આવકાર્યો હતો. અહીં એ જણાવવાનું કે અગિયારમી જુલાઈ 2006ના મુંબઈની લોકલ ટ્રેનમાં 11 મિનિટમાં એક પછી એક સાત જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં 189 લોકોએ જીવ ગુમાવ્યા હતા તથા 827 લોકો ઘાયલ થયા હતા. એટીએસે કેસની તપાસ કરતા મકોકા અને યુએપીએ સંબંધિત કલમ અન્વયે 13 લોકોની ધરપકડ કરી હતી, જ્યારે પંદર લોકોને ફરાર ગણાવ્યા હતા, જેમાં અમુક લોકો પાકિસ્તાનમાં હોવાની વાત જણાવી હતી.
પાંચ જણને ફાંસીની સજા, સાતને આજીવન કેદ
2015માં વિશેષ કોર્ટે 12 આરોપીને દોષી ઠેરવ્યા હતા, જેમાં પાંચ જણને ફાંસી અને સાતને આજીવન કેદની સજા ફટકારી હતી. એના પછી રાજ્ય સરકારે ફાંસીની સજા માટે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જ્યારે આરોપીઓએ પોતાની સજા અને દોષસિદ્ધને પણ પડકારતા કોર્ટમાં અરજી કરી હતી. એના પછી 2023માં એહતેશામ સિદ્દિકી નામના એક આરોપીએ અપીલ ઝડપી કરવાની કોર્ટમાં અરજી કરી હતી. એના પછી એક વિશેષ બેન્ચનું ગઠન કરવામાં આવ્યું હતું, જે અંગે સતત છ મહિના સુધી સુનાવણી કરી અને પછી છ મહિના સુધી ચુકાદા પર કામ કર્યું હતું.
