એલર્ટઃ 5 વર્ષમાં હાર્ટની દવાઓની માંગમાં જોરદાર વૃદ્ધિ – યુવાનો પણ જોખમી ઝોનમાં
લાઈફસ્ટાઈલ, તણાવ અને પોસ્ટ-કોરોના અસરના કારણે હાઈ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને હાર્ટ ઈલનેસને કારણે દવાઓ પર નિર્ભરતા વધી

છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં કાર્ડિયાક મેડિકેશન એટલે હાર્ટ સંબંધિત દવાની માગમાં વધારો પચાસ ટકા વધારો નોધાયો છે. આ વૃદ્ધિએ હેલ્થ ટ્રેન્ડ નહીં, પરંતુ આરોગ્ય સંબંધમાં ગંભીર જોખમો છે. ઝડપથી બદલાતી જીવનશૈલી, વધતો તણાવ, ખાણીપીણીમાં ગરબડ અને શારીરિક ગતિવિધિઓ અંગે યુવાનોથી લઈ વૃદ્ધોમાં હાર્ટ સંબંધિત બીમારીનું પ્રમાણ સામાન્ય બની ગયું છે.
દિલ્હીના જાણીતા ડોક્ટર કહે છે સામાન્ય રીતે હાર્ટ એટેકનું પ્રમાણ 50-60 વર્ષની ઉંમર પછી જોવા મળતું હતું, પરંતુ હવે 25-40 વર્ષની ઉંમરના લોકોને હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને હાર્ટ એટેક વગેરેનું જોખમ વધ્યું છે. કોરોના મહામારી પછી આ પરિસ્થિતિમાં વધારો થયો છે, કારણ કે અનેક દર્દીઓમાં સંક્રમણ પછી પોસ્ટ કોવિડ કાર્ડિયાક સંબંધિત સમસ્યા વધી છે, જેને કારણે દવાઓની ડિમાન્ડમાં વધારો થયો છે.
એના સિવાય તાજેતરના વર્ષોમાં ડોક્ટરો પણ બીમાર દર્દીઓમાં ખાસ કરીને હાર્ટ એટેકના જોખમને જોતા તેના પ્રિવેન્શન માટે માટે કાર્ડિયાક સંબંધિત દવાઓનું પ્રિસ્ક્રિપ્શન શરુ કર્યું છે. અગાઉ 140/90 mmHgને હાઈપરટેન્શન માનવામાં આવતી હતી, પરંતુ નવી ગાઈડલાઈન્સ અનુસાર હવે 120/80 mmHgને હાઈ બ્લડ પ્રેશર માટે એલર્ટ ઝોન માનવામાં આવે છે, પરિણામે આજે પહેલાની તુલનામાં લોકોને દવાની વધુ જરુરિયાત પડે છે. કાર્ડિયાક મેડિકેશન (હાર્ટ સંબંધિત દવા)ની ડિમાન્ડ ભારતમાં ઝડપથી વધી રહી છે એ ચિંતાનું કારણ છે.
વૃદ્ધો સુધી મર્યાદિત નથી હાર્ટ એટેક
હાર્ટ એટેકનું પ્રમાણ હવે યુવાનોમાં પણ જોવા મળે છે, તેમાંય વળી તંદુરસ્ત લોકોને એટેક આવે છે. 25થી 40 વર્ષના લોકોને હાર્ટ એટેક આવે છે, તેથી દવાઓની ડિમાન્ડ વધી છે. ખાસ કરીને બેઠાડું જીવન, ફાસ્ટ ફૂડ, ઓછી ઊંઘ અને તણાવને કારણે હાઈ બ્લડપ્રેશરનું પ્રમાણ વધ્યું છે. ઉપરાંત, કોલેસ્ટ્રોલ અને ઓબેસિટી જેવા ફેક્ટર્સ પણ વધી રહ્યા છે. અગાઉ લોકો હાર્ટ સંબંધિત બીમારીઓની અવગણના કરતા હતા, જ્યારે હવે નાની અમથી બીમારીમાં પણ ઈસીજી, બીપી, કોલેસ્ટ્રોલની તપાસ કરાવે છે. જોકે, અર્લી ડિટેક્શનને કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી બીમારીથી બચી શકાય છે.
પહેલા કરતા લોકોમાં વધી જાગૃતિ
લોકો વધુ શિક્ષિત બન્યા છે, તેથી સામાન્ય બાબતમાં પણ હવે હેલ્થ ચેકઅપનું પ્રમાણ પણ વધ્યું છે, તેથી સામાન્ય બીમારી અંગે જાણકારી મળે છે. ડોક્ટર પણ બીમારીઓને રોકવા માટે તરત સંબંધિત દવાઓનું પ્રિસ્ક્રિપ્શન કરે છે. મેડિકલ ફેસિલિટી અને ટેસ્ટિંગ હવે શહેરો નહીં, પરંતુ અંતરિયાળ ગામ સુધી પહોંચી છે. કોરોના મહામારી પછી દર્દીઓમાં હાર્ટ સંબંધિત સમસ્યાઓનો પણ વધારો થયો છે. જેમ કે એન્ટિ ક્લોટિંગ અને હાર્ટ મેડિકેશનની ડિમાન્ડમાં વધારો થયો છે.
લાઈફસ્ટાઈલમાં પરિવર્તન છે જરુરી
જીવનશૈલીમાં બદલાવ લાવવાની આવશ્યક્તા છે. પહેલાની તુલનામાં લોકોની લાઈફસ્ટાઈલમાં વધુ ખરાબી આવી છે. સંતુલિત આહાર લેવાનું પ્રમાણ લોકોમાં ઘટ્યું છે, જ્યારે નિયમિત કસરત કરવાનું પ્રમાણ પણ ઘટ્યું છે. હાર્ટ સંબંધિત સમસ્યાને કારણે લોકો દવાઓનું સેવન કરે એ માની શકાય છે, પરંતુ દવાઓ પરની નિર્ભરતા ઘટાડવી જોઈએ. ટૂંકમાં હાર્ટને તંદુરસ્ત રાખવા માટે જીવનશૈલી પણ હેલ્ધી બનાવવી જોઈએ, જેથી પરિવારમાં કોઈ સંકટ આવે નહીં.
