અમદાવાદે દેશમાં ડંકો વગાડ્યોઃ દેશનું સ્વચ્છ શહેર બન્યું, પણ નાગરિકોની જવાબદારી વધારી, તૈયાર રહેજો!
સ્વચ્છતાના નામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝુંબેશ હાથ ધર્યા પછી લોકોમાં સ્વચ્છતા રાખવા મુદ્દે જાગૃતિ આવી છે, જે ગામ, શહેર પૂરતી મર્યાદિત રહેવું જરુરી નથી, પરંતુ દરેક રાજ્ય અને આખા દેશના નાગરિકોએ તેને સ્વૈચ્છિક રીતે અપનાવીને આ જવાબદારી ઉપાડવાની જરુરી થઈ ગઈ છે, જેમાં ગુજરાતના અમદાવાદ શહેરે સ્વચ્છ શહેરની યાદીમાં બાજી મારીને શહેરનું ગૌરવ વધાર્યું પણ નાગરિકોને જવાબદારી વધારી દીધી છે તો આ ગૌરવ વર્ષોવર્ષ ટકી રહેશે. બાકી ગાંધીજીએ દાયકાઓ પહેલા આપણા દેશવાસીઓને સ્વચ્છતા અને સાદગીના પાઠ ભણાવ્યા હતા, તેનું પાલન કરવામાં કેટલો ફાયદો થાય છે એ દરે લોકો સુપેરે જાણે છે અને ફાયદો પણ થાય છે તો જાણીએ આ સિદ્ધિમાં અમદાવાદ શહેરની સુધરાઈએ શું કામ કર્યું કે આ સિદ્ધિ મળી.

દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં નંબર -૧ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું
અમદાવાદે સ્વચ્છ સર્વેક્ષણ વર્ષ ૨૦૨૪-૨૫માં દસ લાખથી વધુની વસ્તી ધરાવતી શહેરોની ‘ગ્રીનેસ્ટ બિગ સિટી’ શ્રેણીમાં દેશનું સૌથી સ્વચ્છ શહેર બનીને ગૌરવ પ્રાપ્ત કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરવામાં આવેલી વિસ્તૃત પહેલો અને શહેરીજનોની સક્રિય ભાગીદારી થકી આ સિદ્ધિ શક્ય બની છે. અમદાવાદે કચરાના કાર્યક્ષમ વ્યવસ્થાપન, જાહેર શૌચાલયની સુધારણા, સાર્વજનિક સ્થળોએ સ્વચ્છતા જાળવણી અને નાગરિકોની સક્રિય ભાગીદારી જેવા વિવિધ પેરામીટર્સમાં ઉચ્ચ કામગીરી દર્શાવીને સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૫માં ૧૦ લાખ કરતાં વધુની જનસંખ્યાની કેટેગરીમાં દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં નંબર -૧ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
સેનિટેશન, વેસ્ટ પ્રોસેસિંગ અને RRR થીમ પર કચરાનું વ્યવસ્થાપન
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સ્વચ્છ સર્વેક્ષણ પ્રક્રિયા અને અમલમાં મુકાયેલ મુખ્ય પહેલ અંગે વાત કરતા કહ્યું કે સ્વચ્છ સર્વેક્ષણ પ્રક્રિયામાં વર્ષ દરમિયાન કુલ ૪ ફેઝમાં અમદાવાદ શહેરની સફાઈ, સેનિટેશન, વેસ્ટ પ્રોસેસિંગ અને RRR (Reduce, Reuse, Recycle) થીમ પર કચરાના વ્યવસ્થાપન માટેના પગલાંઓનું ડોક્યુમેન્ટ સ્વરૂપે અને ફિલ્ડ ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કચરામુક્ત શહેર (ગાર્બેજ ફ્રી સિટી)ના ૭ સ્ટાર રેટિંગ સર્ટિફિકેટ અને જાહેરમાં શૌચની સુવિધાઓ તેમજ ગંદા પાણીના STP પ્લાન્ટ દ્વારા ટ્રીટમેન્ટ સહિતની બાબતોને આવરી લેતું વોટર પ્લસ સર્ટિફિકેટ માટેનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. નાગરિકોના પ્રતિભાવ (ફીડબેક) પણ આ સર્વેક્ષણનો મહત્ત્વનો ભાગ હતા.

GPS સિસ્ટમ વડે મોનિટરિંગ જેવી નવીનતમ પદ્ધતિનો અમલ
મહાનગર પાલિકા દ્વારા આધુનિક તકનીકોનો પણ અમલ કરવામાં આવ્યો છે. ઇનોવેટિવ પ્રેક્ટિસીસ અને ક્ષમતા નિર્માણ, સ્વચ્છતા સંબંધિત ઇ-મેમો અને એમ-ચલણ તેમજ GPS સિસ્ટમ વડે મોનિટરિંગ જેવી નવીનતમ તકનીકો અને પદ્ધતિઓનો અમલ કરવામાં આવ્યો છે. સફાઈ કર્મચારીઓનું કલ્યાણ અને તેમને સુવિધાઓ પૂરી પાડવા પર પણ ધ્યાન અપાયું છે. એટલું જ નહીં, ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ હેઠળ 6000થી વધુ સોસાયટીઓને આવરી લઈ વોર્ડ, ઝોન અને શહેર કક્ષાએ કરેલ સ્પર્ધાત્મક હરીફાઈ પણ અસરકારક નીવડેલ છે.
મુખ્ય કામગીરીઓ અને પદ્ધતિથી દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું
કચરાનું ૧૦૦ ટકા દૈનિક ડોર-ટુ-ડોર એકત્રીકરણ કરવમાં આવ્યું છે. ૧૮૫૦થી વધુ વાહનોની ડોર-ટુ-ડોર સિસ્ટમ દ્વારા કચરાનું પાંચ પ્રકારે સેગ્રેગેશન કરી એકત્ર કરવામાં આવે છે. આ ઉપરાંત
વૈજ્ઞાનિક રીતે કચરાનું વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. પિરાણા ડમ્પસાઈટ પર કચરાના બાયો-માઈનિંગ અને કચરામાંથી ઊર્જા ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટ સહિતની વિવિધ કામગીરીઓ અમલમાં મૂકવામાં આવી છે. આ સાથે બાંધકામ અને ડિમોલિશન વેસ્ટનું પણ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે, જમાં કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટનું યોગ્ય વ્યવસ્થાપન થાય છે. શહેરમાં જાહેર અને કોમ્યુનિટી શૌચાલયોની ઉપલબ્ધતા, તેમની જાળવણી અને સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો છે. રહેણાક અને વ્યાપારી વિસ્તારોમાં એકથી વધુ વખત નિયમિત સફાઈ કરવામાં આવે છે.
જળસ્રોતોની સ્વચ્છતામાં સ્ટોર્મ વોટર ડ્રેઇન્સ, નદી અને જળાશયોની સ્વચ્છતા પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જાગૃતિ અને નિયંત્રણમાં જાહેરમાં કચરો ફેંકવા પર નિયંત્રણ, ‘રેડ સ્પોટ્સ’ (થૂંકવાનાં સ્થળો) અને ‘યલો સ્પોટ્સ’ (ખુલ્લામાં પેશાબનાં સ્થળો)નું નિવારણ કરવા માટે સ્વચ્છતા સ્ક્વોડની અસરકારક અમલવારી કરવામાં આવી છે. ઘન કચરા વ્યવસ્થાપન માટે નાગરિક ભાગીદારી અને જાગૃતિ, તેમજ ‘માય સિટી, માય પ્રાઇડ’ જેવા જાગૃતિ અભિયાનો અને નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે પ્રોત્સાહિત કરવાના પ્રયાસો મહત્ત્વનાં નીવડ્યા છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં થનારી પહેલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધાર્મિક વિધિઓ અને પૂજામાંથી ઉત્પન્ન થતી નિર્માલ્ય ચીજવસ્તુઓ (જેમ કે ફૂલો, પાન, હાર, વગેરે)નું એકત્રીકરણ કરી જૈવિક ખાતર બનાવવામાં આવી રહ્યું છે. ટૂંકા સમયમાં જ આ અંગેનો ખાસ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે, જેમાં નિર્માલ્ય ચીજવસ્તુઓને પર્યાવરણને અનુકૂળ રીતે પ્રક્રિયા કરી ખાતરની સાથે-સાથે નાળિયેરના રેસામાંથી બનતી કોકોપીટ અને ફૂલોમાંથી કુદરતી રંગો જેવાં ઉત્પાદનો બનશે. શહેરમાં બગીચાઓ, વૃક્ષો અને અન્ય વનસ્પતિમાંથી નીકળતા ગાર્ડન વેસ્ટના (જેમ કે પાંદડા, ડાળીઓ, ઘાસ, વગેરે) વ્યવસ્થાપન માટે પણ નવો પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે, જે ગાર્ડન વેસ્ટમાંથી પ્રક્રિયા કરીને તેમાંથી બાયો-કોલ બનાવશે. આ પરંપરાગત કોલસાનો પર્યાવરણને અનુકૂળ વિકલ્પ બની રહેશે, જે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરશે અને પર્યાવરણને ફાયદો થશે. આ સિદ્ધિને પરિણામે, ૧૭ જુલાઈના વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે યોજાયેલ એવોર્ડ સેરેમની કાર્યક્રમમાં માનનીય રાષ્ટ્રપતિશ્રીના હસ્તે અમદાવાદ શહેરને સ્વચ્છ શહેર રેન્ક – ૧નો સ્વચ્છતા માટેનો એવોર્ડ આપવામાં આવ્યો.
