December 20, 2025
ગુજરાત

જૂનાગઢના માંગરોળ નજીક જર્જરિત પુલનો સ્લેબ ઉતારતા મોટી દુર્ઘટના ટળીઃ સરકારને સ્પષ્ટતા કરવાની ફરજ પડી

Spread the love

જૂનાગઢઃ જિલ્લાના માંગરોળ નજીક આજક- આંત્રોલી ગામ વચ્ચે આવેલા જર્જરિત પુલને તોડવાની કામગીરી વખતે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. બ્રિજનો સ્લેબ ઉતારતી વખતે પુલનો એક તરફનો સ્લેબ તૂટી પડ્યો હતો, ત્યારબાદ અમુક લોકોએ દોડાદોડ કરી મૂકી હતી, પરંતુ સદ્નસીબે કોઈને ઈજા પહોંચી નહોતી. આ મુદ્દે ગુજરાત સરકારે જણાવ્યું હતું કે બ્રિજ તૂટવાની ઘટનામાં એ સત્ય હકીકત બહાર આવી છે કે હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે.

ગુજરાત સરકારની સૂચનાથી સમગ્ર રાજ્યમાં જર્જરિત પુલોનું નિરીક્ષણ અને રોડ રસ્તાની રિપેરિંગની કામગીરી પુરાજોશમાં ચાલી રહી છે જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ કેટલાક પુલો નિરીક્ષણના અંતે બંધ કરાવવામાં આવ્યા છે. આ પુલોમાં સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટ દ્વારા હવે મરમ્મતની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

માંગરોળ નજીક પુલનો સ્લેબ તૂટવા ના બનાવ અંગે જુનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક અભિષેક ગોહિલે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આ કામગીરીના ભાગરૂપે માંગરોળ નજીક આજક આંત્રોલી વચ્ચે આવેલ પુલ માર્ગ મકાન વિભાગ પંચાયતના અધિકારીઓના નિરીક્ષણ બાદ જર્જરીત જણાવતા તેના સ્લેબને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બ્રેકર મશીનથી પુલ પાડવાની આ કામગીરી ચાલતી હતી એ દરમિયાન પુલનો સ્લેબનો એક મોટો ભાગ નીચે પડ્યો હતો, જેમાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી, તેવી તેઓએ સ્પષ્ટતા કરી છે.

કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને બાંધકામ વિભાગના અધિકારીઓ સ્થળ પર જવા રવાના થયા છે. કલેકટરએ જણાવ્યું હતું કે જિલ્લામાં લોકોની સલામતી માટે જર્જરીત જણાતા હોય તેવા પુલોનું ઇન્સ્પેક્શન કરીને જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આ પુલ નું સમારકામ કરવામાં આવી રહ્યું હતું. હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે. અહીં એ જણાવવાનું કે ગુજરાતમાં વડોદરા નજીકના ગંભીરા બ્રિજ તૂટી પડ્યા પછી રાજ્ય સરકારે રાજ્યના તમામ જર્જરિત બ્રિજનું ઈન્સ્પેક્શન કરવામાં ચાલુ કર્યું છે. આ બ્રિજના ઈન્સ્પેક્શન પછી હવે તમામ જર્જરિત બ્રિજનું મરમ્મત કામ પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!