વાઈલ્ડલાઈફઃ જંગલમાં વિખૂટા પડેલા ‘ગન્નુ’ને માતા મળી, વાયરલ તસવીરોએ દિલ જીત્યા
જંગલની દુનિયા સાવ અલગ છે, જેમાં વસનારા જાનવરોની મૂક જિંદગી ઘણું બધુ બયાન કરે છે. ગયા અઠવાડિયા આસામના કાજીરંગામાં એક હૃદયસ્પર્શી ઘટના બની હતી. જંગલમાં મદનિયું પોતાની માતાથી (હાથણીથી) વિખૂટું પડી ગયું હતું ત્યારબાદ ડરના માર્યા આમતેમ આંટાફેરા મારી રહ્યું હતું. આ મદનિયાએ અમુક લોકોને જોયા હતા અને મદદ માટે તેમની સામે ધસી ગયું હતું અને એ જ વખતે વન વિભાગના અધિકારીઓ પણ મદદ કરી હતી અને માતાનો ભેટો કરાવ્યો હતો. આ બનાવની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ તેની નોંધ લીધી હતી.
વિખૂટું પડ્યું એ જગ્યાએ લઈ ગયા
આસામના કાજીરંગા નેશનલ પાર્કમાં વન વિભાગના અધિકારીઓની મદદથી હાથીના બચ્ચાને મા સાથે પુનઃમિલન કરાવ્યું હતું. નિવૃત્ત્ત વન વિભાગના અધિકારી સુસંતા નંદાએ આ વીડિયો શેર કર્યો હતો, વીડિયો એકદમ ભાવુક હતો. માતાથી વિખૂટા પડ્યા પછી મદનિયું મદદ માટે વન વિભાગના વાહન તરફ ભાગે છે. એ વખતે બચ્ચું એટલું ગભરાયેલું હતું. દરેક બાજુ પોતાની માતાને શોધતું હતું એના પછી અધિકારીઓ સાવધાનીપૂર્વક તેને તેની માતા હતી ત્યાં લઈ ગયા હતા. છેલ્લી વાર જ્યાંથી વિખૂટું પડ્યું હોય છે તે જગ્યાએ લઈ ગયા હતા.

બચ્ચું માતાને મળે એ માટે કર્યું કામ
હાથી પોતાના બચ્ચાને સરળતાથી ઓળખે એના માટે અધિકારીઓએ મદનિયાની સૂંઢ અને પગમાં માતાના છાણને થોડું લગાવ્યું હતું, જેથી તેની ગંધને કારણે માતા પોતાના બચ્ચાને ઓળખી લે. થોડા સમય પછી હાથણીએ તેના બચ્ચાને શોધી લીધું હતું. માતાને મળ્યા પછી મદનિયાના મોંઢામાંથી ખુશીના માર્યા ચીસો નીકળી ગઈ હતી.
વનપ્રેમીઓ પણ ખુશખુશાલ થયા
અધિકારીઓનો જાણે આભાર માનતા ખુશખુશાલ થઈને માતા તરફ ભાગ્યું હતું અને એક અધિકારીએ બચ્ચાને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે ભાગ, ભાગ, ભાગ. છેલ્લે હાથણી અને મદનિયું સાથે જતું જોવા મળે છે. કાજીરંગા પાર્કમાં સમયસર બચ્ચાને તેની માતા મળ્યા પછી લોકો પણ ખુશ જોવા મળ્યા હતા. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ વન વિભાગના અધિકારીઓનો પણ આભાર માન્યો હતો અને ગન્નુને તેની માતા મળ્યા બાદ ખુશી વ્યક્ત કરી હતી.
પાર્કમાં 1,940 જેટલા હાથી રહે છે
કાજીરંગા નેશનલ પાર્કની વાત કરીએ તો અહીંયા 2,200થી વધુ એક શિંગડાવાળા ગેંડા રહે છે. આ ગેંડાને કારણે આસામનું કાજીરંગા નેશનલ પાર્ક દુનિયામાં જાણીતું છે. 1908માં પાર્ક બનાવ્યો હતો અને 1985માં યુનેસ્કોએ પાર્કને રાષ્ટ્રીય ધરોહર જાહેર કર્યું હતું. અહીંયા સિંગલ સિંગડાવાળા ગેંડાની સાથે હાથી, વાઘ, જંગલી ભેંસ, હરણ માટે જાણીતું છે. 2006માં નેશનલ ટાઈગર પાર્ક તરીકે પણ જાહેર કર્યું હતું. અહીં 2,000થી વધુ અલગ અલગ પ્રજાતિના જાનવર રહે છે, જ્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓની જાત પણ જોવા મળી શકે છે. 2005ના સર્વે પ્રમાણે કાજીરંગા નેશનલ પાર્કમાં 1,940 જેટલા હાથી રહે છે.
