December 20, 2025
ગુજરાતટોપ ન્યુઝ

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: રાજ્યમાં સિઝનનો 46.21% સરેરાશ વરસાદ, નવસારીમાં રજા જાહેર

Spread the love


તાપી, ડાંગ અને કચ્છમાં ભારે વરસાદથી જનજીવન પર અસર 31 ડેમ હાઈ એલર્ટ પર, માછીમારોએ દરિયો નહીં ખેડવાની સૂચના


ગાંધીનગરઃ ગુજરાતમાં અવિરત પડી રહેલા વરસાદ વચ્ચે સરકારે માછીમારોને અત્યારે દરિયો નહીં ખેડવાની ચેતવણી આપી છે. દક્ષિણ ગુજરતામાં સતત પડી રહેલા વરસાદને કહેર વર્તાવતા સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ગાંધીનગરના અહેવાલ મુજબ ગત ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૦૯ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે, જે અંતર્ગત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ૬ ઇંચ કરતાં વધુ વરસાદ તથા ડાંગના સુબીર તાલુકા તેમજ ભુજ તાલુકામાં ૫-૫ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં સુરતના બારડોલી અને પલસાણા, કચ્છના નખત્રાણા અને ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં ૪ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત વ્યારા, વાંસદા, બાલાસિનોર, વઘઇ અને મેઘરજમાં ૩-૩ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. વધુમાં, રાજ્યના ૧૮ તાલુકામાં બે ઇંચથી વધુ, ૪૮ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૧૩૦ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ વરસ્યો છે. ઉપરાંત, નવસારીમાં સૌથી વધુ હાલાત લોકોની ખરાબ છે, નવસારી શહેરમાં ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. સંપૂર્ણા નદીમાં સતત પાણીની આવકથી જળસ્તર 23 ફૂટની ભયજનક સપાટી વટાવી ગયું છે, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે.

દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. પરવાસ અને જિલ્લામાં વરસાદથી નવસારીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. નવસારીમાં નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ઘૂસ્યા હતા. ત્યારે નવસારી શહેર અને ગણદેવીમાંથી સલામતીના ભાગરૂપે 520 લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી.

આજે સવારે ૬:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૬.૨૧ ટકા જેટલો નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૫૦.૮૨ ટકા, કચ્છ વિસ્તારમાં ૫૦.૩૫ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૫.૪૧ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૪૪.૧૧ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૪૧.૩૧ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. SEOCના અહેવાલ મુજબ સવારે ૮:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં આવેલ નર્મદા ડેમ ૪૮.૧૫ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૫૪.૫૦ ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૩૧ ડેમ હાઇ એલર્ટ, ૧૯ ડેમ એલર્ટ અને ૧૮ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.

રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. ૦૧ જૂન, ૨૦૨૫ થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા ૪,૨૦૫ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ ૬૮૪ નગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વધુમાં, વહીવટી તંત્ર દ્વારા ૧૩ NDRFની ટીમ તેમજ ૨૦ SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, તેમજ ૦૨ NDRFની તેમજ ૧૩ SDRFની ટીમ હેડ ક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ-આઈ.એમ.ડી. દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને ૧૦, જુલાઇ સુધી દરિયો નહીં ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!