રામ ભક્તો માટે ખુશખબર: 25 જુલાઈથી શરૂ થશે ‘શ્રી રામાયણ યાત્રા’: 30થી વધુ તીર્થસ્થળનો સમાવેશ
અયોધ્યામાં શ્રીરામ મંદિરની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)એ 25 જુલાઈ 2025થી શ્રીરામાયણ યાત્રાના નામે પોતાની પાંચમી કેટેગરી ટ્રેન શરુ કરી છે. આ યાત્રા 22મી જાન્યુઆરી 2024ના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે આયોજિત કાર્યક્રમ પછી આ ટ્રેનની સિરીઝ શરુ કરી છે.

આઈઆરસીટીસીના અનુસાર શ્રી રામાયણ યાત્રા 25 જુલાઈ, 2025થી શરુ થશે અને આ ટૂરિસ્ટ સર્કિટમાં 30થી વધુ સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાત્રાનો આરંભ અયોધ્યાથી થશે, ત્યાર બાદ નંદીગ્રામ, સીતામઢી, જનકપુર, બક્સર, વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકૂટ, નાશિક, હમ્પી અને છેલ્લે દક્ષિણ ભારતમાં રામેશ્વરમ સુધી જશે અને એના પછી આ ટ્રેનની મુસાફરી દિલ્હીમાં પૂરી થશે.
આઈઆરસીટીસીના જણાવ્યાનુસાર અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટન પછી ધાર્મિક અને સાંસ્કૃતિક પર્યટનને પ્રોત્સાહન મળ્યું છે. શ્રદ્ધાળુઓને દેશભરમાં આ સ્થળે પ્રવાસ કરવામાં પણ ઉત્સાહ વધાર્યો છે. રામ મંદિરના ઉદ્ઘાટન પછી આ પાંચમી રામાયણ યાત્રા છે. પ્રવાસીઓનું ભાડું પણ વધારે હોય છે. થર્ડ એસી માટે પ્રવાસીદીઠ 1.17 લાખનું ભાડું છે, જ્યારે સેકન્ડ એસીનું ભાડું 1.40 લાખનું ભાડું હોય છે. ફર્સ્ટ એસી કેબિન માટે 1.79 લાખ રુપિયાનું નક્કી કર્યું છે.
પેકેજ રેન્ટમાં ટ્રેનનું ભાડું, થ્રી સ્ટાર હોટેલનું ભાડું-વ્યવસ્થા (તમામ કેટેગરી માટે), શુદ્ધ શાકાહારી ભોજન, એસી બસમાં અવરજવરની વ્યવસ્થા, પેસેન્જર ઈન્શ્યોરન્સ અને આઈઆરસીટીસીની સેવાનો પણ સમાવેશ થાય છે. આ પ્રવાસ દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરુઆત થાય છે અને આધુનિક સુવિધાવાળી ટ્રેન મારફત ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનનું સંચાલન કરવામાં આવે છે. સુરક્ષા માટે પ્રત્યેક કોચમાં સીસીટીવી કેમેરા અને સુરક્ષાકર્મચારીઓને પણ તહેનાત રાખવામાં આવશે.
આ યાત્રાની શરુઆત અયોધ્યાથી થાય છે, જ્યાં ભગવાન શ્રીરામ જન્મભૂમિ મંદિર, હનુમાનગઢી અને રામ કી પૈડી (સરયુ ઘાટ)ના દર્શન કરવામાં આવે છે. એના પછી નંદીગ્રામ સ્થિત ભારતના મંદિરોનું ભ્રમણ કરવામાં આવે છે. એના પછી બિહારના સીતામઢીમાં હોય છે, જ્યાં માતા સીતાજીના જન્મસ્થળ અને નેપાળના જનકપુર સ્થિત રામ જાનકી મંદિરનું દર્શન કરવામાં આવશે.
આ મુદ્દે આઈઆરસીટીસીએ કહ્યું હતું કે આ ટ્રેન મહારાષ્ટ્રના નાશિક પહોંચશે, જ્યાં ત્ર્યંબકેશ્વર મંદિર અને પંચવટીના દર્શન પણ કરાવશે. એના પછી હમ્પીના અંજનાદ્રી પર્વત (હનુમાનજીનું જન્મસ્થળ), વિઠ્ઠલ અને વિરુપાક્ષ મંદિરનું ભ્રમણ કરાવશે. ટ્રેનનો અંતિમ પડાવ રામેશ્વરમ હશે, જ્યાં રામનાથસ્વામી મંદિર અને ધનુષકોડીનો સમાવેશ થાય છે. 17 દિવસની યાત્રા દિલ્હીમાં પૂરી થશે.
