ગુજરાત એલર્ટ: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 32 NDRF ટીમ તહેનાત
રાજ્યના 21 જળાશયો હાઇએલર્ટ પર, 94 રસ્તા બંધ; તંત્રને કટોકટી પરિસ્થિતિ માટે એલર્ટ રહેવાની તાકીદ
ગાંધીનગરઃ જૂન મહિનામાં એકંદરે વિક્રમી વરસાદ પડ્યા પછી આગામી સપ્તાહમાં અનેક શહેર-જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદને કારણે ગુજરાત સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત અન્ય એજન્સીને એલર્ટ કરી છે, જ્યારે કટોકટીના સંજોગોમાં સત્વરે મદદ પહોંચાડવા માટે તંત્રને એલર્ટ કર્યુ હોવાનું જણાવ્યું હતું.
સંભવિત જોખમો સામે એલર્ટ રહેવાની તાકીદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર (SEOC) ખાતે આજે રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાહત કમિશનરશ્રીએ રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવાની તાકીદ કરવામાં આવી છે.
રાજ્યના 21 જળાશયો હાઈએલર્ટ પર
NDRFના અધિકારીશ્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF તથા SDRFની કુલ ૩૨ ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત ૨ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ બેઠકમાં સિંચાઇ વિભાગના અધિકારીએ રિજનવાઈઝ પાણીના સંગ્રહની સ્થિતિ વિશે માહિતી આપી હતી, જે મુજબ રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૨૧ જળાશયો હાઇએલર્ટ, ૧૨ જળાશયો એલર્ટ પર તથા ૧૯ જળાશયો વોર્નિંગ પર છે.
પાણી ભરાવાના કારણે ૯૪ રસ્તા બંધ
માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં ઓવર ટોપીંગ અને પાણી ભરાવાના કારણે ૯૪ રસ્તા બંધ છે. જે પાણી ઉતરતા પૂર્વવત કરવામાં આવશે. આ બેઠકમાં CWC-મહી અને તાપી ડિવીઝન, વન વિભાગ, આરોગ્ય વિભાગ, ઊર્જા વિભાગ, GSRTC, શહેરી વિકાસ વિભાગ, પંચાયત વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, ISRO, ફીશરીઝ સહિતના વિવિધ વિભાગના નોડલ અઘિકારીઓ હાજર રહ્યાં હતા.
10 વર્ષમાં જૂનમાં નોંધાયેલો વધુ વરસાદ
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં 11 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 31.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 10 વર્ષમાં જૂનમાં નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં રિજન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં 5.50 ઈંચ સાથે 28.83 ટકા, ઉત્તર ગુજરાતમાં 6.65 ઈંચ સાથે 23.53 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 10.56 ઈંચ સાથે 33.35 ટકા, સૌરાષ્ટ્રમાં 9.51 ઈંચ સાથે 32.32 ટકા, દક્ષિણ ગુજરાતમાં 20.09 ઈંચ સાથે 34.25 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જૂન 2024માં 3 ઈંચ પણ વરસાદ નહોતો. હાલ 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવો માત્ર 1 તાલુકો છે. આ સિવાય 26 તાલુકામાં 20થી 40 ઈંચ, 89 તાલુકામાં 10થી 20 ઈંચ, 41 તાલુકામાં 5થી 10 ઈંચ અને 5 તાલુકામાં 1થી 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વર્ષ 2024માં 29મી જૂન સુધી સરેરાશ 2.80 ઈંચ સાથે 8.05 ટકા વરસાદ પડ્યો હતો.
