પંજાબમાંથી પાકિસ્તાની જાસૂસ પકડાયો, જાસૂસની ગતિવિધિ જાણો?
જલંધર: પંજાબના જલંધર શહેરમાંથી ભારતની ગુપ્તચર એજન્સીઓએ એક પાકિસ્તાની જાસૂસને ઝડપી કાઢ્યો છે. આ વ્યક્તિ પર શંકા હતી કે તે ભારતીય સેના અને મહત્વની માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો. ગુપ્તચર વિભાગ અને સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આ ભાંડો ફોડ થયો છે.
મળતી માહિતી મુજબ આ જાસૂસ અનેક મહિનાથી પંજાબમાં વસવાટ કરી રહ્યો હતો અને વિવિધ નામો હેઠળ પોતાની ઓળખ છુપાવીને ઘાતકી કામમાં વ્યસ્ત હતો. આરોપી પાસેથી ભારતીય સૈનિકોથી જોડાયેલી દસ્તાવેજો, સૈન્યની મૂવમેન્ટની માહિતી તથા ઇલેક્ટ્રોનિક ઉપકરણો મળ્યા છે. પાકિસ્તાનની એજન્સી આઈએસઆઈની માહિતી પૂરી પાડતો હતો. ગુજરાત પોલીસ અને જલંધરની ભાર્ગવ કેમ્પ પોલીસે અવતારનગરમાંથી મોહમ્મદ મુર્તજા અલી નામના શખસની ધરપકડ કરી છે, જ્યારે તેની પાસેથી ચાર મોબાઈલ અને ત્રણ સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. મોહમ્મદ મુર્તજા અલી જલંધરના ગાંધી નગર વિસ્તારમાં ભાડેથી રહેતો હતો.
જ્યારે ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધ્યા પછી પાકિસ્તાનમાં ભારતીય ચેનલ, વેબસાઈટ બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ મોહમ્મદ મુર્તજા અલી તમામ ચેનલો પરની માહિતી એકત્ર કરીને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈને પૂરી પાડતો હતો, તેનાથી પાકિસ્તાનની એજન્સી ભારતમાં ચાલી રહેલી ગતિવિધિથી વાકેફ રહેતું હતું. આ બધું કામ એક એપ્લિકેશન મારફત કરતો હતો, જ્યારે ભારતની ચેનલો પરનું ફીડ આ એપ્લિકેશનમાં ડાઉનલોડ કરીને મોકલતો હતો.
સુરક્ષા એજન્સીઓએ આરોપીને પૂછપરછ માટે હિરાસતમાં લઈ લીધો છે અને તેના પાકિસ્તાન સાથે તેના સંબંધોની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવથી સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ચકચાર મચી ગઈ છે. લોકોમાં ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે. સુરક્ષા એજન્સીઓએ વધુ કેટલાય લોકોની પણ પૂછપરછ શરૂ કરી છે, જેમને આ આરોપી સાથે કોઈ જોડાણ હતું એવી શકયતા છે. આ ઘટના બાદ પંજાબની સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે અને તમામ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે.