ગુજરાતના ૧૯ એરપોર્ટ પરથી 2024માં અંદાજે 1.70 કરોડ પ્રવાસીએ કરી અવરજવર
કેન્દ્ર સરકારની ‘ઉડાન યોજના’ અંતર્ગત રાજ્યમાં વિવિધ ૦૭ ફ્લાઇટ સેવારત
ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વર્ષ ૧૯૭૩થી શેરડી, કપાસ જેવા વિવિધ પાક પર હેલિકોપ્ટર-ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ દ્વારા હવાઈ છંટકાવની સાથે વિમાન દ્વારા ક્લાઉડ સીડિંગ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે આજે ‘નાગરિક ઉડ્ડયન’ વિભાગ તરીકે કાર્યરત છે. આ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪માં આંતરરાષ્ટ્રીય અને આંતરિક હવાઈ મથકોથી અંદાજે ૧.૪૩ લાખ જેટલા વિમાનોએ આવન-જાવન કરી છે. આ સેવાઓ દ્વારા રાજ્યમાં ડિસેમ્બર–૨૦૨૪ સુધીમાં કુલ ૧.૭૦ કરોડ કરતાં વધુ યાત્રિકોએ સફળ હવાઈ મુસાફરી કરી છે. આ ઉપરાંત અંદાજે ૧૦૯.૯ હજાર ટન માલસામાનની પણ હવાઈ માર્ગે હેરફેર કરવામાં આવી હતી.
રૂ. ૩,૪૦૦ કરોડના ખર્ચે સુરત ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ
રાજ્યના નાગરિકોને આપાતકાલિન પરિસ્થિતિમાં ખૂબ ઝડપી તબીબી સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ લાયકાત ધરાવતા ડૉક્ટર અને આઈ.સી.યુ. સુવિધાઓ સાથે એર-એમ્બ્યુલન્સ સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં કુલ ૫૮ એર-એમ્બ્યુલન્સ ફ્લાઇટ કરવામાં આવી હતી, જેમાં ૨૯ ઓર્ગન તથા ૨૯ મેડિકલ ફ્લાઈટ ઓપરેટ કરવાનો સમાવેશ થાય છે.
હાલમાં ગુજરાતમાં ૦૪ આંતરરાષ્ટ્રીય અને ૧૫ ડોમેસ્ટિક એરપોર્ટ મળી કુલ ૧૯ એરપોર્ટ સેવારત છે. જેમાં રૂ. ૩,૪૦૦ કરોડના ખર્ચે સુરત ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ રૂ. ૩૯૪ કરોડના ખર્ચે ડિસામાં એરફોર્સ સ્ટેશનના રન-વેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રૂ. ૧,૪૦૫ કરોડના ખર્ચે રાજકોટમાં હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. તબીબી હેતુસર અત્યાર સુધીમાં ૨૯ ઓર્ગન તથા ૨૯ મેડિકલ ફ્લાઈટ એમ કુલ ૫૮ એર-એમ્બ્યુલન્સ ફ્લાઇટ ઓપરેટ કાર્યરત છે તેમ જ કેન્દ્ર સરકારની ‘ઉડાન યોજના’ અંતર્ગત રાજ્યમાં વિવિધ ૦૭ ફ્લાઇટ સેવારત છે.
રાજ્યમાં ૪ આંતરરાષ્ટ્રીય અને ૧૫ ડોમેસ્ટિક એમ કુલ ૧૯ એરપોર્ટ કાર્યરત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં દેશના મોટાભાગના રાજ્યોની તુલનામાં ગુજરાતમાં નાગરિક ઉડ્ડયનનું માળખું ખૂબ મજબૂત છે. રાજ્યમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ૦૯ એરપોર્ટ, ઇન્ડિયન એરફોર્સના ૦૩, રાજ્ય સરકાર હસ્તક ૦૪ તથા ૦૩ ખાનગી એરપોર્ટ મળી ૦૪ આંતરરાષ્ટ્રીય અને ૧૫ ડોમેસ્ટિક એરપોર્ટ એમ કુલ ૧૯ એરપોર્ટ કાર્યરત છે. આ ઉપરાંત રાજ્ય સરકારના અધિકારક્ષેત્ર હેઠળ મહેસાણા, અમરેલી, અંકલેશ્વર અને માંડવી ખાતે કુલ ૦૪ એરસ્ટ્રીપ પણ ઉપલબ્ધ છે.
મહેસાણામાં તાલીમ બાદ ૧૫૫ યુવાનોએ કોમર્શિયલ પાયલટનું લાયસન્સ મેળવ્યું
નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં આગામી સમયમાં રાજ્યમાં અંબાજી, દ્વારકા, સાપુતારા, સાસણ-ગીર, હાંસોલ અને સોમનાથ ખાતે હેલિપોર્ટ તેમજ કેવડિયા, દ્વારકા, ધોરડો, ધોળાવીરા, દાહોદ અને વડનગર ખાતે નવીન એરસ્ટ્રીપ વિકસાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણામાં તાલીમ બાદ ૧૫૫ યુવાનોએ કોમર્શિયલ પાયલટનું લાયસન્સ મેળવ્યું હતું.
અમરેલીમાં બે સંસ્થા ગુજરાત ફલાઇંગ કલબ અને વિઝન ફ્લાઇંગ ઇન્સ્ટીટયુટ કાર્યરત
ઉપરાંત, રાજ્યમાં એવિએશન સેક્ટરનો વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધારો કરવા માટે ગુજરાત સરકાર અને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે MOU પણ કરવામાં આવ્યા છે. યુવાઓને પાયલોટ બનવા માટે તાલીમ પુરી પાડી ઉડ્ડયન ક્ષેત્રે ગુજરાતમાં ઈન્ફાસ્ટ્રક્ચર તેમજ કુશળ માનવ સંશાધન તૈયાર કરવાના હેતુસર રાજ્ય સરકાર હસ્તક આવેલા મહેસાણા એરસ્ટ્રીપ ખાતે ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં કુલ ૨૫૦થી વધારે યુવક-યુવતીઓએ તાલીમ મેળવી છે, જેમાંથી ૧૫૫ યુવાનોએ કમર્શિયલ પાયલટનું લાયસન્સ પણ મેળવ્યું છે. આ સિવાય અમરેલી ખાતે પણ ઉડ્ડયન ક્ષેત્રે તાલીમ આપતી બે સંસ્થા ગુજરાત ફલાઇંગ કલબ અને વિઝન ફ્લાઇંગ ઇન્સ્ટીટયુટ કાર્યરત છે.