July 1, 2025
ગુજરાત

આયુષમાન ભારત દિવસઃ ગુજરાતના 70 ટકા નાગરિકોનું થયું રજિસ્ટ્રેશન

Spread the love


ગુજરાતમાં 4.77 કરોડથી વધુ નાગરિકોએ ABHA માટે નોંધણી કરાવી

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) અંતર્ગત ગુજરાતે 4.77 કરોડથી વધુ એટલે કે 70 ટકા નાગરિકોની આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ (ABHA) હેઠળ નોંધણી કરાવીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથે, વડાપ્રધાનના ડિજિટલ ભારત વિઝનને સાકાર કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત આયુષ્માન ભારત ડિજિટલ મિશનમાં હેલ્થ રેકોર્ડ્સના ડિજીટલાઇઝેશનમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. 30 એપ્રિલે આયુષ્માન ભારત દિવસ ઉજવવામાં આવે છે ત્યારે રાજ્ય સરકારની આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ નાગરિકો માટે સુલભ તબીબી સેવાઓ સુનિશ્ચિત કરવાની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ શું છે?
આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ (ABHA) એ એક ડિજિટલ આરોગ્ય ઓળખ છે, જેનો ઉદ્દેશ નાગરિકોના સ્વાસ્થ્ય રેકોર્ડને એકીકૃત કરીને તેને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવાનો છે. આ અંતર્ગત, નાગરિકોને ડિજિટલ હેલ્થ આઈડી આપવામાં આવે છે, જેથી તેમનો સ્વાસ્થ્ય રેકોર્ડ ઓનલાઈન સુરક્ષિત રહે. આ સિસ્ટમ ડેટા સુરક્ષા અને ગોપનીયતા સુનિશ્ચિત કરે છે, અને માહિતી ફક્ત નાગરિકની પરવાનગીથી જ શૅર કરી શકાય છે.

2.26 કરોડથી વધુ હેલ્થ રેકોર્ડ લિંક
આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) હેઠળ અત્યાર સુધીમાં 2.26 કરોડથી વધુ આરોગ્ય રેકોર્ડને સફળતાપૂર્વક ડિજિટલી લિંક કરવામાં આવ્યા છે. આ સાથે, આ મિશન હેઠળ 17,800થી વધુ આરોગ્ય સુવિધાઓની નોંધણી પણ પૂર્ણ થઈ ગઈ છે, જેનાથી આરોગ્ય સેવાઓની પહોંચ અને ગુણવત્તામાં સુધારો થયો છે. આ ઉપરાંત, 42,000થી વધુ હેલ્થકેર પ્રોફેશનલ્સ પણ સફળતાપૂર્વક નોંધણી કરાવીને ડિજિટલ હેલ્થ સિસ્ટમ સાથે જોડાઈ ગયા છે.

ભાવનગર ABDM માઇક્રોસાઇટનું શ્રેષ્ઠ પ્રદર્શન
દેશમાં અમલમાં મૂકાયેલા 100 ABDM માઇક્રોસાઇટ પ્રોજેક્ટ્સમાં ગુજરાતની ભાવનગર માઇક્રોસાઇટે સર્વોત્તમ પ્રદર્શન કર્યું છે. ભારત સરકાર દ્વારા નિર્ધારિત 9 મહિનાની સમયમર્યાદા પહેલાં જ ભાવનગર માઇક્રોસાઇટે તેના તમામ સીમાચિહ્નો હાંસલ કરી લીધા છે. એટલું જ નહીં, ભાવનગર માઇક્રોસાઇટ 2 લાખથી વધુ આરોગ્ય રેકોર્ડને લિંક કરનારી દેશની પ્રથમ માઇક્રોસાઇટ પણ બની ગઈ છે. ગુજરાતની અન્ય ત્રણ મુખ્ય માઇક્રોસાઇટ્સ પૈકી અમદાવાદ અને સુરતે પણ તાજેતરમાં તમામ માઇલસ્ટોન પૂર્ણ કર્યા છે, અને રાજકોટ માઇક્રોસાઇટ તેના લક્ષ્યો પ્રાપ્ત કરવાની ખૂબ નજીક છે.
નોંધનીય છે કે, 27 સપ્ટેમ્બર 2021ના રોજ આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) હેઠળ ખાનગી આરોગ્ય વ્યાવસાયિકો અને સંસ્થાઓને ડિજિટલ સેવાઓ સાથે જોડવા માટે અમદાવાદ, સુરત અને મુંબઈમાં ABDM માઇક્રોસાઇટ પાઇલટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટના સકારાત્મક પરિણામો બાદ હવે દેશભરમાં 100 ABDM માઇક્રોસાઇટ્સ લાગુ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!