ગુજરાતમાં 5 વર્ષમાં 2,500થી વધુ પ્રવાસી પાસથી મન ફાવે ત્યાં ફર્યાં પણ યોજના સફળ નહીં
સૌથી વધુ લાભ અમદાવાદ, રાજકોટ, મહેસાણા અને સુરતનાં મુસાફરોએ લીધો
ગાંધીનગરઃ ઉનાળાના વેકેશનમાં રાજ્યના નાગરિકો ગુજરાતની કલા-સંસ્કૃતિ-પ્રવાસન સ્થળોની મુલાકાત કરી શકે તેમ જ ઉદ્યોગ એકમો સાથે સંકળયેલા નાગરિકો ગુજરાતમાં પોતાના ઉદ્યોગને વિકસાવવા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ફરી શકે તે માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના શરૂ કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ‘મન ફાવે ત્યાં ફરો’ યોજનાનો સૌથી વધુ લાભ અમદાવાદ, રાજકોટ, મહેસાણા અને સુરતનાં મુસાફરોએ લીધો છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં ૨૫૮૦ મુસાફરોના પાસ ઇસ્યુ કરીને નિગમે રૂ.૨૧ લાખથી વધુની આવક મેળવી છે, પણ સરકારની આ યોજનાને અપેક્ષા પ્રમાણે સફળતા મળી હોવાનું કહી શકાય નહીં.
ગુર્જરનગરી બસોમાં પુખ્તવયના નાગરિકો રૂ.૧૫૯૫નું ભાડું
આ યોજના હેઠળ મુસાફરોએ એસ.ટીની લોકલ-એક્સપ્રેસ-ગુર્જરનગરી બસોમાં સાત દિવસ મુસાફરી માટે પુખ્તવયના નાગરિકો રૂ.૧૫૯૫ અને ૪ દિવસની મુસાફરી રૂ.૯૩૫ ભરીને કરી શકે છે, જ્યારે બાળકો ૭ દિવસની મુસાફરી રૂ.૮૦૦ અને ૪ દિવસની મુસાફરી રૂ.૪૭૦ ભરી એસ.ટીની બસોમાં મુસાફરી કરી શકે છે. મુસાફરોએ લક્ઝરી-નોન એ.સી સ્લીપર કોચમાં સાત દિવસની મુસાફરી કરવા પુખ્તવયના નાગરિકોએ રૂ.૧૮૭૦ અને ચાર દિવસની મુસાફરી કરવા રૂ.૧૦૪૫ ચૂકવવાના રહેશે જ્યારે બાળકોને ૭ દિવસની મુસાફરી કરવા રૂ.૯૩૫ અને ૪ દિવસની મુસાફરી રૂ.૫૨૫ ચૂકવવાના રહેશે.
AC Bus સાત દિવસની માટે મુસાફરી રૂ.૩૬૮૫ ભાડું છે
AC સીટર બસોમાં પુખ્તવયનાં નાગરિકો સાત દિવસ મુસાફરી રૂ.૩૬૮૫ અને ૪ દિવસની મુસાફરી રૂ.૨૧૪૫ ભાડું આપીને કરવાની રહેશે. બાળકોએ સાત દિવસ મુસાફરી રૂ.૧૮૪૫ અને ચાર દિવસની મુસાફરી રૂ.૧૦૭૫ ભાડું આપીને કરવાની રહેશે. વોલ્વો સીટર બસ માટે પુખ્તવયના નાગરીકો સાત દિવસનું ભાડું રૂ.૫૬૧૦ અને ચાર દિવસની મુસાફરી રૂ.૩૨૪૫ ચૂકવીને કરી શકે છે. જ્યારે બાળકોએ સાત દિવસની મુસાફરી રૂ.૨૮૦૫ ચાર દિવસની મુસાફરી રૂ.૧૬૨૫ ખર્ચીને કરવાની રહેશે.
એક્સ્ટ્રા બસમાં આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી
આ યોજનાનો લાભ નિગમના કોઈ પણ બસ સ્ટેશન-કંટ્રોલ પોઈન્ટ ઉપરથી કામકાજના દિવસોમાં મેળવી શકાશે. આ યોજનાનો પાસ અન્ય વ્યક્તિને તબદિલ કરી શકાશે નહિ, પાસધારક પોતે જ પ્રવાસ કરી શકશે. પ્રવાસ રદ કરવાના સંજોગોમાં પાસ શરુ થવાના ૧ દિવસ અગાઉ પાસ રદ કરવામાં આવે તો જરૂરી કેન્સલેશન ચાર્જ કાપી બાકી રકમ પરત કરવામાં આવશે. નિગમની એક્સ્ટ્રા બસમાં આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. પ્રવાસ દરમ્યાન મુસાફરે ઓળખકાર્ડ અને પાસ સાથે રાખવાનો રહેશે તેમજ આ યોજનામાં પાસધારક પાસેથી ટોલટેક્ષની રકમ ફરજ ઉપરના કંડકટરે અલગથી વસુલ કરવાની રહેશે.