ડીસા ફટાકડા ફેક્ટરીની આગ ‘લાક્ષાગૃહ’ બનીઃ 21 શ્રમિકના મોત, ફેક્ટરીના માલિકની ધરપકડ
ગાંધીનગરઃ બનાસકાંઠાના ડીસામાં ફટકાડાની ફેક્ટરીમાં આગ પછી વિસ્ફોટને કારણે મૃત્યુ પામનારાની સંખ્યામાં વધારો થયો છે. મૃતકની સંખ્યા વધીને 21 થઈ છે, જ્યારે સરકારે મૃતકના પરિવારોને મદદ માટે ચાર લાખની સહાયની જાહેરાત કરી છે. આગમાં મૃત્યુ પામનારાની સંખ્યા વધ્યા પછી ફેક્ટરીના માલિક ફરાર થયા હતા, પરંતુ તેની ઈડરથી ધરપકડ કરવામાં આવી છે. આગના બનાવમાં સંબંધિત લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ફેક્ટરીના માલિકનું નામ દીપક ટ્રેડર્સના નામે છે, જેના માલિક દીપક મોહાની અને ખુબચંદ મોહાની છે.
ડીસીના ઢુંવા રોડ ખાતેની ફેક્ટરીમાં મંગળવારે સવારના આગ લાગી હતી. આગ પછી વિસ્ફોટ થયા પછી સવારમાં સાત લોકોનાં મોત થયા હોવાના અહેવાલ હતા, ત્યારપછી મૃતકોની સંખ્યામાં વધારો થયો હતો. કૂલ મૃતકની સંખ્યા વધીને 21 થઈ છે, પરંતુ સાતેક લોકોની ગંભીર હાલત છે. સારવાર લઈ રહેલા લોકો ગંભીર રીતે ઘવાયા છે. મૃતકમાં સગીર લોકોનો પણ સમાવેશ થાય છે. તમામ લોકો મધ્ય પ્રદેશ (હરદા અને દેવાસ જિલ્લા)ના રહેવાસી છે. ગેરકાયદે રીતે ચાલતા ફટાકડાના દારુગોળામાં થયેલા વિસ્ફોટને કારણે ફેક્ટરીના ગોડાઉનની છત સુધ્ધા જમીનદોસ્ત થઈ ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે ફરાર થયેલા ફેક્ટરીના માલિક દીપક સિંધીની ઈડર નજીકથી ધરપકડ કરવામાં આવી હતી.
પીડિત પરિવાર માટે સહાયની જાહેરાત
રાજ્ય સરકારે આ બનાવ અંગે સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે ડીસામાં ફટકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થવાથી આગ લાગવાને કારણે શ્રમિકના મૃત્યુ થવાની ઘટના હૃદયદ્રાવક છે. દુખની આ ઘડીમાં મારી સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે. મૃતકના પરિવાર માટે ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી, જ્યારે વડા પ્રધાન ફંડમાંથી પણ બે લાખ રુપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે. આગની તપાસ કરવા માટે એસઆઈટીના નેતૃત્વમાં તપાસ હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી છે.
ડીસા જીઆઈડીસીના ફટકડાનાં ગોડાઉનમાં આગને કારણે વિસ્ફોટ, 7 શ્રમિકનાં મોત
કોંગ્રેસે સરકારની ઝાટકણી કાઢી
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારની ઝાટકણી કાઢી હતી. શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ગુજરાતમાં વારંવાર ઘટના બને છે, જેમાં સુરતની તક્ષશીલા હોય કે રાજકોટનો અગ્નિકાંડ હોય. આ તમામ ઘટનાઓમાં અનેક લોકોના જીવ ગયા હોવા છતાં સરકારને કોઈ ચિંતા નથી.