કુનો નેશનલ પાર્કમાંથી સામે આવી દિલ ગાર્ડન ગાર્ડન કરનારી તસવીરો…
જી હા, મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી જે તસવીરો સામે આવી છે એ જોતાં જ તમારા ચહેરા પર પણ એક હાસ્યની લહેર ફરી વળશે. ખુદ કેન્દ્રિય પર્યાવરણ ખાતાના પ્રધાને આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે કે બે મહિનાના નાના નાના ચિત્તાના બચ્ચાઓ મોજ-મસ્તી કરતાં અને જીવન જીવવાનું કૌવત તેમની માતા પાસેથી શિખી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ આ બેબી ચિત્તાના આ ફોટો કેન્દ્રિય પર્યાવરણ ખાતાના પ્રધાન ભુપેન્દ્ર યાદવે શેર કર્યા છે. કુનો નેશનલ પાર્કમાં ચિત્તા હવે બેખૌફ થઈને ફરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ પર્યટકો આ ચિત્તાને પોતાની આંખે જોઈ શકશે એ વાતથી જ વાઈલ્ડલાઈફ લવર્સમાં રોમાંચનું મોજું ફરી વળ્યું છે.
કેન્દ્રિય પર્યાવરણ ખાતાના પ્રધાન ભુપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર આ બેબી ચિત્તાના ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે ભારતની ધરતી પર જન્મેલા બે મહિનાના આ બે નાના બેબી ચિત્તા પોતાની માતા વીરા પાસેથી જીવન જીવવાનું કૌશલ શિખી રહ્યા છે. બેબી ચિત્તાના આ ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે, જેમાં તેઓ મોજ-મસ્તી કરતાં જોવા મળી રહ્યા છે.
વીરાના આ બે બેબી કબ્સ ઉપરાંત કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તા દામિનીના એક વર્ષના બચ્ચા પણ આરામથી ફરતાં જોવા મળી રહ્યા છે. કેન્દ્રિય પ્રધાને પોતાની પોસ્ટમાં એવું પણ જણાવ્યું છે કે આપણી વાઈલ્ડલાઈફ વધારેને વધારે સમૃદ્ધ થઈ રહી છે. દરમિયાન પાર્કમાંથી બહાર જતા રહેલાં ચિત્તા જ્વાલા અને તેનો પરિવાર ધીરે ધીરે પાર્ક તરફ પાછો ફરી રહ્યો છે. આ જોઈને પાર્કના અધિકારીઓ અને આસપાસના સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
આ બધા વચ્ચે સરકાર દ્વારા માનવ અને ચિત્તા વચ્ચેનો સંઘર્ષ ટાળવા માટે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. આ એડવાઈઝરીમાં લોકોને સંયમ જાળવવાની અને ચિત્તાઓને નુકસાન ના પહોંચાડવાની અપીલ પણ કરવામાં આવી છે. કુનો નેશનલ પાર્ક દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર ચિત્તાઓથી આસપાસના નાગરિકોને કોઈ જોખમ નથી. જો માનવ વસાહતની આસપાસમાં ચિત્તા દેખાય તો તરત જ વન વિભાગને આ બાબતની જાણકારી અપીલ કરવામાં આવી છે. સાવધાનીના ઉપાય તરીકે નાના પાળેલા પશુઓ તેમ જ બાળકોને ઘરની અંદર રાવાની સલાહ પણ આપવામાં આવી છે.