I am Sorry: કુંભના સમાપન વખતે વડા પ્રધાન મોદીએ જનતાની શા માટે માફી માગી?
ઐતિહાસિક મહાકુંભ 2025નું શાનદાર સમાપન થયું છે ત્યારે એના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાની માફી માગી છે. શ્રદ્ધાળુઓની સેવામાં કોઈ ખામી રહી ગઈ હોય તો જનતા જનાર્દનની માફી માગું છું. 13મી જાન્યુઆરીથી 26મી ફેબ્રુઆરીના મહાશિવરાત્રીના દિવસે પૂરા થયેલા મહાકુંભનું 45 દિવસે સમાપન થયું છે, ત્યારે કરોડો શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કર્યું છે. મહાકુંભના સમાપનને પ્રધાનમંત્રીએ એકતાના મહાયજ્ઞ ગણાવ્યો હતો અને તમામ શ્રદ્ધાળુઓેએ આ દિવ્ય આયોજનમાં ભાગ લેવા માટે સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો, જ્યારે એના સિવાય લોકોને પડેલી તકલીફ મુદ્દે માફી પણ માગી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની વાત રજૂ કરતા લખ્યું હતું કે હું જાણું છું કે આટલું મોટું આયોજન કરવાનું સરળ નહોતું. હું પ્રાર્થના કરું છું કે મા ગંગા, યમુના અને સરસ્વતીને કહીશ કે કોઈ ખામી રહી હોય તો માફ કરશો, જનતા જનાર્દન મારા માટે ભગવાનનું રુપ છે. શ્રદ્ધાળુઓની સેવામાં પણ કોઈ કમી રહી ગઈ હોય તો જનતાની માફી માગું છું. ટવિટ સાથે પીએમ મોદીએ સુંદર તસવીરો શેર કરીને લોકોનું દિલ જીતી લીધું હતું.
એના સિવાય પ્રધાનમંત્રી મોદીએ બીજી ટવિટમાં લખ્યું હતું કે 140 કરોડ દેશવાસીઓની શ્રદ્ધા જ્યારે એકસાથે એકત્ર થાય છે ત્યારે અદભુત દૃશ્ય જોવા મળે છે. આ આયોજન ફક્ત ધાર્મિક ઉત્સવ નહોતો, પરંતુ આપણી સંસ્કૃતિક એકતા અને અખંડતાનું પ્રતીક હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે જ્યારે કોઈ રાષ્ટ્ર પોતાની સદીઓ જૂની ગુલામીની માનસિકતાને ત્યાગીને આગળ વધે છે ત્યારે નવા આત્મવિશ્વાસ સાથે ખૂલી હવામાં શ્વાસ લે છે, ત્યારે તેને દરેક પ્રકારના નજારા જોવા મળે છે અને એનું પાન તમને મહાકુંભમાં જોવા મળ્યું હતું.
મહાકુંભનું સમાપન ભવ્ય રીતે કરવામાં આવ્યું. ભવ્ય આતશબાજી અને લેજર લાઈટ શોએ સમગ્ર વાતાવરણને મંત્રમુગ્ધ કર્યું હતું, જ્યારે તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગીએ પણ કહ્યુ હતું કે આ મહાકુંભમાં 66.21 કરોડ લોકોએ સંગમના પવિત્ર સ્થળે ડૂબકી લગાવી હતી, જેમાં વિદેશી શ્રદ્ધાળુઓની સાથે આધ્યાત્મિક, રાજકારણીઓ, ફિલ્મી કલાકારો, ઉદ્યોગપતિથી લઈને દરેક વર્ગના લોકોએ ડૂબકી લગાવીને દિવ્ય અનુભૂતિ વ્યક્ત કરી હતી.