July 1, 2025
ગુજરાત

મહાશિવરાત્રિ નિમિત્તે ત્રણ દિવસ સોમનાથમાં ઉજવાશે ‘સોમનાથ મહોત્સવ’

Spread the love


પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનિત કલાકારો દ્વારા નૃત્ય-સંગીત મહોત્સવનું આયોજન


ગાંધીનગરઃ ગુજરાતમાં પહેલી વાર યોજાનાર સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા નૃત્ય-સંગીત મહોત્સવ મનાવવામાં આવશે. આ મહોત્સવનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૨૪ ફેબ્રુઆરીના રોજ સાંજે ૭ કલાકે ઉદ્ઘાટન કરવામાં આવશે. મહાશિવરાત્રિ નિમિત્તે ત્રણ દિવસ (24-25-26)ના કાર્યક્રમ દરમિયાન સોમનાથ ખાતે આયોજિત મહોત્સવમાં શ્રદ્ધાવાન ભક્તો માટે સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા વીણા વડે ભજન અને રાસથી ડાયરા સહિત વિવિધ અલૌકિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

શાસ્ત્રીય સંગીતની બોલાવાશે રમઝટ
શ્રી સોમનાથ મહાદેવ શૈવ આગમની પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે, પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવ જ્યાં સંગીત અને નૃત્ય ફક્ત કલા સ્વરૂપો નથી પરંતુ પૂજાનું માધ્યમ છે – દિવ્ય અને નશ્વર વચ્ચેનો સેતુ છે. શૈવ ધર્મમાં, શિવ એક વૈશ્વિક નૃત્ય એવા નટરાજ છે, જેમનું તાંડવ નૃત્ય લય અને બ્રહ્માંડને આકાર આપે છે. તેમના હાથમાં રહેલ ડમરુ, જે સ્વરો (સંગીતના સૂરો)ને જન્મ આપે છે, જે ભારતીય શાસ્ત્રીય સંગીતનો આધાર માનવામાં આવે છે.

“વાદ્યમ્-નાદસ્ય યાત્રા” પર પ્રદર્શનનું આયોજન કર્યું
શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એ શિવ ભક્તિ ઉપરાંત નાટ્ય (નૃત્ય) અને ગાન (સંગીત)નું પણ કેન્દ્ર રહ્યું છે. જ્યાં કલાત્મક અભિવ્યક્તિ દ્વારા આધ્યાત્મિક અનુભવને ઉન્નત કરવામાં આવે છે. મંદિરનો નાટ્ય મંડપ આ લાંબા સમયથી ચાલી રહેલ પરંપરાનો સાક્ષી છે. રાજ્યના પ્રવાસન વિભાગ તથા ઇન્દિરા ગાંધી કલા કેન્દ્ર, વડોદરા દ્વારા આયોજિત આ સમગ્ર મહોત્સવ દરમિયાન સન્માનિત ખ્યાતનામ કલાકારો દ્વારા ત્રણ દિવસ અને રાત્રિ દરમિયાન મહાશિવરાત્રીની પાવન ઘડીએ વિશેષ સંગીત પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત અહી “વાદ્યમ્-નાદસ્ય યાત્રા” પર વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે, જેમાં “સેક્રેડ સાઉન્ડ: નાદ, વાંદ્યો અને તેમની કથાઓ” સંગીત, આધ્યાત્મિકતા તેમજ કલા અભિવ્યક્તિ વચ્ચેનો અનોખો સંબંધ ઉજાગર કરાશે. તદઉપરાંત સંગીત વાંદ્યોની વિકાસયાત્રા, દિવ્ય કથાઓ સાથેની તેમની જોડાણતા અને શિલ્પ-દૃશ્યકળામાં તેમની રજૂઆત આ પ્રદર્શનના કેન્દ્રસ્થાને રહેશે.

26મીના વિધિવિધાન સાથે મહાપૂજનનું આયોજન કરાયું
રાજ્યમાં આવેલું પવિત્ર સોમનાથ યાત્રાધામ ત્રણ પવિત્ર નદીઓ કપિલા, હિરણ અને સરસ્વતીના ત્રિવેણી સંગમ માટે પ્રાચીન કાળથી પ્રસિદ્ધ છે. આ મહોત્સવ દરમિયાન અહી દર સાંજે વિશેષ ‘સંગમ આરતી’ યોજાશે, જેમાં ૧૦૮ દિવડા પ્રજ્વલિત કરી ભક્તિમય વાતાવરણનું સર્જન થશે. શ્રી સોમનાથ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીના રોજ સવારના સમયે “સૌમનાથ: મંદિર, તીર્થ અને પરંપરા” પર શ્રી સોમનાથ સંસ્કૃત મહાવધ્યાલય ખાતે વિશેષ સેમિનાર યોજાશે, જેમાં સોમનાથના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ પર ચર્ચા કરવામાં આવશે. ૨૬ ફેબ્રુઆરીનામારુતિ બીચ ખાતે સવારે ૮.૦૦ કલાકે મહાશિવરાત્રીના પ્રસંગે શાસ્ત્રોત વિધિવિધાન સાથે પાર્થિવેશ્વર મહાપૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

24મીના સોનલમાન સિંહ દ્વારા “નાટ્યકથા” પ્રસ્તુત કરાશે
આ ઉપરાંત ત્રિ-દિવસીય ‘સોમનાથ મહોત્સવ’માં ૨૪મીના સાંજે પદ્મ વિભૂષણ ડૉ. સોનલમાન સિંહ દ્વારા “નાટ્યકથા” પ્રસ્તુત કરવામાં આવશે. ત્યાર બાદ સૂર્ય ગાયત્રી-શિવ ભજન, વિદ્યુષી રામા વૈદ્યનાથન “નિમગ્ન” તથા પંડિત શિવમણિ અને પદ્મશ્રી પંડિત રોણુ મજુમદાર વચ્ચે જુગલબંદી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે તા.૨૫ ફેબ્રુઆરીના રોજ સાંજે ૭ વાગ્યાથી પદ્મશ્રી રામ ચંદ્ર પુલેવાઝ દ્વારા શેડો પપેટ્રી, વિદુષી સુધા રઘુરામન અને વોકલ મ્યુઝિક, પદ્મ વિભૂષણ કુમુદિની લાખિયા અને કાદમ્બ તેમજ શ્રી અતુલ પુરોહિત દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

26મીના યોગેશ ગઢવી દ્વારા ડાયરો યોજાશે
આ મહોત્સવના અંતિમ દિવસ એટલે કે ૨૬મીએ બરોડા કેરળ સમાજ દ્વારા સિંગરી મેલમ અને નીલેશ પરમાર દ્વારા ગુજરાતના લોકનૃત્ય, યોગેશ ગઢવી દ્વારા ડાયરો, રાજશ્રી વારિયર અને ટીમ, મૈસૂર મંજુનાથ દ્વારા વાયોલિન એન્સેમ્બલ, સુમન સ્વરગી દ્વારા ૮ શાસ્ત્રિય નૃત્ય સ્વરૂપો દ્વારા શિવ મહિમા – સ્પર્શ સ્ટુડિયો ફોર પરફોર્મિંગ આર્ટ્સ, પદ્મ ભૂષણ પંડિત વિશ્વમોહન ભટ્ટ “ડેઝર્ટ સ્લાઇડ્સ”, પંડિત શશાંક સુબ્રમણિયમ દ્વારા બંસુરી, પંડિત બિક્રમ ઘોષ દ્વારા ભક્તિમય માહોલમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!