ટીબી હારશે: સરકારે 7.68 લાખથી વધુ દર્દીને રૂ. ૨૪૬ કરોડની સહાય આપી
ગાંધીનગરઃ ૧૦૦ દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝૂંબેશ”ના ભાગરૂપે ટીબીના દર્દીઓ, ટીબી ચેમ્પિયન અને સાજા થયેલ ટીબીના દર્દીઓને અભિનંદન પાઠવતા સરકારે જેવી રીતે આ દર્દીઓએ ટીબીને હરાવ્યો છે તેવી જ રીતે ટીબીનો કોઈ પણ દર્દી છ મહિનાની સંપૂર્ણ સારવાર લઈને ટીબીને હરાવી શકે છે. સરકારનાં પ્રયત્નો અને નાગરીકોના સહયોગના પરિણામે ટીબીને હરાવવો શક્ય બન્યો છે.
ડીબીટી માધ્યમથી સહાય પૂરી પાડી
ટીબીના દર્દીઓને સારવાર ઉપરાંત પોષણયુકત આહાર મળી રહે તે હેતુથી નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબીના તમામ દર્દીઓને રૂ. ૧૦૦૦ પ્રતિ માસની આર્થિક સહાય સારવાર ચાલુ રહે ત્યા સુધી અપાય છે. અત્યારસુધી આ યોજના અંતર્ગત ગુજરાતમાં ટીબીના ૭ લાખ ૬૮ હજારથી પણ વધુ દર્દીઓને રૂ. ૨૪૬ કરોડથી વધુની આર્થિક સહાય ડીબીટી માધ્યમથી અપાઈ છે.
1.40 લાખ દર્દીને સાજા કરવામાં આવ્યા
દર વર્ષે આવતા ટીબીના ૧ લાખ ૪૦ હજાર કેસોમાંથી ૯૦ ટકા દર્દીઓને સાજા કરી શકાયા છે. ૧૦૦ દિવસની ખાસ ટીબી નિર્મૂલન ઝૂંબેશ દરમિયાન ટીબી રોગના સંભવિત દર્દીઓને શોધીને વિવિધ તપાસ કરીને તેમની સારવાર કરવામાં આવે છે. આ ઝૂંબેશ દરમિયાન થનાર વિવિધ પ્રવૃતિઓમાં સહભાગી બની ટીબી નિર્મૂલનનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાના અભિયાનમાં સહભાગી બની ગુજરાતને ટીબી મુકત કરવા અને આપણાં ગામને ટીબી મુકત બનાવવા સૌ નાગરિકોને સંકલ્પબદ્ધ બનવાની અપીલ કરી હતી.
મજબૂત સંકલ્પને કારણે દર્દીઓએ ટીબીને હરાવ્યો
ભારતને વર્ષ-૨૦૨૫ સુધીમાં ટીબી મુક્ત બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પપૂર્તિની દિશામાં ગુજરાતનું આરોગ્ય વિભાગ સુંદર કામગીરી કરી રહ્યું છે, જેના પરિણામે આજે અનેક દર્દીઓએ ટીબીને હરાવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને શુક્રવારે ગાંધીનગર ખાતે “૧૦૦ દિવસ ટીબી નિર્મૂલન ઝૂંબેશ”ના ભાગરૂપે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ટીબીના સાજા થયેલ દર્દીઓ, ટી.બી. સંક્રમિત દર્દીઓ અને ટીબી ચેમ્પિયન્સ માટે સેમિનારનું આયોજન થયું હતું.
