July 1, 2025
ગુજરાત

આજે ‘પરીક્ષા પે ચર્ચા’નું આયોજનઃ ગુજરાતના 61 લાખથી વધુ વિદ્યાર્થી ભાગ લેશે

Spread the love

આગામી મહિનાથી શરુ થતી દસમા-બારમા ધોરણની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ચિંતા વિના પરીક્ષા આપે તેના માટે મુખ્ય મંત્રીના નેતૃત્વમાં ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અન્વયે અમદાવાદના વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના છાત્રો સાથે આજે સંવાદ કરશે તેમ જ વિદ્યાર્થીઓની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ પણ કરશે

તનાવમુક્ત પરીક્ષા આપવાનો ઉદ્દેશ
બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તનાવ મુક્ત પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં પરીક્ષા પે ચર્ચાની અભિનવ પહેલ કરેલી છે. આ પરીક્ષા પે ચર્ચાની આઠમી શ્રેણી આજે યોજાશે.

40,000 શાળાના વિદ્યાર્થી ભાગ લેશે
‘પરીક્ષા પે ચર્ચા’ના આ રાષ્ટ્રવ્યાપી પ્રેરણા સંવાદનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતની 40 હજારથી વધુ શાળાઓમાં વિવિધ માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ થવાનું છે. ગુજરાતમાં ધોરણ 10 અને 12 સાયન્સ તથા સામાન્ય પ્રવાહના કુલ 14 લાખ 30 હજાર વિદ્યાર્થીઓ સહિત ધોરણ 6થી બારમા સુધીના વર્ગોના સમગ્રતયા 61 લાખ 49 હજાર 343 વિદ્યાર્થી વડા પ્રધાન મોદીના પ્રેરણા માર્ગદર્શન તેમની આગામી પરીક્ષાઓના સંદર્ભમાં મેળવશે.

સીએમ પણ યોગ્ય માર્ગદર્શન આપશે
પરીક્ષા પે ચર્ચાનો આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ આજે સવારે ૧૧ કલાકે યોજાવાનો છે. મુખ્યમંત્રી આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિસરમાંથી છાત્રો સાથે પરીક્ષાને અનુલક્ષીને વાર્તાલાપ કરશે અને યોગ્ય માર્ગદર્શન આપશે. મુખ્યમંત્રી આ શાળાના વિદ્યાર્થીઓ તેમ જ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા સાથે શાળા પરિસરમાં પરીક્ષા પે ચર્ચા સંવાદ-માર્ગદર્શનનું પ્રસારણ નિહાળવામાં પણ સહભાગી થશે.

જાણીતી સેલિબ્રિટીઝ અને સદ્ગગુરુ રહેશે હાજર
પરીક્ષા પે ચર્ચાના આ વર્ષના સંવાદ માર્ગદર્શનમાં વડાપ્રધાન ઉપરાંત આધ્યાત્મિક અગ્રણી શ્રી સદગુરુ, જાણીતા કલાકારો તેમ જ ઓલમ્પિયન મેરી કોમ અને પેરા ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિનર અવની લેખારા જેવી પ્રભાવશાળી હસ્તીઓ પણ પરીક્ષાર્થીઓને પ્રેરણા પૂરી પાડે તેવું આયોજન કરાયું છે.

શિક્ષકોની સાથે માતાપિતા પણ ભાગ ઉપસ્થિત રહી શકે
પરીક્ષા પે ચર્ચાના આ ઉપક્રમમાં દેશ ના રાજ્યોના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પરીક્ષાર્થીઓના માતા-પિતા સાથે લાઇવ સત્રમાં વાર્તાલાપ કરશે અને પરીક્ષાઓ વિષયક માર્ગદર્શન આપશે.
આ કાર્યક્રમ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ-નગરોના મળીને 40 હજાર પેરેન્ટ્સ માતા-પિતાએ પણ વડાપ્રધાનનું માર્ગદર્શન મેળવવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!