રાષ્ટ્રપતિ ભવન ખાતે પહેલી વાર યોજવામાં આવશે લગ્ન સમારંભ, કોણ છે નસીબદાર?
આઝાદી બાદ, પ્રથમ વખત ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન સમારોહની શહેનાઈ ગુંજવા જઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સુરક્ષા માટે તહેનાત પીએસઓ પૂનમ ગુપ્તા અને સીઆરપીએફ ઓફિસર અવનીશ સિંહને રાયસિના હિલ્સ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન કરવાની ખાસ મંજૂરી મળી ગઈ છે. બંને જણ વેલેન્ટાઈન વીકમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન 12મી ફેબ્રુઆરીએ કેટલાક ગણતરીના મહાનુભાવોની હાજરીમાં સંપન્ન થશે.
12મી ફેબ્રુઆરીના લગ્ન કરશે અવિનાશ સાથે
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુની સુરક્ષામાં હાજર રહેનારા પૂનમ ગુપ્તાએ લગ્ન માટે મંજૂરી માગી હતી. મંજૂરી મળ્યા પછી રાષ્ટ્રપતિ ભવનમાં લગ્નની તૈયારીઓ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં પીએસઓ તરીકે ફરજ બજાવી રહેલા મહિલા સીઆરપીએફના અધિકારી આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પૂનમ ગુપ્તા રાષ્ટ્રપતિ ભવનમાં પરણનારા સૌથી પહેલા વ્યક્તિ બનશે. 12મી ફેબ્રુઆરીના પૂનમ ગુપ્તા જમ્મુ કાશ્મીરના આસિસ્ટન્ટ કમાન્ડર તરીકે ફરજ બજાવનારા અવિનાશ કુમાર સાથે લગ્ન કરશે અને અહીંના કાર્યક્રમમાં મર્યાદિત સંખ્યામાં સગાસંબંધી હાજર રહેશે.
શૈક્ષણિક ક્ષેત્રે પૂનમ ગુપ્તાને વિશેષતા જાણો
પૂનમ ગુપ્તા પોતે સીઆરપીએફમાં અધિકારી છે, જ્યારે તેના પિતા શિવપુરીની શ્રીરામ કોલોનીમાં રહે છે. તેઓ નવોદય વિદ્યાલય મગરૌનીમાં ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ કરે છે. પૂનમ ગુપ્તાએ વર્ષ 2023માં CRPF મહિલા ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. ગણિતમાં સ્નાતક અને અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર કરેલું છે. તેમણે જીવાજી યુનિવર્સિટી ગ્વાલિયરમાંથી બી.એડ પણ કર્યું છે, ત્યાર બાદ તેમણે UPSC CAPF પરીક્ષા-2018માં 81મો રેન્ક મેળવીને સીઆરપીએફમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટનું પદ મેળવ્યું હતું.
300 એકરમાં ફેલાયેલું છે રાષ્ટ્રપતિભવન
અહીં એ જણાવવાનું કે રાષ્ટ્રપતિ ભવન દેશનું સૌથી સુરક્ષિત અને ભવ્ય કોમ્પલેક્સ માનવામાં આવે છે. લગભગ 300 એકરમાં ફેલાયેલ રાષ્ટ્રપતિ ભવન અંગ્રેજોના જમાનામાં બનાવવામાં આવ્યું હતું. એડવિન લુટિયન્સે આ રાષ્ટ્રપતિ ભવનની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી હતી અને સ્વતંત્રતા પહેલા આ ઈમારત વાઈસરોયને ફાળવવામાં આવી હતી, પણ સ્વતંત્રતા બાદ ભારતના રાષ્ટ્રપતિને આ ભવન મળ્યું હતું અને રાષ્ટ્રપતિ ભવનમાં 340 રૂમ છે.