July 1, 2025
ગુજરાત

રાજ્યના હવામાનમાં પલટોઃ કમોસમી વરસાદના વર્તારાથી ખેડૂતો ચિંતામાં

Spread the love

ગાંધીનગરઃ જાન્યુઆરી મહિનામાં અપેક્ષા કરતા ઠંડી નહીં પડ્યા પછી આ મહિનામાં ફરી ઠંડી પાછી ફરી શકે છે. છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કચ્છ-કાઠિયાવાડમાં ઠંડીનું સામ્રાજ્ય વધી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સાયક્લોનિક સર્કયુલેશનને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે, આઈએમડીના વર્તારા મુજબ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડી પણ પડી શકે છે તેમ જ આગામી સાતેક દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સામાન્ય રહી શકે છે. વધતી ઠંડી વચ્ચે લોકોને તકેદારી રાખવાની પણ ભલામણ કરવામાં આવે છે.

અંબાલાલ પટેલે પણ કરી આગાહી
મધ્ય ગુજરાતમાં સુરત-અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો જોવ મળી શકે છે, જ્યારે પૂર્વ રાજસ્થાનના ભાગોમાં કંઈક અંશે વરસાદી છાંટા પડી શકે છે. સાબરકાંઠા, પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. વાતાવરણ બદલાતા ફરી ઠંડી જોર પકડી શકે છે. પાંચમીથી સાતમી ફેબ્રુઆરી દરમિયાન ઠંડીમાં વધારો થાય એવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

ખેડૂતોને પાક-પાણી બચાવવા તાકીદ
ખાસ કરીને આ વરસાદને કારણે જગતના તાતમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાકને અસર થઈ શકે છે, તેથી જરુરી પગલા ભરવા હિતાવહ રહેશે. હાલમાં ખેડૂતોએ ખાસ કરીને ઘઉં, વરિયાળી, જીરુ, બટાકા સહિતના પાકને નુકસાન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. જો આ પાક નાશ પામ્યો તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો નોબત આવી શકે છે, જેથી જગતાત ચિંતામાં મુકાઈ ગયા છે.

ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ પડી શકે
શિયાળામાં આ વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સ(પશ્ચિમી વિક્ષોભ) જ્યારે આવે ત્યારે તેનાથી પ્રેરિત એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનતું હોય છે, જ્યારે આ સાયક્લૉનિક સર્ક્યુલેશન રાજસ્થાન પર બને ત્યારે ગુજરાતને સામાન્ય રીતે અસર થતી હોય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ રહેશે, જ્યારે ઉત્તર ગુજરાતના કોઈ વિસ્તારમાં હળવો વરસાદ થાય તેવી થોડી શક્યતા રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!