વિશ્વ કેન્સર દિવસ: દેશમાં વધતા કેન્સરના કેસને ધ્યાનમાં રાખીને જાગૃત થવું જરુરી
ગુજરાતમાં છેલ્લા છ વર્ષોમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર
દર વર્ષે ચોથી ફેબ્રુઆરીના દિવસે દુનિયામાં કેન્સરની બીમારી પ્રત્યે લોકોમાં જાગૃતિ વધારવા માટે અને તેની સામે લડવા માટે કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. નિષ્ણાત ડોક્ટર પણ કહે છે કે કેન્સર જેવી બીમારીથી બચવા માટે ખાસ કરીને દિનચર્યામાં સુધારો કરવાની સાથે પૌષ્ટિક આહારનું સેવન કરવું જરુરી છે. સ્વસ્થ, સંતુલિત અને પૌષ્ટિક આહારના સેવનથી કેન્સરના જોખમોને ઘટાડી શકાય છે.
‘યુનાઇટેડ બાય યુનિક’ થીમ સાથે ઉજવણી
દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવાતા કેન્સર દિવસના ઉપલક્ષ્યમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કેવી રીતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કેન્સર જેવા ગંભીર રોગની સારવાર અને નિદાનમાં દર્દીઓ માટે એક સંજીવની બનીને ઉભરી છે. નોંધપાત્ર છે કે વિશ્વ કેન્સર દિવસ, લોકોમાં કેન્સર વિશે જાગરૂકતા, તેની સારવાર, અટકાયત અને નિદાનના મહત્વને ઉજાગર કરવા માટે સમર્પિત છે. સાથે જ, આ દિવસ વૈશ્વિકસ્તર પર કેન્સરથી પ્રભાવિત લોકોનો અવાજ ઉઠાવવા અને સસ્તી, સુલભ સ્વાસ્થ્ય સેવાઓની જરૂરિયાતને પણ દર્શાવે છે. આ વર્ષે આ દિવસને ‘યુનાઇટેડ બાય યુનિક’ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.
સરકારે છ વર્ષમાં 2,855 કરોડથી વધુ રકમની આપી મંજૂરી
વિશ્વ કેન્સર દિવસના પ્રસંગે ગુજરાતમાં કેન્સરના દર્દીઓને મળી રહેલી સારવાર અને નિદાન વિશે વાત કરીએ તો PMJAY-MA અંતર્ગત છેલ્લા 6 વર્ષોમાં ગુજરાતમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓને નિ:શુલ્ક સારવારની સુવિધા મળી છે. આ દર્દીઓના ઇલાજ માટે રાજ્ય સરકારે છેલ્લા 6 વર્ષમાં ₹2,855 કરોડથી વધુની રકમની પૂર્વ મંજૂરી આપી છે.
ગુજરાતના તમામ જિલ્લામાં ડે કેર કીમો સેન્ટર બનાવ્યા
ડિસ્ટ્રીક્ટ ડે કેર કીમોથેરાપી કેન્દ્રોના માધ્યમથી તમામ જિલ્લાઓમાં પહોંચી કેન્સર સારવારની સુવિધા લીધી હતી. ગુજરાત સરકારે રાજ્યમાં કેન્સરના દર્દીઓની સારવાર અને નિદાન પ્રત્યે સંવેદનશીલ પ્રતિભાવ આપવાના ભાગરૂપે કેન્સરની સારવારના વિકેન્દ્રીકરણ માટે અગ્રણી અભિગમ અપનાવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 11 ઓક્ટોબર, 2022ના રોજ શરૂ કરવામાં આવેલી એક પરિવર્તનકારી પહેલ હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં 35 ડે કેર કીમોથેરાપી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. આ કેન્દ્રો જિલ્લા હોસ્પિટલોમાં જરૂરી કીમોથેરાપી સારવાર પૂરી પાડે છે.
2 લાખથી વધુ દર્દીએ કીમોથેરાપીના સેશન્સ લીધા
ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI), અમદાવાદ તેમજ સિદ્ધપુર, રાજકોટ અને ભાવનગર ખાતેના તેમના અન્ય 3 સેટેલાઇટ કેન્દ્રોના સહયોગથી જિલ્લા હોસ્પિટલોમાં સ્થિત ડે કેર કીમોથેરાપી કેન્દ્રો જરૂરી સારવાર સેવાઓ, ટેલિ-કન્સલ્ટન્સી સેવાઓ અને જરૂરી દવાઓ પૂરી પાડે છે. આંકડાઓની વાત કરીએ તો વર્ષ 2024 સુધીમાં આ તમામ ડે કેર કીમોથેરાપી કેન્દ્રો પર 71,000થી વધુ દર્દીઓએ 2 લાખ 3 હજારથી વધુ કીમોથેરાપી સેશન્સ (cycles) લીધા છે. રાજ્ય સરકારની આ પહેલથી કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારજનોનો સમય અને ખર્ચ બંનેની બચત થઈ છે.
ભારતમાં કેન્સરના કેસની સંખ્યા વધીને 15.7 લાખ થયા હતા
વૈશ્વિક રીતે વાત કરીએ તો કેન્સર પ્રત્યે સજાગતા કેળવવાનું જરુરી છે. દુનિયાના હાર્ટ એટેક પછી કેન્સરથી વધુ લોકો મોતને ભેટે છે. આઈસીએમઆરના નિષ્ણાતો જણાવે છે કે ભારતમાં કેન્સરના કેસમાં 12 ટકાથી 18 ટકા વૃદ્ધિ થઈ છે. ભારતમાં કેન્સરના કેસ 2022માં 14.6 લાખથી વધીને 2025માં 15.7 લાખ થયા છે. દુનિયામાં કેન્સર અંગે જાગૃતિ વધારવા અને તેની ઓળખ અને સારવાર કરવાના ઉદ્દેશને લઈને ચોથી ફેબ્રુઆરીના કેન્સર દિવસની ઉજવણી કરાય છે, ત્યારે વધતા કેસને ધ્યાનમાં રાખીને એટલિસ્ટ બીમારી પ્રત્યેના જોખમો અને લક્ષણોથી પણ સતર્ક બનીને પોતે અને પરિવારને સુરક્ષિત રાખી શકો છો.