July 1, 2025
ગુજરાત

અસાંજો કચ્છઃ લખપતનું ગુનેરી ગામ ગુજરાતનું પહેલું બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ જાહેર

Spread the love

ગાંધીનગર-ભુજઃ પ્રવાસન અને પ્રકૃતિ ક્ષેત્ર દેશ અને વિદેશમાં આગવું સ્થાન ધરાવતા ‘કચ્છ’ને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થ‌ઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વન- પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના સતત પ્રયાસોથી કચ્છના લખપત તાલુકાના ગુનેરી ગામના ૩૨.૭૮ હેકટર વિસ્તારને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ’ જાહેર કરાવામાં આવી છે, જે કચ્છની વિશેષ ઓળખમાં નવું મોરપીંછ ઉમેરાયું છે.

ગુનેરીને ઈનલેન્ડ મેન્ગ્રોવ સાઈટ જાહેર કરાઈ
વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત ગુજરાત બાર્યોડાયવર્સિટી બોર્ડની જૈવિક વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધનના મહત્વના પગલારુપે ક્ચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ખાતે સ્થિત ‘ઇંનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી” સાઈટને ગુજરાતની પ્રથમ ‘બાર્યોડાયવર્સિટી હેરિટેજ સાઈટ’ તરીકે જાહેર કરવામાં આવી છે.

32.78 હેક્ટરમાં મેન્ગ્રોવ ફેલાયેલો છે
મેન્ગ્રોવ મુખ્યત્વે દરિયાકિનારે એવી જગ્યાએ જોવા મળે છે જ્યાં ૨૪ કલાકમાં એકવાર પાણી આવીને જતું રહેતું હોય, જ્યાં સતત દલદલ એટલે કે કીચડ રહેતું હોય ત્યાં જ જોવા મળે છે. પરંતુ અરબી સમુદ્રથી ૪૫ કિ.મી.ના અંતરે અને કોરી ક્રીકથી ૪ કિ.મીના અંતરે ગુનેરી ખાતે આવેલ મેન્ગ્રોવમાં પાણી ક્યારેય આવતું નથી કે કીચડ કે દલદલ નહી પણ સપાટ જમીન પર ૩૨.૭૮ હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રોવ જંગલની જેમ પથરાયેલા જોવા મળે છે, જે આપોઆપ એક વિશિષ્ટતા છે.

બાર્યોડાયવર્સિટી હેરિટેજ સાઈટ BHS તરીકે જાહેર
અહીંની સપાટ જમીન પર જંગલની જેમ પથરાયેલ મેન્ગ્રોવની વિશિષ્ટ અને યુનિક જગ્યા વિશે લોકોને જાણવા મળે એ ખૂબ જરુરી છે.જેથી તેનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે હેતુથી ગુજરાત બાર્યોડાયવર્સિટી બોર્ડની ભલામણને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા ક્ચ્છ જિલ્લાના લખપત તાલુકાની “ઇંનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી” સાઈટને ગુજરાતની પ્રથમ બાર્યોડાયવર્સિટી હેરિટેજ સાઈટ બી.એચ.એસ. (BHS) તરીકે જાહેર કરી છે, જેમાં ગુજરાત બાર્યોડાયવર્સિટી બોર્ડના મેનેજમેંટ પ્લાન થકી તેના ફ્લોરા અને ફૌનાનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવનાર છે.

બાર્યોડાયવર્સિટીનુ સંરક્ષણ અને સંવર્ધન કરાશે
સ્થાનિકોના હક્ક અને વિશેષ અધિકારોનું સન્માન કરવામા આવશે. ઉપરાંત સ્થાનિકો,વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક વન અને આદીવાસી પ્રજાના ક્ષમતા વર્ધન તાલીમ દ્વારા બાર્યોડાયવર્સિટીનુ સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવશે તેમ, વન અને પર્યાવરણ વિભાગના જાહેરનામામાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!