Alert: ગુલિયન બેરે સિન્ડ્રોમ (GBS)થી મહારાષ્ટ્રમાં ફફડાટ, પુણેમાં સીએનું મોત
પુણેઃ મહારાષ્ટ્રના પુણેમાં ગુલિયન બેરે સિન્ડ્રોમ (GBS)થી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેમાંય વળી આ બીમારીને કારણે એક દર્દીનું મોત થવાને કારણે સમગ્ર મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે. હાલના તબક્કે રાજ્યમાં દર્દીઓની સંખ્યા 100ને પાર થઈ છે, જ્યારે 17 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જાણી લઈને કેસની વિગતો અને બીમારીના લક્ષણો.
કેન્દ્ર સરકાર થઈ એલર્ટ, ટીમ કરી તૈયાર
ગુલિયન બેરે સિન્ડોમ (જીબીએસ)ના કેસમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે કથિત રીતે આ બીમારીથી એક દર્દીનું મોત થયું છે. વધતા સંક્રમણને લઈને આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રમાં નિષ્ણાત સભ્યોની ટીમ તૈયાર કરી છે, જ્યારે આ સિન્ડ્રોમને કારણે દર્દીના મોતના કિસ્સાની પણ તપાસ હાથ ધરી છે.
41 વર્ષના સીએનું બીમારીથી થયું મોત
પુણેમાં કામ કરનારા 41 વર્ષના દર્દીનું મોત ગુલિયન બેરે સિન્ડ્રોમથી થયું હોવાની હકીકત જાણવા મળી છે. આ દર્દી વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) હતો. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે જણાવ્યું કે 25 જાન્યુઆરીના સોલાપુરની હોસ્પિટલમાં દર્દીનું મોત થયું હતું, જેમાં એ વ્યક્તિને ઉપચાર કરી શકાય એવી કોઈ દુર્લભ બીમારીથી મોત થયું હતું. જોકે, સોમવારે જીબીએસને કારણે એ વ્યક્તિનું મોત થયું હોવાનું તેના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું.
મૃતકના પરિવારે શું આપ્યું નિવેદન
પુણેમાં મૃતકના પરિવારે કહ્યું કે નવમી જાન્યુઆરીના સીએને ડાયેરિયા થયો હતો, ત્યાર પછી
14 જાન્યુઆરીના પરિવાર સાથે પોતાના વતન સોલાપુર ગયો હતો. એક સંબંધીએ કહ્યું કે દવા લીધા પછી તેને સારું હતું. સોલાપુર ગયો અને 17મી જાન્યુઆરીના નબળાઈ અનુભવતો હતો, ત્યાર પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આઈસીયુમાં છ દિવસ રહ્યો હતો, ત્યાર બાદ જનરલ વોર્ડમાં પણ શિફ્ટ કર્યો હતો. એના પછી અચાનક તબિયત બગડ્યા પછી શનિવારે મોત થયું હતું.
100થી વધુ કેસ, 17 દર્દી વેન્ટિલેટર પર
આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યાનુસાર આ એક જીબીએસનો કેસ છે. નવમી જાન્યુઆરીના ક્લસ્ટર બનાવ્યા પછી ત્રણ અઠવાડિયામાં પુણેમાં જીબીએસ કેસમાં 111 ટકાનો વધારો થયો છે. રવિવાર સુધીમાં તેની સંખ્યા 101 હતી, જ્યારે 17 દર્દી વેન્ટિલેટરના સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. ઉપરાંત, સાત દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી હતી. હાલમાં વધતા સંક્રમણ અંગે આરોગ્ય સંબંધિત જરુરી પગલાં ભરવાનો નિર્દેશ કર્યો છે.
બીમારીના લક્ષણો કયા કયા હોય છે?
ગુલિયન બેરે સિન્ડ્રોમ એક દુર્લભ બીમારી છે, જેમાં અચાનક શરીર નબળું પડી જવું, સોજા આવવા તેમ જ લકવો પણ પડી શકે છે. ઉપરાંત, હાય બીપી, બ્લડ પ્રેશરમાં સૌથી વધુ વધ-ઘટ અને શ્વાસ લેવામાં તકલીફ પણ રહે છે. જીબીએસની ગંભીર અવસ્થાને કારણે લકવો પણ આવી શકે છે, જેના માટે વેન્ટિલેશનની જરુરિયાત રહે છે. કોરોના મહામારી પછી જીબીએસ સિન્ડ્રોમને કારણે પ્રશાસન વધુ સતર્ક બન્યું છે.