ગૌતમ અદાણીના દીકરાના સાતમી ફેબ્રુઆરીના સાદગીથી થશે લગ્ન
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરાના ગયા વર્ષે લગ્ન પછી આ વર્ષ ફેબ્રુઆરીમાં જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના દીકરાના લગ્ન કરવામાં આવશે. અદાણીના નાના દીકરાના લગ્ન સાદગીથી કરવામાં આવશે, જ્યારે વિશેષ વાત એ છે કે કોઈ સેલિબ્રિટીઝને આમંત્રણ નહીં આપવામાં એવું કહેવાય છે.
બુધવારે મહાકુંભમાં પરિવારમાં પત્ની પ્રીતિ અદાણી સહિત સંગમ ખાતે સ્નાન કર્યું હતું. ગૌતમ અદાણી, પ્રીતિ અદાણી સહિત દીકરા જીતના લગ્નની પણ જાહેરાત કરવામાં આવી હતી. સાતમી ફેબ્રુઆરીના લગ્ન કરવામાં આવશે. એક સવાલના જવાબમાં ગૌતમ અદાણીએ કહ્યું હતું કે દીકરા જીતના લગ્ન સાતમી ફેબ્રુઆરીના સુરતના ડાયમંડ વેપારી જૈમિન શાહની દીકરી દિવા શાહ સાથે કરવામાં આવશે અને આ લગ્ન સાવ સાદગીથી કરવામાં આવશે.
ગૌતમ અદાણીએ પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે પરિવાર સાથે ગંગા આરતી કર્યા પછી કહ્યું હતું કે મારો ઉછેર સામાન્ય લોકોના માફક થયો છે. ગંગાજીના આશીર્વાદથી આજે જીત પણ અહીં છે અને તેના લગ્ન પણ સાવ સામાન્ય રીતે પારંપારિક રીતે કરવામાં આવશે. આ લગ્નમાં પરિવારના લોકો સામેલ થશે. ત્રિવેણી સંગમ ખાતે ગૌતમ અદાણી, પ્રીતિ અદાણી, દીકરો કરણ અને એની પત્ની પરિધિ અને પૌત્રી કાવેરી સાથે જીત પણ ઉપસ્થિત રહ્યા હતા.
મહાકુંભમાં અદાણી પરિવારે ઈસ્કોનના મહાપ્રસાદ સેવામાં ભાગ લીધો હતો અને હનુમાન મંદિરમાં પૂજા પાઠ પણ કરી હતી. ઈસ્કોનના ભંડારામાં રોજના એક લાખથી વધુ લોકોને નિશુલ્ક ભોજન આપવામાં આવે છે. ગૌતમ અદાણીએ ગંગા નદીના કિનારે શંકર વિમાનમંડપમ મંદિરમાં પણ દર્શન કર્યાં હતા.