બુલેટ ટ્રેનનું સપનું ચકનાચૂરઃ હાઈ સ્પીડ કોરિડોરમાં દોડાવાશે વંદે ભારત ટ્રેન…
હાઈ સ્પીડ કોરિડોર માટે રેલવે મંત્રાલયે સિગ્નલિંગ સિસ્ટમના ટેન્ડર બહાર પાડ્યાં
નવી દિલ્હીઃ મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે જાપાનની શિંકાસેન બુલેટ ટ્રેન ખરીદવામાં વિલંબ થઈ રહ્યો છે ત્યારે મુંબઈ-અમદાવાદના હાઈ સ્પીડ કોરિડોરમાં હાઈ સ્પીડની વંદે ભારત ટ્રેન દોડાવી શકાય છે. આ અંગે રેલવે મંત્રાલયે સિગ્નલિંગ સિસ્ટમ માટે ટેન્ડર પણ બહાર પાડ્યા છે.
બુલે ટ્રેનના કોરિડોરમાં વંદે ભારત દોડાવી શકાય
દેશની સૌથી પહેલી બુલેટ ટ્રેન મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે દોડાવવા કોરિડોરનું નિર્માણ કાર્ય ચાલુ છે, જેમાં ભારત સરકાર વતીથી તમામ કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે, પરંતુ હવે એક નવો અવરોધ આવ્યો છે. જાપાનની શિંકાસેન બુલેટ ટ્રેનના સેટ ખરીદવામાં વિલંબ આવી રહ્યો છે ત્યારે તેના માટે રેલવે મંત્રાલયે નવો રસ્તો શોધ્યો છે. આ જ કોરિડોરમાં હાઈ સ્પીડની વંદે ભારત ટ્રેન દોડાવવાની યોજના બનાવી છે.
કલાકના 280 કિલોમીટરની રફતારથી દોડાવાશે
બુલેટ ટ્રેનના કોરિડોરમાં કલાકના 280 કિલોમીટરની ઝડપથી વંદે ભારત ટ્રેન દોડાવવાની તૈયારીઓ શરુ કરી છે. આ જ કોરિડોરમાં જ્યાં સુધી બુલેટ ટ્રેન (Shinkansen)ટ્રેન આવે નહીં ત્યાં સુધી આ જ સેક્શનમાં વંદે ભારત ટ્રેન દોડાવી શકાય છે. રેલવે મંત્રાલયે અગાઉ દાવો કર્યો હતો કે પહેલા તબક્કામાં મુંબઈ-અમદાવાદ નહીં તો ગુજરાતમાં બિલિમોરા-સુરત વચ્ચે બુલેટ ટ્રેન દોડાવી શકાય છે, પરંતુ હવે એમાં વિલંબ થઈ શકે છે.
2033 પહેલા બુલેટ ટ્રેન આવવાની મુશ્કેલી રહેશે
હાઈ સ્પીડ ટ્રેન વર્ષ 2030 પહેલા પણ આવી શકશે નહીં. મીડિયાના અહેવાલ અનુસાર બુલેટ ટ્રેનના કોરિડોરમાં લગભગ 2033 સુધીમાં દોડાવવાની કોઈ શકયતા નથી. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો શિલારોપણ 2017માં કરવામાં આવ્યું હતું. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (NHRSCL)એ ગયા અઠવાડિયે બુલેટ ટ્રેનના કોરિડોર પર વંદે ભારત ટ્રેન માટે સિગ્નલિંગ સિસ્ટમના ટેન્ડર બહાર પાડ્યા હતા. હવે વંદે ભારત ટ્રેનને ભારતની સ્વદેશી બુલેટ ટ્રેન તરીકે ડેવલપ કરવામાં આવી રહી છે.