RBIએ કમર્શિયલ ફ્રોડને રોકવા માટે લીધું મહત્ત્વનું પગલું, અત્યારે જ જાણી લો…
મુંબઈઃ દિવસે દિવસે વધી રહેલાં ફ્રોડના કિસ્સાઓને ધ્યાનમાં લેતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈ દ્વારા આ ફ્રોડને રોકવા માટે મહત્વનો નિર્ણય લેતા બેંકોને નિર્દેશ આપ્યો છે કે બેંકોએ ગ્રાહકોને લેવડ-દેવડ વગેરેની માહિતી આપવા માટે 1600થી થતાં ફોન નંબરનો ઉપયોગ કરવો. જો બેંકો કે અન્ય કોઈ રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશ પ્રમોશનલ કોલ માટે ફોન કે એસએમસ કરે તો તેના નંબર 140થી શરૂ થવા જોઈએ.
આરબીઆઈનું એવું માનવું છે કે આનાથી નાણાંકીય છેતરપિંડી પર અંકુશ આવશે. આ સિવાય આરબીઆઈએ બેન્કો અને અન્ય કંપનીઓને તેમના કસ્ટમર ડેટાબેઝનું નિરિક્ષણ કરવા માટે તેમ જ બિનજરૂરી ડેટા હટાવવાનું જણાવ્યું છે. બેન્કોને આપવામાં આવેલા સર્ક્યુલરમાં આરબીઆઈએ યોગ્ય તપાસ બાદ જ રજિસ્ટર કરવામાં આવેલા મોબાઈલ નંબર અપડેટ કરવા અને કેન્સલ કરવામાં આવેલા મોબાઈલ નંબર સાથે લિંક કરવામાં આવેલા એકાઉન્ટનું ઓબ્ઝર્વેશન વધારવા જણાવ્યું છે જેથી લિંક કરેલા ખાતાઓને ફ્રોડમાં સામેલ થવાથી રોકી શકાય.
આરબીઆઈ દ્વારા 31મી માર્ચ, 2025 પહેલાં આ નિર્દેશોનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે, ડિજિટલ વ્યવહારોના પ્રસારથી ગ્રાહકોને સુવિધા મળી છે પરંતુ તેનાથી છે ફ્રોડમાં પણ વધારો થયો છે. આ એક ગંભીર ચિંતાનો વિષય છે અને તેની સામે ઠોસ પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
અન્ય એક સર્ક્યુલરમાં આરબીઆઈએ તમામ બેંકોને બધા હાલના અને નવા ખાતાઓ અને લોકર્સમાં નોમિની સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. સેન્ટ્રલ બેંકે એવું પણ કહ્યું છે કે એવા અનેક ખાતાઓ છે કે જેમાં કોઈ નોમિની નથી. નોમિની સુવિધાનો ઉદ્દેશ્ય ખાતાધારકના મૃત્યુ પર પરિવારના સભ્યોને પડતી મુશ્કેલીઓ ઘટાડવાનો અને દાવાઓનું ઝડપી સમાધાન સુનિશ્ચિત કરવાનો છે.
વધુમાં આરબીઆઈએ એવું પણ જણાવ્યું છે કે, ગ્રાહકોને નોમિનેશન સુવિધાનો લાભ લેવા માટે બેંકો ખાતું ખોલવાના ફોર્મમાં યોગ્ય સુધારા કરી શકે છે. બેન્કો અને એનબીએફસીએ પણ બેન્ક ખાતાઓમાં નોમિની સુનિશ્ચિત કરવા માટે અભિયાન શરૂ કરવું જોઈએ.