ColdPlayConcert: ક્રિસ માર્ટિને બાબુલનાથ મંદિરમાં ભગવાન ભોળાનાથના કર્યાં દર્શન, Video Viral
મુંબઈઃ ભારતીય હિંદુ પરંપરા અને સનાતન ધર્મનું મહત્ત્વ વિશેષ છે. ભારતમાં હિંદુઓ જ નહીં, અન્ય ધર્મના લોકો પણ પરંપરાને અનુસરે છે. હાલમાં મુંબઈમાં કોલ્ડપ્લે કોન્સર્ટ (Cold Play Concert)ની ચારેય બાજુ ચર્ચામાં છે. નવી મુંબઈમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટ માટે રેલવેથી લઈને બેસ્ટ પ્રશાસન દ્વારા વિશેષ ટ્રેન-બસ દોડાવવાની જાહેરાત કરી છે ત્યારે કોન્સર્ટ પહેલા કોલ્ડપ્લે કોન્સર્ટ ફેમ ક્રિસ માર્ટિન અને ડકોટા જોન્સને મુંબઈના બાબુલનાથ મંદિરમાં ભગવાનના શિવના દર્શન કર્યા હતા. બાબુલનાથ મંદિરમાં ભગવાન શિવના દર્શન કર્યા પછી મંદિર પરિસરનો વીડિયો વાઈરલ થયો હતો. ક્રિસ માર્ટિને મંદિરમાં દર્શન કરવાનો વીડિયો પણ વાઈરલ થયા પછી લોકોએ તેની નોંધ લીધી હતી.
પોતાના ગીતો અને મ્યુઝિકથી દુનિયાભરમાં જાણીતા બનેલા બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લે અત્યારે મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂરને લઈ લાઈમલાઈટમાં છે. આ બેન્ડ નવ વર્ષ પછી ભારતમાં પરફોર્મ કરવામાં આવશે, જેને લઈને મુંબઈ-નવી મુંબઈના ચાહકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળે છે. નવી મુંબઈમાં કોન્સર્ટ યોજ્યા પહેલા સિંગર ક્રિસ માર્ટિન અને હોલીવુડની અભિનેત્રી ડકોટા જોન્સને સૌનું દિલ જીતી લીધું છે. ભારતીય સંસ્કૃતિથી અંજાઈને મંદિરના દર્શન કર્યાં છે, જે તેમના ચહેરા પરની ખુશી અને પહેરવેશ પરથી જોવા મળ્યું હતું.
મુંબઈ એરપોર્ટ પર ક્રિસ માર્ટિને હાથ જોડીને સૌને નમસ્તે કહીને સૌનું દિલ જીતી લીધું હતું.
શુક્રવારે કપલે ભવગાન શિવના આશીર્વાદ લીધા હતા, ક્રિસે લાઈટ બ્લુ કલરનો કૂર્તો અને રુદ્રાક્ષની માળા પહેરીને સ્થાનિક પરંપરાને અનુસરતા જોવા મળ્યા હતા. ડકોટા પણ સાદા ડ્રેસ અને દુપટ્ટામાં જોવા મળી હતી. બંનેના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા, જ્યારે અનેક યૂઝરે તેના પર પ્રતિક્રિયા આપી હતી. તેમના ચાહકોએ બંનેની ખૂબ પ્રશંસા કરી હતી. વિદેશી કલાકારો પણ ભારતીય સંસ્કૃતિને અનુસરીને મંદિરના દર્શન કર્યાંના વીડિયો પણ વાઈરલ થયા હતા.
અહીં એ જણાવવાનું કે કોલ્ડપ્લે મ્યુઝિક ઓફ ધ સ્ફીયર વર્લ્ડ ટૂર અન્વયે આજે અને 19 અને 21મી જાન્યુઆરીના નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં પરફોર્મ કરશે. એના પછી 25 જાન્યુઆરીના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરફોર્મ કરશે. આ કોન્સર્ટ માટે ચાહકો બહુ ઉત્સાહી છે. આ અગાઉ 2016માં કોલ્ડપ્લે કોન્સર્ટનું આયોજન કર્યું હતું.