ચીનના HMPV VIRUSએ ભારતના કયા શહેરમાં એન્ટ્રી કરી?
બેંગલુરુઃ કોરોના મહામારીથી હજી દુનિયા માંડ બેઠી થઈ છે ત્યારે ચીનમાં નવા વાઈરસના જોખમના અહેવાલો વચ્ચે ભારતમાં પણ નવા વાઈરસે મંડાણ કર્યાના સમાચારથી આરોગ્ય પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ છે. ચીનમાં ફેલાયેલા હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV Virus)ના સંક્રમણ ભારતમાં જોવા મળ્યું છે. બેંગલુરુમાં આઠ મહિનાની બાળકી એચએમપીવી સંક્રમિત થઈ છે. આ મુદ્દે આઈસીએમઆરે કહ્યું છે કે કર્ણાટકમાં બે એચએમપીવીના કેસ મળ્યા છે. આ કેસ મળ્યા પછી કર્ણાટકના આરોગ્ય મંત્રીએ ઈમર્જન્સી બેઠક બોલાવી છે. આ મુદ્દે આંધ્ર પ્રદેશ સરકારે પણ એચએમપીવી વાઈરસને લઈ એલર્ટ જારી કરી છે.
ચીનમાં તાજેતરમાં હ્યુમન મેટાન્યુમોવાઈરસનું સંક્રમણ વધારે જોવા મળે છે, જ્યારે મીડિયાના અહેવાલ અનુસાર મોટી સંખ્યામાં લોકોના જીવ પણ ગયા છે. આ મુદ્દે ભારત સરકારે પણ આરોગ્ય વિભાગને એલર્ટ કરવાની સાથે દેખરેખ પણ રાખવામાં આવી રહી છે, જ્યારે સરકારે અનેક રાજ્યોને એડવાઈઝરી જાહેર કરી છે.
ક્યાં મળ્યો સૌથી પહેલો કેસ?
બેંગલુરુની બેપટિસ્ટ હોસ્પિટલમાં એક આઠ મહિનાની બાળકીમાં એચએમપીવી વાઈરસ જેવા લક્ષણો જોવા મળ્યો છે. બાળકીમાં સંક્રમણની પુષ્ટિ એક ખાનગી લેબમાં કરવામાં આવી છે, જ્યારે કર્ણાટક આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર સરકારની લેબમાં કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી. ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટમાં જાણવા મળ્યું છે. સ્ટ્રેનને લઈને કોઈ જાણકારી મળી નથી. નમૂના ટેસ્ટ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે આ મુદ્દે સરકારે પણ વાઈરસને લઈ સાવધાની રાખવાની તાકીદ કરી છે.
જાણી લો નવા વાઈરસના લક્ષણો?
– હ્યુમન મેટાન્યુમોવાઈરસને એચએમપીવીના નામથી ઓળખવામાં આવે છે. જેનાથી વ્યક્તિના શ્વસન પ્રક્રિયા પર અસર થાય છે. પહેલી વાર 2001માં નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો હતો અને એનું મૂળ પેરામાઈક્સોવિરીડે વાઈરસ છે.
– અન્ય શ્વસન વાયરસની માફક ચેપગ્રસ્ત લોકોની નજીક રહેવાથી પણ ફેલાય છે જ્યારે તેઓ ઉધરસ અને છીંક આવે છે
– આ વાઈરસ છેલ્લા છ દાયકાથી દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે
– આ વાઈરસથી સૌથી વધુ બાળકો પર અસર થાય છે. પ્રતિરોધક ક્ષમતામાં ઘટાડો થવાની સાથે વૃદ્ધો પર પણ અસર પડે છે.
– આ વાઈરસને કારણે લોકોમાં શરદી, ઉધરસ, કફની ફરિયાદ કરવામાં આવે છે, જ્યારે ગંભીર કેસમાં ગળા અને શ્વાસ નળીમાં જામ થવાને કારણે વિવિધ સમસ્યા ઊભી થાય છે.
– અમુક ગંભીર કિસ્સામાં બ્રોંકિયોલાઈટિસ (ફેફસામાં ઓક્સિજનની નળીમાં સોજો) અને ન્યુમોનિયાની બીમારી ઊભી થઈ શકે છે. આ બીમારીને કારણે હોસ્પિટલમાં ભરતી થઈ શકે છે.