મંદિર તારુ વિશ્વ રુપાળુંઃ નવા વર્ષે શિરડીમાં આઠ લાખ ભક્તોએ કર્યાં દર્શન
નવ દિવસમાં 16 કરોડથી વધુ રુપિયાનું દાન મળ્યું મંદિરને
મુંબઈઃ મહારાષ્ટ્રના શિરડીમાં નવા વર્ષ નિમિત્તે વિશેષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 25 ડિસેમ્બર 2024થી બીજી જાન્યુઆરી, 2025ના સમયગાળા દરમિયાન આઠ લાખથી વધુ શ્રદ્ધાળુએ દર્શન કર્યા હતા, જ્યારે ભક્તોએ પણ છૂટા હાથે દાન કર્યું હતું.
મહારાષ્ટ્રના સૌથી મોટા ધાર્મિક સ્થળ સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટવતીથી ક્રિસમસના વેકેશન અને નવા વર્ષ નિમિત્તે 25 ડિસેમ્બરથી બીજી જાન્યુઆરી 2025ના શિરડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ વખતે ખાસ કરીને ભક્તો માટે દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તો માટે વીઆઈપી પાસની ખાસ વ્યવસ્થા પણ કરી હતી.
15 કરોડની રોકડ મળી દાનમાં
નવ દિવસના મહોત્સવમાં આઠ લાખથી વધુ ભક્તોએ બાબાના દર્શન કર્યા હતા. સંસ્થાના જણાવ્યાનુસાર 2024ના વર્ષ અને નવા વર્ષ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ બાબાના દર્શન કર્યા હતા, જ્યારે લોકોએ વિવિધ માધ્યમથી દાન આપ્યું હતું. ડેબિટ-ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન દાન, ચેક-ડીડી અને મનીઓર્ડરના માધ્યમથી અનુક્રમે 1.96 કરોડ, રુપિયા 4.65 કરોડ મળીને કૂલ 15.97 કરોડની રોકડ મળી હતી.
9,47,750 લાડુનું થયું વેચાણ
મંદિર સંસ્થાના વતીથી જણાવ્યું હતું કે મંદિરને દાનપેટે સોના-ચાંદીના દાગીનાનું દાન પણ મળ્યું હતું. કૂલ 16 કરોડનું દાન મળ્યું છે. આ જ સમયગાળા દરમિયાન છ લાખથી વધુ સાઈ ભક્તોએ મફત ભોજનનો લાભ લીધો હતો, જ્યારે 9,47,750 લાડુના પ્રસાદનું વેચાણ કર્યું હતું. આ ઉપરાંત, 5.98 લાખ સાઈ ભક્તોને મફત બુંદીના પેકેટ આપવામાં આવ્યા હતા.
13 લાખ રુપિયાનો સોનાનો હાર દાનમાં મળ્યો
સાઈ બાબા સંસ્થાનના જણાવ્યાનુસાર સંસ્થાને મળેલા દાનનો ઉપયોગ સાઈબાબા હોસ્પિટલ અને સાઈનાથ હોસ્પિટલ અને સાઈનાથ પ્રસાદાલય મફક્ત ભોજન સહિત વિવિધ સંસ્થાનને આપવામાં આવશે. અહીં એ જણાવવાનું કે મંદિરને અગાઉ મહિલા ભક્તએ 13 લાખ રુપિયાના સોનાના હારની ભેટ આપી હતી.