Mahakumbh: નિરંજન અખાડાની પેશવાઈમાં મુસ્લિમ બેન્ડે કરી જમાવટ, હિંદુ-મુસ્લિમ ‘એકતા’ની બની મિસાલ
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના મહાકુંભમાં મુસ્લિમોના પ્રવેશ અંગે સંતો દ્વારા પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી રહી છે, જ્યારે મુસ્લિમોને કામ નહીં આપવાની અપીલ કરવામાં આવી છે ત્યારે સૌથી જૂના નિરંજન અખાડાની શોભાયાત્રામાં મુસ્લિમ સમુદાયના બેન્ડે જમાવટ કરી હતી. મુસ્લિમ સમુદાયના બેન્ડને એન્ટ્રી આપીને હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
પેશવાઈની બેન્ડ પાર્ટીમાં મોટા ભાગના મુસ્લિમ સમુદાયના બિરાદરો હતો. આઝાદ બેન્ડના માલિકે આ અંગે કહ્યું હતું કે નિરંજની અખાડામાં હંમેશા કામ કરે છે અને નિરંજન અખાડા દરેક કુંભમાં અમને કામ આપે છે અને મહાકુંભમાં વર્ષોથી કામ મળે છે.
વિરોધ કટ્ટરપંથીઓનો છે, મુસ્લિમોનો નહીં
મહાકુંભમાં મુસ્લિમ સમુદાયના લોકોને એન્ટ્રી માટે પ્રતિબંધ અને કુંભમાં કોઈને કામ નહીં આપવાનો મુદ્દો બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સહિત અનેક મોટા સંતોએ માગણી કરી હતી. નિરંજની અખાડાની પેશવાઈમાં મુસ્લિમ બેન્ડની એન્ટ્રી મુદ્દે અખાડાએ પણ હાથ ઊંચા કરી દીધા છે. નિરંજની અખાડાના સાધુસંતોનું કહેવું છે કે અમારો વિરોધ કટ્ટરપંથી મુસ્લિમો સામે છે. બાકી લોકો સાથે હળીમળીને કામ કરે એમાં કોઈ ખરાબ વાત નથી.
મહાકુંભને લઈ તમામ એજન્સી એલર્ટ
13મી જાન્યુઆરીથી 26મી ફેબ્રુઆરી વચ્ચે પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભને લઈને રેલવેથી તમામ જાહેર પરિવહનો ભક્તોની અવરજવર મુદ્દે તૈયારી કરી છે. રાજ્ય સરકાર તમામ તૈયારીઓની સમીક્ષા કરી રહી છે ત્યારે મહાકુંભમાં આવનારા લોકોની સુવિધા અને સુરક્ષામાં કોઈ મુશ્કેલી પડે નહીં તેના માટે તમામ સંસ્થાઓને તાકીદ કરી છે. પાલિકા, ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સ્થાનિક પોલીસની સાથે વિશેષ ફોર્સને તહેનાત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગીએ પણ પ્રયાગરાજની આસપાસ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી ઝડપી કરી છે, જ્યારે મહાકુંભમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી થાય નહીં તેની તકેદારીના પગલા ભરવાના આદેશ આપ્યા છે.