Vande Bharat Sleeper ટ્રેનનો ‘સ્પીડ ટેસ્ટ’ હાથ ધરાયો, રેલવે પ્રધાને વીડિયો શેર કર્યો
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન આજે દેશના મોટા શહેરોમાં દોડાવવામાં આવી રહી છે, જ્યારે હવે સ્લીપર ટ્રેન (Vande Bharat Sleeper
) દોડાવવા માટે રેલવેએ તૈયારીઓ કરી લીધી છે. હવે એવું કહેવાય છે કે રેલવે આગામી બે-ત્રણ મહિનામાં વંદે ભારત સ્લીપર ટ્રેન દોડાવી શકે છે. હાલમાં ટ્રેનનો સ્પીડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં બ્રેકિંગ સિસ્ટમ, એર સસ્પેન્શન્સ, કપલર ફોર્સનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે તાજેતરમાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર પણ એક વંદે ભારત સ્લીપર ટ્રેનના ટેસ્ટિંગનો વીડિયો શેર કરીને પ્રવાસીઓમાં નવું કૌતુક જગાડ્યું છે.
ટ્રેનને કલાકના 180ની સ્પીડે કર્યો ટેસ્ટ
નવી વંદે ભારત સ્લીપર કોચ ટ્રેનની ટેસ્ટિંગ કોટામાં કરવામાં આવ્યું હતું, જ્યાં અલગ અલગ સ્પીડ, વજન રાખવાની સાથે ખાલી ટ્રેન ચલાવીને પણ ટ્રાયલ કરવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં બ્રેકિંગ, એર સસ્પેન્શન, કપલર ફોર્સની ટેસ્ટિંગ કરવામાં આવી હતી. આ ટ્રેનને લગભગ 180 કિલોમીટરની રફતારથી પણ દોડાવવામાં આવી હતી. ઉપરાંત, ટર્નિંગ સહિત અન્ય જટીલ વળાંકના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટિંગ કોટા ડિવિઝનમાં દિલ્હી-મુંબઈ રેલવે ટ્રેક પર શરુ કરવામાં આવ્યો હતો.
Vande Bharat (Sleeper) testing at 180 kmph pic.twitter.com/ruVaR3NNOt
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 2, 2025
પાણીનો ગ્લાસ રાખીને સ્પીડ ટેસ્ટ પણ કર્યો
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જે વીડિયો શેર કર્યો છે, જેમાં ટેબલ પર ગ્લાસ રાખવામાં આવ્યો હતો અને વંદે ભારત સ્લીપર ટ્રેન લગભગ 178 કિલોમીટરની રફતારથી દોડી રહી હતી, ત્યારબાદ આ ટ્રેન 180 Kmphની સ્પીડે પહોંચી હતી, જ્યારે ગ્લાસનું પાણી પણ પડ્યું નહોતું.
વંદે ભારત સ્લીપરના કૂલ 16 કોચ હશે
બીઈએમએલ દ્વારા તૈયાર કરવામાં આવેલી પહેલી પ્રોટોટાઈપ વંદે ભારત સ્લીપર ટ્રેનના 16 કોચ હશે, જેમાં અગિયાર એસી થ્રી ટિયર કોચ, ચાર એસી ટૂ ટિયર કોચ અને એક એસી ફર્સ્ટ ક્લાસ કોચનો સમાવેશ કરવામાં આવશે. એની સાથે બે કોચ એસએલઆર હશે. 16 કોચની ટ્રેનમાં 823 પ્રવાસી ટ્રાવેલ કરે એની ક્ષમતા હશે. એસી થ્રી ટિયરમાં 611, એસી-ટૂ ટિયરમાં 188 અને એસી ફર્સ્ટ ક્લાસમાં 24 બર્થ ઉપલબ્ધ રહેશે. હાલમાં રુટ નક્કી કર્યો નથી, જ્યારે ટ્રેનનું ભાડું રાજધાની અને તેજસ ટ્રેન કરતા દસથી પંદર ટકા વધુ આપવું પડશે.