શાસકોને ખુશ કરવા લખાયેલા ઈતિહાસમાંથી મુક્ત થવાનો સમય આવી ગયો: અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં ‘જમ્મુ કાશ્મીર અને લદ્દાખ થ્રૂ ધ એજિસઃ અ વિઝ્યુઅલ નેરેટિવ ઓફ કન્ટિન્યુઇટીઝ એન્ડ લિન્કેજિસ’ પુસ્તકનું વિમોચન કર્યું હતું. પુસ્તકના વિમોચન વખતે ગૃહ મંત્રીએ કાશ્મીર અને ભારત સાથેના કનેક્શન અંગે મહત્ત્વની વાત જણાવી હતી.
ભારતના ઈતિહાસનું ગર્વ સાથે વિશ્વસ સમક્ષ રજૂ કરે
પુસ્તક વિમોચનના પ્રસંગે અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભૂતકાળનાં શાસકોને ખુશ કરવા માટે ઇતિહાસથી આગળ વધવાનો સમય પાકી ગયો છે. તેમણે ઇતિહાસકારોને આગ્રહ કર્યો હતો કે, તેઓ પુરાવા, તથ્યો અને તેની સમૃદ્ધ, સહસ્ત્રાબ્દી જૂની સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યનો ઉપયોગ કરીને ભારતના ઇતિહાસનું આત્મવિશ્વાસપૂર્વક દસ્તાવેજીકરણ કરે તથા તેને ગર્વ સાથે વિશ્વ સમક્ષ રજૂ કરે. તેમણે નોંધ્યું હતું કે, અત્યારે ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઊભું છે, જેમાં સરકાર પોતાનાં વારસામાં રહેલાં મૂલ્યો અને વિચારોને જાળવવા કટિબદ્ધ છે.
કાશ્મીર હંમેશાં વિવિધ ધર્મોને અપનાવનારાની રહી ભૂમિ
તેમણે જણાવ્યું હતું કે, કાશ્મીર અને લદ્દાખ ઐતિહાસિક રીતે સંસ્કૃતિનાં કેન્દ્રો તરીકે કામ કરે છે, જેનાં સર્જન, જાળવણી અને સાંસ્કૃતિક પ્રોત્સાહનને પ્રોત્સાહન મળ્યું છે. આ સમૃદ્ધ વારસાના અસંખ્ય ઉદાહરણો પુસ્તકમાં વિગતવાર છે. તેમણે નોંધ્યું હતું કે, કાશ્મીર હંમેશાં સર્વસમાવેશકતા, વિવિધ ધર્મોને અપનાવવા અને તેને વળગી રહેવાની ભૂમિ રહી છે. પછી તે બૌદ્ધ ધર્મ હોય, સૂફીવાદ હોય કે શૈવવાદ હોય, દરેક પરંપરાને કશ્મીરી ધરતી પર ખીલવાની આઝાદી મળી છે. શાહેએ બાબત તરફ પણ ધ્યાન દોર્યું હતું કે, કાશ્મીરને ઘણીવાર કશ્યપની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે, જે તેના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ પર ભાર મૂકે છે.
તથ્યોની ચાલાકી કરીને આ પ્રદેશોના ઇતિહાસનું અર્થઘટન કરવું એ નિરર્થક
અમિત શાહે જમ્મુ, કાશ્મીર અને લદ્દાખનાં ઇતિહાસને અસર કરનારી આ પ્રકારની વિકૃતિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તથ્યોની ચાલાકી કરીને આ પ્રદેશોના ઇતિહાસનું અર્થઘટન કરવું એ નિરર્થક અને ગેરમાર્ગે દોરનારું બંને છે. તેમણે નોંધ્યું હતું કે, આવી વિકૃતિઓ માત્ર માયોપિક દ્રષ્ટિ ધરાવતા ઇતિહાસકારોની કૃતિઓમાંથી જ ઉદ્ભવી શકે છે. જે લોકો ભારતના પ્રખ્યાત ભૂતકાળ વિશે જાણે છે તેઓ ક્યારેય આવી ભૂલો કરશે નહીં.
પુસ્તક સાબિત કરે છે કે, આપણો સમૃદ્ધ વારસો છે
અમિત શાહે ધ્યાન દોર્યું હતું કે આ પુસ્તક પુરાવા સાથે દર્શાવે છે કે, સમગ્ર ભારતમાં જોવા મળતી સંસ્કૃતિ, ભાષાઓ, લિપિઓ, આધ્યાત્મિક ફિલસૂફી, કળાનાં સ્વરૂપો, તીર્થયાત્રાની પરંપરાઓ અને વેપારી પદ્ધતિઓ કાશ્મીરમાં ઓછામાં ઓછાં એક હજાર વર્ષોથી મોજૂદ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે એક વખત આ ઐતિહાસિક સત્ય પ્રસ્થાપિત થઈ જાય પછી ભારત સાથે કાશ્મીરનાં જોડાણ સામે પ્રશ્નાર્થ ઊભો થાય છે, જે અપ્રસ્તુત બની જાય છે. શાહે ઉમેર્યું હતું કે, આ પુસ્તક સાબિત કરે છે કે, આપણો સમૃદ્ધ વારસો દેશનાં દરેક ખૂણામાં ફેલાયેલો છે, જે હજારો વર્ષોથી કાશ્મીરમાં મોજૂદ છે.
કાશ્મીર હંમેશાં ભારતનો અવિભાજ્ય ભાગ રહ્યું છે અને રહેશે
આ પુસ્તકમાં 8000 વર્ષ જૂના લખાણોમાંથી કાશ્મીરના સંદર્ભો પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં રાષ્ટ્રના ઇતિહાસમાં તેની અભિન્ન ભૂમિકાની પુષ્ટિ કરવામાં આવી છે. ગૃહમંત્રીએ દ્રઢપણે જણાવ્યું હતું કે, કાશ્મીર હંમેશાં ભારતનો અવિભાજ્ય ભાગ રહ્યું છે અને રહેશે. કોઈ પણ કાનૂની જોગવાઈ આ બંધનને ક્યારેય તોડી શકે નહીં, અને ભૂતકાળમાં કાશ્મીરને ભારતથી અલગ કરવાના પ્રયાસો થયા હતા, પરંતુ સમય જતાં જ તે પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા છે. તેમણે કહ્યું હતું કે, મોદી સરકાર કાશ્મીરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને પુનર્જીવિત કરવા માટે પ્રતિબદ્ધ છે અને જે ખોવાઈ ગયું છે, તેને અમે ટૂંક સમયમાં ફરીથી પ્રાપ્ત કરીશું.