અમેરિકામાં બીજો હુમલોઃ નાઈટ ક્લબમાં ફાયરિંગમાં 11 લોકો બન્યા ભોગ
New york Attack: નવા વર્ષના સતત બીજા દિવસ દરમિયાન અમેરિકામાં ફાયરિંગનો બનાવ બન્યો છે. આ બનાવ ન્યૂ યોર્કના ક્વીન્સ વિસ્તારમાં બન્યો છે, જેમાં અંધાધૂંધ ફાયરિંગમાં અગિયાર લોકો ભોગ બન્યા છે, જેમાં તમામ ઘાયલ થયા છે. આ હુમલો ન્યૂ ઓરલિન્સમાં થયેલા હુમલાના બીજા દિવસે થયો છે. વર્ષના પહેલા દિવસે એક હુમલાખોરે નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ચઢાવી દીધી હતી, ત્યારબાદ ફાયરિંગમાં પંદર લોકોના મોત થયા હતા. ન્યૂ ઓરલિન્સમાં થયેલા હુમલાખોરની ઓળખ કરવામાં આવી હતી. શમસુદ્દીન જબ્બાર નામના શખસે ટ્રક ચઢાવી દીધા પછી લોકો પર હુમલો કર્યો હતો.
આજે વધુ એક હુમલો નાઈટક્લબમાં કર્યો
ક્વીન્સ વિસ્તારની અમાજુરા નાઈટ ક્લબમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં અગિયાર લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં અગિયાર લોકોને ગંભીર ઈજા પહોંચી છે, જેમાં અનેક લોકોની નાજૂક હાલત છે. આ બનાવ પછી ઘટનાસ્થળે ન્યૂ યોર્ક પોલીસની ટીમ પહોંચી હતી, જ્યારે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નાઈટક્લબમાં ફાયરિંગ કરનારા હજુ બે શકમંદ ફરાર છે. ગોળીબાર પછી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ન્યૂ યોર્ક પોલીસની ટીમ સાથે અન્ય એજન્સી દ્વારા ઘરે જઈને તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે સીસીટીવી ફૂટેજ દ્વારા પણ તપાસ ચલાવી છે.
ફાયરિંગનો ઉદ્દેશ શું અને તપાસ હાથ ધરી
આ હુમલો કોણે કર્યો અને હેતુ શું છે એના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ન્યૂ ઓરલિન્સમાં હુમલો કરવામાં આવ્યા પછી બીજા દિવસે હુમલો કરવામાં આવ્યો છે. નવા વર્ષના પહેલા દિવસના હુમલામાં પંદર લોકોના મોત થયા છે. ન્યૂ ઓરલિન્સના હુમલાખોરનું નામ શમસુદ્દીન છે, જે ટ્રક ચલાવી રહ્યો હતો, જ્યારે તેની પાસેથી ઈસ્લામિક સ્ટેટ ઝંડો મળ્યો છે. શમસુદ્દીનના અનેક વીડિયો મળ્યા છે, જેમાં તેને અનેકની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
