પુણેમાં નશામાં ચકચૂર ડમ્પરચાલકે નવ જણને કચ્ડયા, ત્રણનાં મોત
પુણેઃ મહારાષ્ટ્રમાં રોડ અકસ્માતના કિસ્સામાં રોજે રોજ વધતા જાય છે, જેમાં તાજેતરમાં પુણેમાં ચોંકાવનારો બનાવ બન્યો હતો. નશામાં ધૂત ડમ્પરચાલકે ફૂટપાથ પર ડમ્પર ચલાવતા નવ જણને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ઘટનાસ્થળે બે બાળક સહિત ત્રણનાં મોત થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
અકસ્માત પછી ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં ત્રણ જણની હાલત ગંભીર છે. ડમ્પરચાલક નશામાં હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ મોડી રાતના પુણેના વાઘોલીના કેસનંદ નાકા સ્થિત પોલીસ સ્ટેશન સામે બન્યો હતો. આ ઘટનામાં આરોપી ડ્રાઈવરને પોલીસે ઝડપી લીધો છે.
ઈજાગ્રસ્તોને સસૂન હોસ્પિટલમાં દાખલ
વાઘોલીના કેસનંદ ફાટા નજીક રાતના સાડાબાર વાગ્યાના સુમારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે બાળકનાં મોત થયા છે. વૈભવ રિતેશ પવાર (બે વર્ષ) અને રીનેશ નિતેશ પવાર (ઉંમર ત્રણ વર્ષ) તરીકે કરવામાં આવી છે. જ્યારે અન્ય છ ઈજાગ્રસ્ત લોકોને સસૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અકસ્માતમાં ઘાયલ તમામ શ્રમિક લોકો છે. રવિવારની રાતે કામકાજ અર્થે અમરાવતીથી પુણે આવ્યા હતા. ફૂટપાથ પર લગભગ બારેક લોકો સૂતા હતા. ફૂટપાથના કિનારે એક ઝૂંપડી બનાવીને સૂતા હતા ત્યારે ડમ્પર કાળ બની ધસી આવ્યું હતું.
મોટર વ્હીકલ્સ એક્ટ અન્વયે ગુનો નોંધ્યો
આ અકસ્માત પછી આસપાસના લોકો મજૂરોને બચાવવા ધસી આવ્યા હતા અને પોલીસને પણ જાણકારી આપવામાં આવી હતી. દારુના નશામાં ચકચૂર ડ્રાઈવરને પુણે પોલીસે ઝડપી લીધો છે. મોટર વ્હીકલ્સ એક્ટ (એમવીએ) અને ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ના એક્ટ અન્વયે કેસ નોંધવામાં આવ્યા છે, એમ પુણે સિટી પોલીસે જણાવ્યું હતું.
હીટ એન્ડ રન કેસ શું છે જાણો?
હીટ એન્ડ રન કેસમાં જ્યારે કોઈ વાહનચાલક કોઈ બીજી કાર, વ્યક્તિ યા પ્રોપર્ટીને ટક્કર મારીને નુકસાન પહોંચાડે છે અને કોઈ પણ પ્રકારની જવાબદારી લીધા વિના ઘટનાસ્થળેથી ભાગી જાય છે. આ બાબતને હીટ એન્ડ રન અને હીટ એન્ડ હાઈડ પણ કહેવાય છે. અનેક કેસમાં પોલીસ આરોપીને પકડી શક્તિ નથી અને પીડિતોને ન્યાય પણ મળતો નથી. અમુક કિસ્સામાં રોડ સેફ્ટી માટે લગાવેલા સીસીટીવી કેમેરાની મદદ મળે છે.