CM દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેની મુલાકાતથી રાજકારણ ગરમાયું
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આક્રમક નિવેદનો આપ્યા પછી હવે રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે વિધાનભવનમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત વખતે ઉદ્ધવ ઠાકરેની સાથે આદિત્ય ઠાકરે પણ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં ઉદ્ધવ ઠાકરે વિધાન પરિષદના સભ્ય છે, પરંતુ દેવેન્દ્ર ફડણવીસને મળ્યા પછી રાજકારણ ગરમાયું છે.
દેશ હિત માટે બધા સાથે મળી કામ કરે એ જરુરી
ઉદ્ધવ ઠાકરે રાજ્યના વિધાનસભાના શિયાળુ સત્રમાં ભાગ લેવા માટે મંગળવારે નાગપુર પહોંચ્યા હતા. નાગપુરમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રુમમાં મુલાકાત થઈ હતી. આ મુલાકાત વખતે વિધાનસભ્ય આદિત્ય ઠાકરે, અનિલ પરબ અને વરુણ સરદેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.
દેવેન્દ્ર ફડણવીસ સાથે ઉદ્ધવ ઠાકરેની મુલાકાત અંગે આદિત્ય ઠાકરેએ એક નિવેદન આપ્યું હતું. આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે અમારી પાર્ટીના પ્રમુખે આજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અધ્યક્ષ રાહુલ નાર્વેકર સાથે મુલાકાત કરી હતી. અમે એક કદમ આગળ વધ્યા છીએ. બંનેએ મહારાષ્ટ્રના કામકાજ કરતા રાજકીય સૂઝબૂઝ બતાવવી જોઈએ. મહારાષ્ટ્ર અને દેશ હિત માટે બધાએ સાથે મળીને કામ કરવાની અપેક્ષા છે.
વન નેશનલ વન ઈલેક્શન અંગે આપ્યું નિવેદન
આદિત્ય ઠાકરેએ વન નેશન અને વન ઈલેક્શન સંબંધિત બિલ અંગે કહ્યું હતું કે આજે લોકસભામાં બિલ ફેઈલ થઈ ગયું છે. હવે કેન્દ્રમાં સરકાર બહુમતમાં છે કે લઘુમતીમાં એ સવાલ ઊભો થયો છે. રાજ્યના મંત્રીમંડળના પણ પોર્ટ ફોલિયો ઝડપથી ફાળવવાની અપેક્ષા છે. એટ લિસ્ટ ગૃહ વિભાગ જેવું મહત્ત્વનું ખાતું કોની પાસે રહેશે એ સ્પષ્ટ થવું જોઈએ, જેથી રાજ્યમાં લો એન્ડ ઓર્ડર કાયમ રહે એ જરુરી છે.