RBIને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, મુંબઈ પોલીસ એક્શનમાં
મુંબઈઃ પાટનગર દિલ્હીની અનેક ખાનગી સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા બાદ કેન્દ્રીય રિઝર્વ બેંકને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી મળ્યા પછી પોલીસ પ્રશાસન હરકતમાં આવી ગયું. રશિયન ભાષામાં મળેલા ઈમેલથી પોલીસ પ્રશાસન દ્વારા તાકીદે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંકને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી મળી છે, જેમાં ગઈકાલે બપોરે મળેલા એક ઈમેલને ગંભીરતાથી ધ્યાનમાં લઈને મુંબઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઈમેલ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ તેની સત્તાવાર વેબસાઈટ પર મળી હતી. આ ધમકીભર્યા ઈમેલ પછી મુંબઈ સ્થિત એમઆરએ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો સામે કેસ નોંધાવ્યો છે અને તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યાનુસાર આ ઈમેલ આરબીઆઈની સત્તવાર વેબસાઈટ પર આવ્યો છે. પોલીસ પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવાની સાથે સુરક્ષા એજન્સીને પણ સતર્ક કરવામાં આવી છે, કારણ કે એ ઈમેલ રશિયન ભાષામાં છે.
સુરક્ષા એજન્સી દ્વારા તમામ એન્ગલથી તપાસ હાથ ધરવામાં આવી છે. ઈમેલ મોકલવાનો ઉદ્દેશ શું હતો તો એની તપાસ હાથ ધરવામાં આવી છે. અહીં એ જણાવવાનું કે ગયા મહિના દરમિયાન આરબીઆઈના કસ્ટમર કેર નંબર પર ધમકીભર્યો કોલ આવ્યો હતો. આ કોલમાં ધમકી આપનારાએ પોતાને લશ્કર એ તૈયબાનો સીઈઓ હોવાનું જણાવ્યું હતું અને કેન્દ્રીય બેંકને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી આપી હતી. શુક્રવારે પણ આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર ઈમેલ આવ્યાના સમાચાર પૂર્વે સવારે દિલ્હીની સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી પછી દિલ્હી પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી.